હજી તો શિયાળો માંડ શરુ થયો છે અને દેશની રાજધાનીના શહેર દિલ્હીમાં પ્રદૂષણનો કકળાટ શરૂ થઇ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષથી દર વર્ષે ત્યાં શિયાળામાં વાયુના પ્રદૂષણની સમસ્યા ઉભી થાય છે કારણ કે શિયાળામાં દિલ્હીમાં ધુમ્મસ જામે છે. ધુમ્મસ તો ત્યાં સદીઓથી જામતું આવ્યું છે પરંતુ હવે ત્યાં વાહનો એટલા બધા વધી ગયા છે કે આ ખનિજતેલ ચાલિત વાહનોનો ધુમાડો અને ઉદ્યોગોના ધુમ્મસનો ધુમાડો ધુમ્મ્સ સાથે ભળતા સખત વાયુ પ્રદૂષત સર્જાય છે. રાજધાની દિલ્હી અને તેની આજુબાજુનો વિસ્તાર કે જ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ-એનસીઆર તરીકે ઓળખાય છે ત્યાં આ સમસ્યા સર્જાઇ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ સમસ્યા ખૂબ વધી ગઇ છે. આ વર્ષે હવે એક સર્વેક્ષણમાં તો એવું બહાર આવ્યું છે કે દિલ્હી શહેર અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાં દર પાંચ કુટુંબોમાંથી ચારમાં છેલ્લા કેટલાક સપ્તાહમાં પ્રદૂષણને લગતી બિમારીઓ જોવામાં આવી રહી છે.
લોકલસર્કલ્સ નામના જૂથ દ્વારા આ બાબતે ૧૯૦૦૦ લોકો પર સર્વે કરવામાં આવ્યો હતો અને તેમાંથી ૧૮ ટકા લોકોએ તો આ બિમારીઓ અંગે ડોકટરની મુલાકાત પણ લીધી છે એમ જાણવા મળેછે. આ સર્વેક્ષણમાં એમ પણ જણાયું છે કે જેમના પર સર્વે કરવામાં આવ્યો હતો તે કુટુંબોમાંથી ૮૦ ટકા કુટુંબોમાંથી કુટુંબના ઓછામાં ઓછા એક સભ્યને હવાના પ્રદૂષણને કારણે શ્વસનને લગતી કોઇને કોઇ પ્રકારની સમસ્યા છે. દિલ્હી, નોઇડા, ગાઝીયાબાદ, ગુરુગ્રામ વગેરે વિસ્તારોમા આ સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું . જેમના પર આ સર્વેક્ષણ કરવામાં આવ્યું છે તે દિલ્હી-એનસીઆરના દર પાંચ કુટુંબમાંથી ચારમાં કોઇકને ને કોઇકને પ્રદૂષણને લગતી માંદગી છે અને તેમાંથી ૧૮ ટકા તો ડોકટરની મુલાકાત લઇ ચુક્યા છ એમ આ સર્વેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
કયા પ્રકારની બિમારીનો સામનો કુટુંબીજનો કરે છે એવા પ્રશ્નના જવાબમાં ૮૦ ટકા કુટુંબોએ જણાવ્યું હતું કે પ્રદૂષણને કારણે તેઓ એકથી વધુ તકલીફોનો સામનો કરી રહ્યા છે જ્યારે સાત ટકાએ પ્રદૂષણને કારણે પોતે કોઇ સમસ્યાનો સામનો કરતો હોવાનો ઇન્કાર કર્યો હતો. એમ પણ જાણવા મળ્યું છે કે વાયુ પ્રદૂષણની અસરથી બચવા કેટલાક લોકો હાલ કામચલાઉ રીતે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની બહાર વસવા ગયા છે જ્યારે જેઓ ત્યાં જ રહી રહ્યા છે તેમાંના મોટા ભાગના લોકો આની કિંમત ચુકવી રહ્યા છે. સર્વે પરથી કાઢવામાં આવેલા અંદાજ મુજબ ૧૩ ટકા લોકો હંગામી રીતે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની બહાર રહેવા ગયા છે. આ બાબત પણ ગંભીર કહી શકાય. પ્રદૂષણને કારણે દિલ્હીના લોકો શિયાળામાં હંગામી રીતે બીજા સ્થળોએ વસવા જવા માટે મજબૂર બની રહ્યા છે એમ કહી શકાય.
દિલ્હીમાં ત્યાંની રાજ્ય સરકારે શિયાળામાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લેવા માટે વિવિધ પગલાઓ ભરવાના શરૂ કર્યા છે. તેણે ડીઝલથી ચાલતા નાના વાહનો પર પ્રતિબંધ, દિલ્હી શહેરમાં આવશ્યક સેવાઓ સિવાયની મોટી ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ વગેરે પગલાઓ શરૂ કર્યા છે. અગાઉ પણ દિલ્હી સરકારે શિયાળાઓમાં પ્રદૂષણને કાબૂમાં લેવા વિવિધ પગલાઓ ભર્યા હતા. વાહનો માટે એકી બેકી તારીખની યોજના, કેટલોક સમય શાળા-કોલેજો બંધ રાખવી, સરકારી કર્મચારીઓ માટે હંગામી ધોરણે વર્ક ફ્રોમ હોમ, શહેરી વિસ્તારમાં બાંધકામ પ્રવૃતિ પર પ્રતિબંધ વગેરે પગલાઓનો આમાં સમાવેશ થાય છે. જો કે આવા પગલાઓથી કામચલાઉ રાહત મળી શકે પરંતુ ભયંકર પ્રદૂષિત શહેરનું દિલ્હીનું કલંક મટી શકે તેમ નથી. આ મહાનગરમાં પ્રદૂષણને નોંધપાત્ર રીતે અંકુશમાં લેવા લાંબા ગાળાના અને નક્કર પગલાઓની જરૂર છે. જો ત્યાં પ્રદૂષણ બેરોકટોક વધતું જ જશે તો એક સમયનું ખુશનુમા આ શહેર નર્કાગારમાં ફેરવાઇ જશે.