વડોદરા: વડોદરા શહેરના આજવા સરોવર ના 62 દરવાજા માંથી 15 દિવસ બાદ 211 ફૂટના લેવલ પછીનું વધારાનું પાણી વિશ્વામિત્રીમાં સતત ઠલવાતું બંધ થયું છે. આજે સવારે છ વાગે આજવા સરોવરનું લેવલ 211.00 ફૂટ થતા પાણી ઓવરફ્લો થવાનું બંધ થયું હતું. છેલ્લા સાત દિવસથી ઉઘાડ છે અને વરસાદે વિરામ રાખ્યો છે એટલે આજવાના લેવલમાં ધીમે ધીમે સતત ઘટાડો ચાલુ રહ્યો હતો. આજવા સરોવર અને ઉપરવાસમાં ગઈ 18મી જુલાઈની રાત્રીએ વરસાદ થવાને લીધે 19 મીએ સવારે સપાટી 211 ફૂટ થી વધી જતા 62 દરવાજામાંથી પાણી નદી તરફ વહેતા થયા હતા, ત્યારથી માંડીને આજ સવાર સુધી 62 દરવાજા પરથી પાણી ચાલુ જ રહ્યા હતા.
ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં આજવાનું લેવલ સૌથી વધુ 211.75 ફૂટે પહોંચી ગયું હતું, અને 3,882 ક્યુસેક પાણી વિશ્વામિત્રીમાં આવતું હોવાથી પૂર આવે તેવો ભય ઊભો થયો હતો, પરંતુ વરસાદ થંભી જતા તંત્ર એ રાહત અનુભવી હતી. ચોમાસાની ચાલુ સિઝનમાં અત્યાર સુધીમાં આજવા વિસ્તારમાં મોસમનો કુલ વરસાદ 753 મિ મી થયો છે. સરકારની ગાઈડલાઈન મુજબ આજવા સરોવરમાં 15 ઓગસ્ટ સુધી 62 દરવાજાનું લેવલ 211 ફૂટ રાખવાનું છે. હજુ પણ જો વરસાદ થાય અને પાણીનું લેવલ 211 ફૂટથી વધી જાય તો તે પાણી વિશ્વામિત્રીમાં આવતું ચાલુ થઈ જશે. 15 ઓગસ્ટ બાદ આજવા સરોવરમાં 212 ફૂટ સુધી પાણી ભરી શકાશે.