નવી દિલ્હી: સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ખરાબ રીતે હાર્યા બાદ લખનઉ ટીમના માલિક સંજીવ ગોએન્કાએ ગ્રાઉન્ડ પર જ ટીમના કેપ્ટન કે.એલ. રાહુલને ખખડાવ્યા હતા. આ વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. ક્રિકેટ એક્સપર્ટ અને ફેન્સે આ મામલે અનેક પ્રતિક્રિયા આપી હતી. હવે ખુદ કે.એલ. રાહુલનો એક વીડિયો સામે આવ્યો છે.
IPL 2024 વિવાદોને કારણે ચર્ચામાં છે. રોહિત શર્મા-હાર્દિક પંડ્યાનો મામલો હોય કે પછી કેએલ રાહુલ-સંજીવ ગોયન્કા વિવાદ. આ વિવાદો પર દરરોજ નવા અપડેટ્સ આવી રહ્યા છે. રાહુલ-ગોયેન્કા વિવાદ બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે લખનઉ સુપરજાયન્ટ્સ પણ પોતાના કેપ્ટનને બદલી શકે છે. આ દરમિયાન કેએલ રાહુલનું એક નિવેદન આવ્યું છે, જેમાં તેણે પોતાના ચાહકોને ખાસ અપીલ કરી છે. ટીમના માલિક સંજીવ ગોયન્કા સાથેના વિવાદ બાદ રાહુલે પહેલીવાર કંઈક કહ્યું છે.
લખનઉ સુપરજાયન્ટ્સ (LSG) ને 8મી મેના રોજ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ લખનઉના કેપ્ટન કેએલ રાહુલ અને ટીમ ઓનર સંજીવ ગોયેન્કા મેદાન પર મળ્યા અને કંઈક વાત કરી હતી.
આ વાતચીતમાં સંજીવ ગોયેન્કાની બોડી લેંગ્વેજ એવી હતી કે જાણે તેઓ કેપ્ટનને ખિજવાઈ રહ્યા હોય. આનાથી ક્રિકેટ ચાહકો ખૂબ નારાજ થયા હતા. કોમેન્ટેટર્સે પણ કહ્યું કે જો ટીમની વ્યૂહરચના અથવા કોઈ મતભેદ અંગે ચર્ચા હોય તો તે મેદાન પર ન થવી જોઈએ. આવી વાતચીત ફક્ત કેમેરાની બહાર થવી જોઈએ.
આ વીડિયો સામે આવ્યા બાદ અનેક અટકળો લગાવવામાં આવી હતી. કેટલાક ચાહકોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આ અપમાન બાદ કેએલ રાહુલે કેપ્ટન્સી છોડી દેવી જોઈએ. બીજી તરફ કેટલાક યુઝર્સે લખ્યું કે ટીમ ઓનરને તેના કેપ્ટનને પ્રશ્નો પૂછવાનો સંપૂર્ણ અધિકાર છે.
આ દરમિયાન કેએલ રાહુલનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતાની ટીમ વિશે વાત કરી રહ્યો છે. તેણે કહ્યું, ‘છેલ્લા બે વર્ષ અમારી ફ્રેન્ચાઈઝી માટે સારા રહ્યા છે. તે આખી ટીમ વિશે છે, જેમ કે મારા માટે કેપ્ટન તરીકે અથવા નવા કોચ જસ્ટિન લેંગર અને ટીમના માલિક સંજીવ ગોયેન્કા માટે જેઓ એક મહાન ટીમ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીમ ખૂબ જ સ્પર્ધાત્મક અને સંતુલિત છે. તો મહેરબાની કરીને સ્ટેડિયમમાં આવો અને અમને ટેકો આપો, જેમ તમે પહેલાથી જ કરી રહ્યા છો.
દરમિયાન લખનઉ સુપરજાયન્ટ્સના સહાયક કોચ લાન્સ ક્લુઝનરે કેપ્ટન કેએલ રાહુલ અને ટીમના માલિક સંજીવ ગોયન્કા વચ્ચેના વિવાદ પર સ્પષ્ટતા આપી છે. લખનઉ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચના એક દિવસ પહેલા ક્લુઝનરે કહ્યું, મને આમાં કોઈ સમસ્યા દેખાતી નથી. આ બંને વચ્ચેની વાતચીત હતી જેમાં મતભેદ થયો હતો. અને કોઈપણ ટીમને સુધારવા માટે, તફાવતો પર ચર્ચા જરૂરી છે.