Entertainment

ન્યૂકમર્સ માટે સલાહ… અફેર્સથી ઓફર્સ ન મળે

પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પ્રેમ ન ચિન્હે કોઈ…’ આ દોહો, આ શબ્દ કબીર કહીં ગયા હતા જે પ્રેમ કરનારા કે પરમાત્માને પામનારા છે તેમના માટે- પણ દુનિયાને જાણી ગયેલા કબીર બોલિવૂડમાં પ્રેમ કરનારાઓ માટે પ્રેમ કરતા PR શબ્દ વાપરતે. PR, PR સબ કોઈ કહે, પ્રેમ ન ચિન્હે કોઈ…
પહેલાનાં સમયમાં ફિલ્મ આવતાની સાથે તેના સ્ટાર્સનાં અફેર્સ અચાનક લોકો સામે આવતા, લોકોમાં ઘણી ચર્ચા રહેતી. તો આ તરફ એ સ્ટાર્સ પણ આગને હવા આપવામાં કંઈ બાકી નહોતા રાખતા, ભીડમાં ‘પેલી’નો હાથ પકડવો કે બંનેનું રેસ્ટોરન્ટમાં સાથે દેખાવું, કપડાં સરખા પહેરવા, એક જ જગ્યાએ એકબીજા પછી પસાર થવું, હા કે ના, ના કહેવું, આ બધી રીતો તેમને હેડલાઈનમાં સતત ચમકતા રાખતી પણ હવે આવેલા સ્ટાર્સને આજની ઑડિયન્સ આ બાબતે લાઇમલાઇટમાં નથી લાવી રહી. હવે આવેલી નવી ઑડિયન્સ આ PR વાળી પ્રેમની રમતને ખૂબ સારી રીતે જાણી ગઈ છે. હવે પહેલાની જેમ સ્ક્રેપબૂકમાં ફિલ્મી પ્રેમીઓનાં ફોટોમાં આલ્બમ નથી બનાવાતા, નથી તેમના પ્રેમનાં કિસ્સાઓ પેજ-થ્રીની હેડલાઈનમાં આવતા, કે એવા પ્રેમને કારણે ઑડિયન્સ નવી નવી ફિલ્મોમાં એમનો રોમાન્સ જોવા જાય.. એટલે આ બધો ગેરફાયદો નવા આવી રહેલા Gen-Z સ્ટાર્સને થઇ રહ્યો છે.
ટૉક ઓફ ધ ટાઉન ચાલી રહી છે કે નવી રેસમાં આવેલા સ્ટાર કિડનાં અફેર્સ તેમને ઓફરને નથી અપાવી રહ્યા. એ વાતનો સૌથી તાજો કિસ્સો છે સૈયારા ફેમ અનિત પદ્દા અને અહાન પાંડેનો. ફિલ્મની રિલીઝ વખતે ક્યારેય સાથે નહીં દેખાયેલા આ બંને કલાકારો હવે એકબીજા સાથે ઘણી જગ્યા એ જોવા મળી રહ્યા છે! મંદિરમાં સાથે પૂજા કરવા જવું હોય કે પાર્ટીમાં સાથે દેખાવાનું. ફિલ્મની કાસ્ટના બહાને બંને સતત સાથે દેખાઈ તો રહ્યા છે પણ ‘પબ્લીક સબ જાનતી હૈ.’ તેમને લાગે છે કે આ પ્રેમ નથી પણ PR સ્ટન્ટ જ છે. બંનેની જોડી હિટ થતા જોઈ હજી નવી ફિલ્મોમાં બંને સાથે દેખાય અને તેમને નવી ફિલ્મો મળે એ જ રિઝન હશે કે બંને વધારેમાં વધારે સાથે જોવાં મળી રહ્યા છે પણ તેમની વચ્ચે પ્રેમ છે તેનાં આટલા પૂરાવા પછી પણ તેવું સ્વીકારવા કોઈ તૈયાર નથી.
આ એક ઉદાહરણ નથી. આ પહેલા ઇબ્રાહિમ ખાન અને પલક તિવારી પણ સાથે જોવાં મળતાં હતાં. ઘણાં સમયથી બંને સાથે જ જોવાં મળતાં પણ જ્યારે ઈબ્રાહિમની ફિલ્મ ‘નાદાનિયા’ રિલીઝ થવાની હતી ત્યારે તેમનાં બ્રેકઅપનાં સમાચાર હેડલાઈનમાં ચમક્યા હતા. ખેર એ પછી તો બંને ફરી ‘સારા દોસ્ત’ બન્યા અને હવે ‘તું કૌન મેં કૌન? જોકે આમ કરવાથી પલક કે ઇબ્રાહિમ બંનેને કોઈ ફાયદો થયો નથી. બંને ફિલ્મ અમે પ્રેમની તલાશમાં છે. ઇબ્રાહિમ સાથે નાદાનિયામાં દેખાયેલી ખુશી કપૂર પણ એક્ટર વેદાંગ રૈનાને ડેટ કરે છે. આ વાત એકાએક વાયરલ થઇ તેમની ફિલ્મ રિલીઝનાં સમયે! આનાથી વેદાંગ કે ખુશીને ખાસ અટેંશન નથી જ મળ્યું અને આ લોકોની ભૂલમાંથી કંઈ શીખી નહીં હોય તેવું તારા સુતારિયાનાં કિસ્સામાં લાગી રહ્યું છે. સ્કાય ફોર્સથી ડેબ્યુ થયેલા વીર પહારિયા અને તારા બંને વચ્ચે સોશ્યલ મીડિયામાં જે ઓપન રિલેશન હતી, તેને હવે તેમણે પ્રેમ નામ આપી દીધું છે. બંને ફેશન શોમાં રેમ્પવૉક કરતા સાથે દેખાવાથી લઇ એક બીજાને સોશ્યલ મીડિયા પર પ્રમોટ કરતા વારંવાર જોવાં મળી રહ્યા છે અને બંનેએ રિલેશન કન્ફ્રર્મ કર્યું તે સમયે બંનેની સાથે ફિલ્મ આવી રહી હોવાની વાત પણ કન્ફર્મ થઇ હતી પણ આનાથી તેમને હેડલાઈનમાં જગ્યા તો નથી જ મળી, ઠીક ઠીક ગોસિપ થઇ હતી અને હવે આ પ્રેમને વધારે આગળ લઈ જતા ફોટો પડાવી રહ્યાં છે. તેમાં લાઈક જરૂર મળશે પણ ફિલ્મ તો નહીં જ મળે..
ફિલ્મ રિલીઝ સમયે બ્રેકઅપ થવું કે નવો પ્રેમ થવો તે, જે જાદુ લાગતું તેનાં પરથી ઑડિયન્સે પડદો ઉઘાડી લીધો છે. ખાલી કામ કરીને જ તેમને સારી ફિલ્મો મળે તે સાદી વાત કલાકારો એ પણ સમજવી જોઈએ. આમ પ્રેમનો વ્હેમ કરી તેઓ સમાચારમાં ચમકે તો છે પણ હવે તે સમય નથી કે તેમના પ્રેમ પ્રકરણને જોવા લોકો થિયેટર સુધી જાય. •

Most Popular

To Top