Comments

૧૪ વર્ષ અમેરિકા અને બ્રિટનમાં વનવાસ પછી વિકિલિક્સનો સ્થાપક અસાંગે મુક્ત બનીને ઑસ્ટ્રેલિયા પાછો ફર્યો છે

જુલિયન અસાંગે, વિકિલિક્સના સ્થાપક, ૧૪ વર્ષના લાંબા ગાળા બાદ એક મુક્ત વ્યક્તિ તરીકે પોતાની માતૃભૂમિ એવી ઑસ્ટ્રેલિયાની ધરતી પર કેનબેરા ખાતે ઊતર્યા છે. અસાંગે ઉપર મુસીબત આવી એનું મૂળ કારણ એણે સ્થાપેલ વિકિલિક્સ (WikiLeaks) વેબસાઇટ હતી, જેના દ્વારા એણે હજારો ખાનગી ડોક્યુમેન્ટ જાહેરમાં મૂકવાનું શરૂ કર્યું હતું, જેમાં અમેરિકન સરકાર, અમેરિકાના મહાકાય કોર્પોરેશન તેમજ કેટલીક વ્યક્તિગત ઇમેલ્સનો પણ સમાવેશ થાય છે.

અસાંગે ઉપર ૨૦૧૯માં વર્જિનિયા ખાતે એક ડઝન કરતાં વધારે ગુનાઓ, ખાસ કરીને અમેરિકાના અફઘાનિસ્તાન અને ઇરાક યુદ્ધ અંગેની અત્યંત ગોપનીય માહિતી વિકિલિક્સ સાઇટ ઉપર પ્રકાશિત કરવા સહિતના આરોપ લાગ્યા હતા. તાજેતરમાં જ અસાંગે દ્વારા પોતાના ઉપરના આક્ષેપો સ્વીકારી લેવાતાં લાંબી કાયદાકીય પ્રક્રિયાનો અંત આવ્યો અને હવે એ મુક્ત બન્યો છે. એને હવે વધારાનો કોઈ સમય જેલમાં ગાળવાનો નહીં રહેવાથી ૨૬ જૂને એ ઑસ્ટ્રેલિયા પાછો ફર્યો. અસાંગેની આ મુક્તિ અંગે મોટા ભાગના ઑસ્ટ્રેલિયનો ખુશ છે. અસાંગે પાંચ વર્ષ સુધી જેલમાં હતો અને તે પહેલાં સાત વર્ષ એણે ઇક્વેડોર ખાતેની લંડન એમ્બેસીમાં છુપાઈને ગાળવાં પડ્યાં હતાં. એને ૨૦૧૯માં વર્જિનિયા ખાતે જ્યુરીએ સજા ફટકારી હતી, જે અમેરિકાની મિલિટરી સિક્રેટ પ્રકાશિત કરવા માટેની હતી.

અમેરિકાએ બ્રિટનમાંથી અસાંગેને પોતાના દેશમાં ટ્રાન્ફસર માટે પેરવી કરી હતી, જે થયું હોત તો એણે ૧૭૫ વર્ષની જેલની સજા અમેરિકામાં ભોગવવાની થાત. એણે જે માહિતી વિકિલિક્સ વેબસાઇટ થકી જાહેર કરી હતી તેમાં અમેરિકન હેલિકોપ્ટર દ્વારા બગદાદ ઉપર હુમલો કરીને રોઇટરના ફોટોગ્રાફર નામીર નૂર અલદીન અને એના આસિસ્ટન્ટ સઇદ ચમાઘ સમેત ઇરાકી નાગરિકોની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ઘવાયેલાંઓને લઈ જવા માટે બચાવ વાન આવી ત્યારે એના ઉપર પણ અમેરિકન હેલિકોપ્ટર દ્વારા ગોળીઓ વરસાવવામાં આવી હતી. હેલિકોપ્ટરમાંથી આવતો ‘બધાને સાફ કરી નાખો’ના અવાજનો વિડિયો પણ રીલિઝ થયો હતો.

૨૦૧૬માં વિકિલિક્સ દ્વારા ડેમોક્રેટિક પ્રેસિડેન્સિયલ ઉમેદવાર બર્નીસ એન્ડર અને હિલેરી ક્લિન્ટન વચ્ચેનો કડવાશભર્યો ઇમેલ વ્યવહાર જાહેર થયો હતો. આ જ રીતે ટ્રમ્પને લગતી માહિતી પણ લીક કરવામાં આવી હતી. ઉપરાંત ઇરાક યુદ્ધ અંગેની બીજી વર્ગીકૃત માહિતી બહાર પાડવામાં આવી હતી, જે માટે તેને જેલની સજા કરવામાં આવી હતી. આ બધા જમેલામાંથી ૧૪ વર્ષના લાંબા સમય બાદ અસાંગે છૂટ્યો. 

ટૂંકમાં, વિકિલિક્સના માલિક અસાંગે દ્વારા અફઘાનિસ્તાન અને ઇરાકના યુદ્ધોથી માંડીને અમેરિકાના જૂદા જૂદા ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ, સેક્રેટરી ઑફ સ્ટેટ જેવા અત્યંત સંવેદશનીલ કામ કરનાર વ્યક્તિને લગતી એવી સંવેદનશીલ માહિતી જાહેર કરવામાં આવી હતી, જે માટે અમેરિકાના કાયદા પ્રમાણે અસાંગેને કુલ મળીને ૧૭૫ વર્ષની જેલની સજા થઈ શકી હોત. સદ્નસીબે એ બ્રિટન ભાગી ગયો અને ત્યાં રાજ્યાશ્રય મેળવવા પ્રયત્ન કર્યો, પકડાયો અને ત્યાર બાદ કૉર્ટ સામે પોતાના ગુનાનો એકરાર કર્યો તેને કારણે એને માત્ર પાંચ વર્ષ જેટલી સજા થઈ અને કુલ આ આખોય બનાવ જ્યારથી વિવાદમાં આવ્યો અને એના ઉપર પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી લઈને માત્ર ૧૪ વર્ષ જેટલા સમયગાળામાં જ બધું આટોપાયું અને અસાંગે પોતાના દેશ ઑસ્ટ્રેલિયા પાછો ફરી શક્યો. એ રીતે અસાંગે માટે પ્રમાણમાં આ બધું સસ્તામાં પત્યું એમ કહી શકાય.

વિકિલિક્સે એક જમાનામાં જે તરખાટ મચાવ્યો હતો અને તે શું જાહેર કરવા જઈ રહ્યું છે, તેનાથી ભલભલા રાજપુરુષો તેમજ દેશો ચિંતામાં મૂકાઈ જતા હતા તે અંતે કાયદાને હાથે સજા પામ્યું અને તેના સ્થાપક અસાંગેને એ માટે ભોગવવું પડ્યું. ગુનેગાર ગમે તેટલો હોંશિયાર હોય તો પણ કાયદાના હાથ લાંબા છે અને છેવટે કાયદો એને પોતાના ફાંસલામાં ફસાવી દેશે એનું આ આદર્શ ઉદાહરણ છે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top