Columns

12th કોમર્સ પછી….

મિત્રો, 12th કોમર્સનું પરિણામ ધારવા કરતાં ગત વર્ષ કરતાં 13-14% જેટલું ઓછું આવ્યું. સાથે જ મધ્યમ ટકાવારી મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધી ગઇ. સાથે જ વાલી-વિદ્યાર્થીઓને હંમેશાં મૂંઝવણ રહેતી હોય કે શું B. Com સાથે C.A./C.S. કરવું જ રહ્યું? B.B.A.કરીએ તો ચાલે કે નહીં? કોમર્સ ક્ષેત્રે ન જવું હોય તો અન્ય વિકલ્પો કયાં? કોમર્સ પછી કોમ્પ્યુટર ક્ષેત્રે જવાય કે નહીં?

અત્રે ખાસ કહેવાનું કે ધો. 12 પછી જયારે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની પસંદગી કરવાની હોય છે ત્યારે લાંબા ગાળાના ધ્યેયને ધ્યાનમાં રાખી સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ પસંદ કરવો કેમ કે જે તે અભ્યાસક્રમ તમારા ભવિષ્યનાં નોકરી-ધંધા પર ખાસ અસરકારક પરિબળ બની રહેશે માટે હવે પછીનાં પાંચ – છ વર્ષ તમે તમારી જાતને કયાં વ્યવસાયમાં કામ કરતાં જોઈ શકો છો/કલ્પના કરી શકો છો તે મહત્ત્વનું છે. કોમર્સ, આર્ટસ કે વિજ્ઞાનપ્રવાહ પછી ઘણા બધા એવા પણ વિકલ્પો છે જેમાં કોઇ પણ પ્રવાહના વિદ્યાર્થીને પ્રવેશ મળી શકે છે પરંતુ અત્રે હાલના ટ્રેન્ડમાં મળતા સ્પેશ્યલાઈઝેશનની વાત કરીશું.

Bachelor of Commerce (B.Com.)
આ કોર્સ દરમ્યાન ચોક્કસ વ્યવસાય ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે વિદ્યાર્થીઓને જરૂરી સંચાલકીય કૌશલ્યો પ્રદાન કરવા માટે વાણિજ્ય, અર્થશાસ્ત્ર, વ્યવસાય કાયદા, એકાઉન્ટન્સી, ટેકસેશન અને ફાઈનાન્સ જેવા વિષયોનું મૂળભૂત અને ઊંડું જ્ઞાન આપવામાં આવે છે. B.Com સાથે Basic Accounting concepts, Fundamentals of Taxation, Introduction to Corporate Finance જેવાં સર્ટિફિકેટ કોર્સ કરવાથી સારી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીની તકો ઉજ્જવળ થાય છે.

Bachelor of Economics:
જેમાં વિદ્યાર્થી માલ અને સેવાઓના ઉત્પાદન, વિતરણ અને વપરાશનું વિશ્લેષણ શીખે છે. જેમને બેન્કીંગ અને ફાઈનાન્સ અને અન્ય કોર્પોરેટ ઉદ્યોગોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવી છે તેઓ આની પસંદગી કરી શકે છે.
B.Com in Marketing :
જેમને ફાઈનાન્સ, બેન્કીંગ ક્ષેત્રે કારકિર્દી ન બનાવવી હોય તેમને માટે સારો વિકલ્પ છે. જેમાં સેલ્સ મેનેજમેન્ટ, કવોલિટી મેનેજમેન્ટ, કોમ્યુનિકેશન, એડવર્ટાઇઝીંગ જેવા વિષયોનો સમાવેશ થાય છે. મૂળ જાહેરાત અને માર્કેટિંગનાં ક્ષેત્રે આગળ વધવા માટે સર્જનાત્મક કૌશલ્યો અને તાર્કિક વિચારસરણીની ક્ષમતા હોવી જરૂરી છે.

Bachelor of Accounting and Finance (BAF)
જેમાં નાણાંકીય વિશ્લેષણ અને એકાઉન્ટીંગ ધોરણોની પ્રક્રિયા સાથે સંકળાયેલ ટેક્નિકલ કૌશલ્યો સાથે ઊંડાણપૂર્વકનું જ્ઞાન પ્રદાન કરે છે. જેમને ઓડીટ મેનેજર અથવા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર તરીકે કારકિર્દી બનાવવી હોય તેઓ આની પસંદગી કરી શકે છે.
B.Com in Financial Market: (BFM)
આ અભ્યાસક્રમમાં નાણાંકીય બજારોમાં બોન્ડસ, સ્ટોકસ અને કોમોડીટીઝ જેવી નાણાંકીય સિકયોરીટીઝનો વેપાર કરવા માટેનાં જરૂરી જ્ઞાન +કુશળતા પ્રદાન કરવામાં આવે છે. સાથે જ અદ્યતન અભ્યાસક્રમમાં ઇકિવટી બજારો, વિદેશી વિનિમય બજારો વિષેના અભ્યાસ પણ સામેલ કરવામાં આવે છે.

B.Com in Tourism and Travel management:
ટ્રાવેલ અને ટુરીઝમ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક 9-10% ગ્રોથ રેટ છે. આ અભ્યાસક્રમ પ્રવાસ અને પ્રવાસન વ્યવસાયના નાણાંકીય અને આર્થિક વ્યવસ્થાપન પર ભાર આપે છે. આ કોર્સ કોર્પોરેટ માર્કેટિંગ, ટૂરીઝમ માર્કેટીંગ, હોટલ મેનેજમેન્ટ, ઇકો ટુરીઝમ જેવા વિષયમાં નિષ્ણાત બનાવે છે.
B. B.A. Bachelor of Business Administration
B.Com પછીનો સૌથી વધુ ફેવરીટ વિકલ્પ જો કોઇ હોય તો આ છે. જે બિઝનેસ સિદ્ધાંતો અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિશે જ્ઞાન પ્રદાન કરે છે. જે વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ક્ષમતાઓને વધારી વ્યાવસાયિક દૃષ્ટિ કેળવવામાં મદદ કરે છે.

B.B.A. in International Business
એ ઉદ્યોગ આધારિત અભ્યાસક્રમ છે. જે વિદેશ વેપારની સમજ ઊભી કરવા માટે મદદરૂપ થાય છે. આ પ્રોફેશનલ ડિગ્રી કોર્સ વ્યૂહાત્મક સંચાલન, ઓપરેશન મેનેજમેન્ટ, માર્કેટીંગ અને ફાઈનાન્સ સમજવામાં મદદ કરે છે.
Mass Communication & Journalism:
આ ક્ષેત્ર ફાઈનાન્સ અને બિઝનેસ ફિલ્ડની બહારનું છે. જેમાં મીડિયા હાઉસ પબ્લિક રિલેશન્સ, કોર્પોરેટ કોમ્યુનિકેશન, ઇવેન્ટ મેનેજમેન્ટ જેવાં ક્ષેત્રે કારકિર્દી વિકસાવવામાં મદદ કરે છે.

Bachelor of Business Administration Computer Application (BBA-CA)
IT પ્રોફેશનલ્સને IT યુઝર સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રકચરમાં આગળ વધવામાં મદદ કરે છે. અન્ય અભ્યાસક્રમ MSC IT જેમાં કોમર્સના વિદ્યાર્થીને પણ પ્રવેશ મળે છે અને કોમ્પ્યુટર ક્ષેત્રે કારકિર્દી વિકસાવી શકાય છે. ઉપરોકત અભ્યાસક્રમો ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમ તરીકે પણ વિવિધ કોલેજો/યુનિવર્સિટીમાં ઉપલબ્ધ છે.
CA અને CS
એ વિષે આપણે સૌ જાણીએ જ છીએ. આ બંને અભ્યાસક્રમો જે USA સિવાયના વિશ્વભરના એકાઉન્ટીંગ વ્યાવસાયિકો માટે એક પ્રતિષ્ઠિત અભ્યાસક્રમ છે. CA દ્વારા તમે ટેકસ કાયદા, કરવેરા, કોર્પોરેટ કાયદા, વ્યવસાય કાયદા અને ઓડિટીંગ જેવા વિષયો શીખી નિષ્ણાત બની શકો છો. જયારે CS વિદ્યાર્થીઓને કાનૂની દરખાસ્તો અને કંપનીઓના કરારો વિશે માહિતગાર કરે છે.

Cost and Management Accountant : (CMA)
આ પ્રોફેશનલ કોર્સ વિદ્યાર્થીઓને બિઝનેસ મેથેમેટીકસ, અર્થશાસ્ત્ર, કોસ્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે નિપુણતા પ્રદાન કરે છે.
અન્ય કોર્સ
બીજા અન્ય કોર્સ જેવા કે- BA in Humanities & Social Sciences, Bachelor in Designing જેવા ઇન્ટીગ્રેટેડ અભ્યાસક્રમો ચલાવે છે. ડિઝાઈનીંગના ક્ષેત્રે-ફેશન ડિઝાઈનીંગ, ઇન્ટિરિયર ડિઝાઈનીંગ, એકસેસરી ડિઝાઈન, ટેકસટાઈલ ડિઝાઈન, ગ્રાફિક ડિઝાઈન, મલ્ટી મીડિયા ડિઝાઈન, વિઝ્યુઅલ ઇફેકટ ડિઝાઈન જેવી અનેક વિશેષતા ઉપલબ્ધ. કારકિર્દી ક્ષેત્રે દરરોજ નવી ક્ષિતિજો ઉભરતી જતી હોય છે. તમારી અભિયોગ્યતા, રસ, પર્સનાલીટીને ધ્યાનમાં રાખી પસંદગી કરશો તો સફળતા સરળ અને સહજ બનશે. Take the right decision at right time.

Most Popular

To Top