SURAT

‘પેપરમાં જાહેરાત આપી દો કે, મેટ્રો અને SMC અલગ છે’, મ્યુ.કમિ., મેયર અને સ્થાયી ચેરમેનને ગુસ્સો કેમ આવ્યો?

સુરત: સુરત શહેરમાં મંથરગતિએ ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે શહેરીજનોની સાથે સાથે હવે મનપા તંત્ર અને પદાધિકારીઓ પણ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. શહેરમાં હાલ પડેલા દેમાર વરસાદમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારીના કારણે શહેરમાં પાણી ભરાવાની અનેક ફરિયાદો ઊઠી હતી. મેટ્રોની કામગીરી ચાલતી હોય તેવી સાઈટ્સ પર માટી સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનમાં અને ડ્રેનેજ લાઈનમાં જવાને કારણે ચોકઅપ થઈ ગઈ હતી. જેના કારણે પાણીનો યોગ્ય નિકાલ થઈ શક્યો ન હતો.

  • મેટ્રોના અધિકારીઓ સામે મનપા કમિશનર અને પદાધિકારીઓ લાલઘૂમ
  • મેટ્રોની બેદરકારીના પાપે લોકો મનપા તંત્રને ગાળો આપે છે: સ્થાયી ચેરમેન
  • ફરિયાદોનું નિરાકરણ નહીં લાવો તો તમારા નંબરો લોકોને આપી દઈશું: મનપા કમિશનર

સોમવારે મેયર, મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ ચેરમેનના અધ્યક્ષ સ્થાને મળેલી મેટ્રોના અધિકારીઓ સાથે થયેલી મિટિંગમાં મેટ્રોના અધિકારીઓ સામે લાલઘૂમ થયા હતા. મિટિંગની શરૂઆતમાં મેટ્રોની ટીમે પ્રેઝન્ટેશન કરી મનપાએ કરેલી સફાઈના ફોટા બતાવતાં પદાધિકારીઓએ મેટ્રોની ટીમનો ઉધડો લઈ લીધો હતો અને મનપાની કામગીરીના ફોટા શા માટે બતાવો છો? તેવું સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું હતું. સાથે સાથે મેટ્રોની કામગીરીના કારણે મનપાની ડ્રેનેજ લાઈનો અને અન્ય ક્ષતિઓને લઈ રિપેરિંગ કરવા પણ સૂચનાઓ અપાઈ છે, પરંતુ હવે મેટ્રોના અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે, આ કામગીરી અમારાથી નહીં થાય. જેને લઈ પણ મનપા કમિશનર લાલઘૂમ થયા હતા.

મેટ્રો તંત્રની બેદરકારીના કારણે સ્થાયી ચેરમેને રોકડું સંભળાવી દીધું હતું કે, પેપરમાં જાહેરાત આપી દો કે, મેટ્રોનું તંત્ર અને સુરત મહાનગરપાલિકા તંત્ર અલગ અલગ છે, મેટ્રોની કામગીરી કોણ કરે છે તેની લોકોને પણ જાણ થવી જરૂરી છે. કારણ કે, મેટ્રોની બેદરકારીના કારણે શહેરીજનો અમને ગાળો આપે છે. મેટ્રોની લાલિયાવાડીના કારણે પાણી ભરાવાના સમયે સ્થળ પર હાજર મનપાનાં મહિલા કાર્યપાલક ઈજનેરને ગાળ સાંભળવી પડી હતી તેમ મિટિંગમાં તેઓએ જણાવ્યું હતું. તો બીજી બાજુ મનપા કમિશનરે પણ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ફરિયાદોનું નિરાકરણ નહીં આવશે તો તમારા નંબરો જ લોકોને આપી દઈશું.

સુરત મનપા તંત્ર સાથે સંકલન કરવા માટે સુરત મહાનગર પાલિકા તરફથી નોડલ ઓફિસર તરીકે સિટી ઇજનેર જતીન દેસાઈ અને મેટ્રોના નોડલ ઓફિસર તરીકે ચંદ્રપાલસિંહ અને મેટ્રો એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કુલકર્ણીને એપોઈન્ટ કરાયાં હતાં. તેમજ અગાઉ સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલની સૂચનાથી વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અપડેટ આપવા જણાવાયું હતું. બંને અધિકારીએ રાજીનામું આપી દીધા બાદ પણ આ જગ્યા પરના અન્ય અધિકારીને મેટ્રો તરફથી ન મુકાતાં ચેરમેને રોષ વ્યક્ત કર્યો હતો.

વધુમાં મનપા કમિશનરે મેટ્રોના અધિકારીઓનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, સુરત શહેરમાં હાલમાં મેટ્રોના અધિકારીઓ દ્વારા આડેધડ રસ્તા બંધ કરી દઈ બેરિકેડિંગ કરી દેવામાં આવે છે. જે આગામી દિવસોમાં બિલકુલ ચલાવવામાં નહીં આવે. હવે કોઈપણ વિસ્તારમાં રસ્તો બંધ કરતાં પહેલાં ફરજિયાત મનપાને જાણ કરવાની રહેશે. એટલું જ નહીં પરંતુ બેરિકેડિંગ ખોલતા પહેલાં રસ્તો પણ રિપેર કરવાનો રહેશે અને જે-તે ઝોનને પણ આ બાબતે જાણ કરવાની રહેશે.

મનપા કમિશનરે મેટ્રોના અધિકારીઓ પર લાલઘૂમ થઈ ઉધડો લીધો હતો કે, સુરત શહેરમાં મેટ્રોની કામગીરીના કારણે અનેક સમસ્યાઓ સર્જાય છે અને જેના કારણે મનપા બદનામ છે. જો આગામી દિવસોમાં આ તમામ ફરિયાદોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો જે-તે વિસ્તારમાં લોકોની ફરિયાદો સામે આવશે તો મેટ્રોમાં અધિકારીઓના મોબાઈલ નંબરો જ સીધા આપી દેવામાં આવશે. જેથી તેઓ જ તમને ફોન કરી ત્યાં બોલાવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પણ તમારી રહેશે. જેથી હવે આવનારા 15 દિવસમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓની રીપેરીંગ, સ્ટ્રોમ ડ્રેનેજ પાસે વેસ્ટના નિકાલની કામગીરી મનપા અને મેટ્રો મળીને ઝુંબેશરૂપે કરવાનું મીટિંગમાં નક્કી કરાયું હતું.

મેટ્રોના અધિકારી મનમાની કરશે તોગાંધીનગર મેટ્રો એમ.ડી.ને પત્ર લખાશે: મેયર
મેયરે મેટ્રોના અધિકારીઓને જણાવી દીધું હતું કે, આગામી દિવસોમાં હવેથી મેટ્રો સાથે કોઈપણ પ્રકારના પત્ર વ્યવહાર કરવામાં આવશે નહીં. સુરત મહાનગરપાલિકાના તમામ ઝોનના વડાઓ તથા પદાધિકારીઓ, મનપા કમિશનર અને મેટ્રોના અધિકારીઓ વચ્ચે વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવશે, જેમાં જે ઝોનની ફરિયાદો આવશે તે આ ગ્રુપમાં નાંખવામાં આવે અને મેટ્રોના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તેનું નિરાકરણ લાવવાનું રહેશે. તેમના કાર્યક્ષેત્રમાં આવતા રોડના સમારકામની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરે.

તેમણે ચેતવણી આપી હતી કે, જો મેટ્રોના અધિકારીઓ આ કામગીરી નહીં કરે, તો આ મામલે ગુજરાત સરકારને જાણ કરવામાં આવશે. કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે દર 15 દિવસે રિવ્યુ મિટિંગ યોજવામાં આવશે અને તેનો રિપોર્ટ પણ માંગવામાં આવશે. જો મેટ્રો તંત્ર દ્વારા આગામી દિવસોમાં મનમાની કરવામાં આવશે તો ગાંધીનગર મેટ્રોના એમ.ડી.ને આ બાબતે પત્ર લખવામાં આવશે અને તમારી કામગીરી બાબતે પણ ફરિયાદ કરવામાં આવશે.

Most Popular

To Top