એક શ્રીમંત શેઠની એકની એક સુંદર દીકરી નામ સુહાના…ખુબ જ સુંદર અને બુધ્ધિશાળી; પપ્પાના લાડ પ્યારે તેને ખુબ જ અભિમાની , ઉધ્ધ્ત અને જીદ્દી બનાવી દીધી હતી.સુહાના બધાને પોતાનાથી નીચા સમજે, દરેકનું અપમાન કરે , નોકર ચાકરથી કઈ ભૂલ થાય તો જે વસ્તુ હાથમાં હોય તેને છુટ્ટી ફેંકે…સુહાનાની મમ્મીને તેનું આવું વર્તન બિલકુલ ગમતું નહિ. સુહાનાની મમ્મી તેને કામ કરવાનું શીખવાનું કહેતા તો તે ઉડાઉ જવાબ આપતી કે મારા પપ્પાએ નોકરોની ફોજ ઊભી રાખી છે હું કામ શું કામ કરું….તેની મમ્મી તેને સમજદારી રાખી પરિસ્થિતિ સમજી વર્તન કરવાનું સમજાવતા તો તે કહેતી, ‘મારા પપ્પા અને મારામાં દરેક પરિસ્થિતિ અમારી રીતે ફેરવવાની તાકાત છે પછી હું શું કામ પરિસ્થિતિને અનુકુળ થાવ…
મમ્મી તેને શાંત થવાનું કહેતા તો તે કહેતી, ‘શાંત રહેવું નબળાઈ છે ,શાંત રહો તો કોઈ વસ્તુ કે માણસો તમારા કાબુમાં ન રહે.’આમ મમ્મીની દરેક સમજાવટની તેની પર કોઈ અસર થતી જ ન હતી. સુહાનાની મમ્મીને બાગકામનો શોખ હતો તેઓ લગભગ રોજ બે કલાક બાગકામમાં જ વ્યતીત કરતા.માળી અને નોકરો હોવા છતાં દરેક છોડની જાતે સંભાળ લેતા.સુહાનાને મમ્મીનો આ બાગકામનો શોખ ગમતો ..સુંદર રંગબેરંગી ફૂલોથી ખીલેલો બાગ અને તેના સુંદર ફૂલો તેને બહુ ગમતા પણ મમ્મી કામ જાતે કરતી તે બહુ ન ગમતું.
એક દિવસ સુહાનાએ એક નોકરની ભૂલથી તેના ડ્રેસ પર જરાક પાણી ઢોળતાં પેલા નોકરના મોઢા પર બાજુમાં પડેલું ફ્લાવરવાઝ ફેંક્યું અને નોકરના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું. મમ્મીથી સુહાનાનુ વર્તન બિલકુલ ન જોવાયું તેમણે પહેલીવાર કડક શબ્દોમાં મોટેથી બુમ પાડી, ‘સુહાના અહીં આવ…’અને તેઓ હાથ ખેંચીને સુહાનાને ગાર્ડનમાં લઇ ગયા અને બાગકામની કાતર લઇ એક પછી એક બધા ખીલેલા સુંદર ફૂલો એક ઝાટકે કાપીને ફેંકી દીધા.થોડી જ મીનીટોમાં ખીલેલા ફૂલોથી શોભતા સુંદર બાગની બધી જ સુંદરતા ગાયબ થઈ ગઈ. સુહાના મમ્મીને પૂછતી રહી કે, ‘મમ્મી આ શું કરે છે ?? શું કામ ફૂલો આડેધડ કાપી બાગની સુંદરતા બગાડે છે??’મમ્મીએ બધા ફૂલ તોડી નાખ્યા બાદ સુહાના સામે જોઈ પૂછ્યું, ‘શું કેવો લાગે છે આ બાગ ??’
સુહાના બોલી, ‘મમ્મી મને સમજાતું નથી જ કે એવું તે શું થયું કે તે આપણા બાગની સુંદરતા વધારતા બધા ફૂલો તોડી નાખ્યા.’મમ્મી બોલી, ‘સુહાના, જેમ આ બાગની સુંદરતા ફૂલોને લીધે હતી અને ફૂલો વિના સુંદર બાગ હવે અધુરો લાગે છે.તેમ તારા જીવનની સુંદરતા પણ અધુરી છે એ તને સમજાવવા માટે મેં મારા હાથે સિંચેલા બાગના બધા ફૂલો તોડી નાખ્યા છે.તારા જીવનબાગમાં સુંદરતા છે, સમૃદ્ધી છે, બુધ્ધી છે પણ તારા જીવન બાગમાં સમજદારી, વિનય, સંસ્કાર જેવા સુંદર ફૂલોની કમી છે એટલે તારા જીવનબાગની સુંદરતા અધુરી છે આ વાત તને હવે સમજાય તો સારું નહિ તો હંમેશા માટે તારા જીવનમાં કશુક અધૂરું જ રહેશે.બધા તારાથી ડરશે પણ માન નહિ આપે …બધા તારા કામ કરી આપશે પણ પ્રેમ કોઈ નહિ કરે.’મમ્મીએ સુહાનાને કડવી હકીકત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે