દેશના ગૃહ મંત્રી અમિત શાહે એક મહત્વની વાત કરી છે કે, લોકસભાની ચૂંટણી પૂરી થયે કાશ્મીરમાં અફ્સ્પા હટાવી લેવાશે અને સ્થાનિક પોલીસને વધુ સત્તા અપાશે. આ જાહેરાત આવકાર્ય છે. આનો અર્થ એ પણ થાય છે કે, કાશ્મીરમાં હવે ચૂંટણી આવી રહી છે. લાંબા સમયથી કાશ્મીર પોલીસ સ્ટેટ બની ગયું છે. લોકશાહી ફરી ક્યારે આવશે એ પ્રશ્ન પૂછાતો રહ્યો. ક. ૩૭૦ દૂર કરાયા બાદ સરકારે અલગાવવાદી અને વિપક્ષી નેતાઓને લાંબા સમય સુધી નજરકેદ કર્યા.
જો કે, કાશ્મીરમાં આતંકી ઘટનાઓ ઘટી છે. પ્રવાસન ક્ષેત્ર ધમધમતું થયું છે તો પછી ચૂંટણી ક્યારે? એ પ્રશ્નનો જવાબ મળતો નહોતો અને હવે ગૃહ મંત્રીએ જે જાહેરાત કરી છે એના પરથી સમજાય છે કે, ચૂંટણી નજીક છે. કાશ્મીરને ફરી વિધાનસભા મળે અને લોકોનું પ્રતિનિધિત્વ બને અને સરકાર ચાલે એ આવશ્યક છે. અફ્સ્પા હટાવી લેવાશે એ સારી નિશાની છે કારણ કે, લશ્કરને અમર્યાદિત સત્તા આપવાથી કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. માનવાધિકાર ભંગના કેસ પણ વધ્યા હતા.
પણ કાશ્મીર વિષે ગૃહ મંત્રી બોલ્યા , લદાખ વિષે મૌન રહ્યા. લદાખ પણ યુટી છે અને ત્યાં ય પણ લોકશાહી પાછી સ્થપાય એવું લદાખી ઈચ્છે છે. તાજેતરમાં પર્યાવરણવાદી અને ઇનોવેટર સોનમ વાંગચુક દ્વારા લડાખને છઠ્ઠા શીડ્યુલમાં સમાવવા માટે ૨૧ દિવસનું અંશન કરવામાં આવ્યું. બાર ચૌદ હજાર ફૂટ ઉપર અને માઈનસ દસ બાર ડીગ્રી તાપમાનમાં આંદોલન થયું અને એમાં રોજ ૨૦૦ – ૩૦૦ લોકો જોડાતાં રહ્યાં. આમ છતાં સરકાર દ્વારા કોઈ વાતચીત માટે સંકેતો ના અપાયા. અરે ! હોળીના દિવસે તો રક્ષા મન્ત્રી લેહમાં હતા. લશ્કરના જવાનો સાથે કાર્યક્રમ કર્યો પણ એ સોનમ વાંગચુકને ના મળ્યા કે એમની માગણી વિષે કોઈ વાત કરી.
અરે ! દેશના મુખ્ય મિડિયામાં પણ આ વિષે બહુ કવરેજ ના કરાયું. કોઈએ સ્થળ પર જઈ કાર્યક્રમ ના કર્યો. વાંગચુકનો ઈન્ટરવ્યુ ના કર્યો. વાંગચુક બહુ શાલીનતાથી સોશ્યલ મિડિયામાં વાત કરતા રહ્યા અને આખરી દિવસે એમણે વડાપ્રધાનને વિનંતી કરી પણ એનો ય કોઈ જવાબ અપાયો નથી. આ બહુ નાનો પ્રદેશ છે અને અહીં વસ્તી છે એટલા જ પ્રવાસીઓ દર વર્ષે આવે છે. અહીં છે એ બીજે ક્યાંય નથી. અહીં હિમ દીપડાની સંખ્યા સારી એવી છે એ જ રીતે અન્ય પશુ પક્ષીઓ રેર છે. અહીં વરસાદ બહુ ઓછો પડે છે. લોકોની સંસ્કૃતિ અલગ છે. અહી પહાડોનું જે સૌન્દર્ય છે એ અનન્ય છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, પર્યાવરણની અને દેશની સુરક્ષાની દૃષ્ટિએ આ વિસ્તાર મહત્ત્વનો છે. કારણ કે અહીં ચીન અને પાકની સરહદ લાગે છે અને ચીન સાથે સંઘર્ષ થયો છે. તાપમાન વધવાથી હિમાલયનાં ગ્લેશિયર પીગળવા લાગ્યાં છે અને આવતાં વર્ષોમાં વધુ હાલત બગડી શકે છે અને એ કારણે પ્રવાસન પર પણ અમુક મર્યાદા મૂકવાની જરૂર છે અને અમુક પ્રકારના ઉદ્યોગો ના સ્થપાય એ જરૂરી છે.
આ જ કારણે વાંગચુક દ્વારા છઠ્ઠા શીડ્યુલની વાત થઇ છે. જે વિસ્તારોમાં આદિવાસી પ્રજાની સંખ્યા વધુ હોય ત્યાં આ કેટેગરી આપી શકાય એમ છે અને આસામ , મિઝોરમને અપાઈ છે. તો લડાખ કેમ નહિ? અને સ્વાયત્ત વહીવટી તંત્ર મળે એ માટે અમુક ચૂંટાયેલી બોડી જરૂરી છે. વિધાનસભા જરૂરી છે. અહી યુરેનિયમનો વિશાળ જ્થ્થો છે અને સરકાર ખનન માટે છૂટ આપી ઉદ્યોગોને જમીન આપી શકે છે. આવા ઉદ્યોગો લડાખને પર્યાવરણની દૃષ્ટિએ નુકસાનકારક છે. ઉત્તરાખંડમાં જે બન્યું એ અહીં ના બને એ માટે તકેદારી જરૂરી છે. પણ લાગે છે કે, સરકારને લડાખમાં લદાખીઓની માગણી સંતોષવામાં રસ નથી.
કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકે?
અરવિંદ કેજરીવાલ જેલમાં છે અને કેટલો સમય જેલમાં રહેશે એ કહેવું મુશ્કેલ છે. એમના સાથી મનિષ સિસોદિયા અને સંજય સિંહ લાંબા સમયથી જેલમાં છે અને ઇડીની માગણી સામે કોર્ટે કેજરીવાલને ૧ એપ્રિલ સુધી રિમાન્ડ અપાઈ છે. હવે સવાલ એ છે કે, કેજરીવાલ શું જેલમાંથી સરકાર ચલાવી શકે?
કહે છે કે, કેજરીવાલે જેલમાંથી આપ સરકારને સૂચના આપી છે. બે ત્રણ મુદે આ સૂચના અપાઈ છે પણ એલજી સક્સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે, કેજરીવાલ જેલમાંથી સરકાર ના ચલાવી શકે. બીજી બાજુ , હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઇ અને એમાં કેજરીવાલ સરકાર ના ચલાવી શકે એ મુદે્ માગણી થઈ પણ હાઈકોર્ટે એ અરજી ફગાવી દીધી છે અને કહ્યું છે કે, અમારે ત્યારે આ મુદે્ કોઈ નિર્દેશ આપવાની જરૂર નથી. એલજીને આ વાતની ખબર છે અને આખરી નિર્ણય રાષ્ટ્રપતિએ લેવાનો છે.
કાયદાકીય રીતે કેજરીવાલ સામેના આરોપો સિદ્ધ થયા નથી એટલે એ મુખ્યમંત્રી બની રહી શકે છે. એમણે હેમંત સોરેનની જેમ ધરપકડ પહેલાં રાજીનામું આપ્યું નથી અને હવે આપે એવી શક્યતા જણાતી નથી. પણ સવાલ એ છે કે, જેલમાંથી એ હુકમ કરી શકે? ફાઈલો પર સહી કરી શકે? હવે આ મુદે્ આપ અને એલજી વચ્ચે ટસલ શરૂ થવાની. અત્યારે આચારસંહિતા છે એટલે એ સ્થિતિમાં એલજી કોઈ નિર્ણય લે છે કે નહિ એ પણ જોવાનું છે. આપ સરકાર કેજરીવાલના ઇશારે કે એના વિના ચાલશે ખરી? આ પ્રશ્નનો જવાબ થોડા સમયમાં મળી જશે.
વરુણ ગાંધી શું કરશે?
યુપીમાં મેનકા ગાંધી અને વરુણ બંનેને ભાજપે ટીકીટ આપી નથી. મેનકાને સુલ્તાનપુરથી ટીકીટ આપી પણ પીલ્ભીતથી વરુણને ટીકીટ ના અપાઈ. યુપીમાં મુખ્યમંત્રી બનવાના વરુણને સપનાં આવતાં હતાં એ ભંગ થયા બાદ એ ભાજપનો ટીકાકાર બની ગયો. જાહેરમાં ને એના લેખોમાં એ વિવિધ વિષયે ટીકા કરતો રહ્યો અને એનું કારણ છે કે, વરુણને ટીકીટ અપાઈ નથી. કોંગ્રેસે ખુલ્લી ઓફર કરી છે પણ વરુણ એ સ્વીકારી શકે એમ નથી કારણ કે, તો પછી માતાએ પણ ભાજપની ટીકીટ પાછી વાળવી પડે. વરુણ અત્યારે તો ભાજપમાં ટકી ગયો છે . પણ ચૂંટણી પછી શું? મેનકા ચૂંટાય તો પણ એને મંત્રી બનાવાય એવી શક્યતા ઓછી છે. આ સ્થિતિમાં વરુણ નિ:સહાય બન્યો છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.