પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આજે તાલિબાનોને ખુલ્લું સમર્થન આપતા હોય તે રીતે કહ્યું હતું કે અફઘાનિસ્તાનના લોકોએ ગુલામીની સાંકળો તોડી નાખી છે.પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીના દેશભરના સમાન અભ્યાસક્રમનો આરંભ કરાવવા માટેના એક સમારંભમાં પ્રવચન કરતા ઇમરાન ખાને કહ્યું હતું કે જ્યારે તમે કોઇ બીજાની સંસ્કૃતિ અપનાવો છો અને માનો છો કે તે વધુ ચડીયાતી છે તો તમે તેના ગુલામ બની જાવ છો. તેમણે વધુમાં કહ્યું હતું કે આવી સ્થિતિ માનસિક ગુલામી સર્જે છે જે ખરેખરી ગુલામી કરતા પણ ખરાબ છે.
આ સાથે જ તેમણે અફઘાનિસ્તાનમાં જે કાંઇ થયું તેને ગુલામીની સાંકળો તોડવા સાથે સરખાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર આમ પણ આક્ષેપો થઇ રહ્યા છે કે તે જ તાલિબાનોને આગેકૂચમાં મદદ કરી રહ્યું છે અને આ આક્ષેપો ઇમરાનખાનના નિવેદન સાથે સાચા પડતા જણાય છે.
દરમ્યાન, તાલિબાનોને દેખીતો ટેકો આપતા નિવેદનમાં ચીને પણ કહ્યું છે કે તેને આશા છે કે તાલિબાનો એક ખુલ્લી અને સૌને સાથે લઇને ચાલનાર ઇસ્લામી સરકાર આપશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા હુઆ ચિનયુને કહ્યું હતું કે અમે અફઘાન પ્રજાની ઇચ્છા અને પસંદગીને માન આપીએ છીએ.