હાલ આપણે બે મોટી સમસ્યાનો સામનો કરી રહ્યાં છીએ. ભયાનક ઊર્જા કટોકટી અને વધતું જતું પ્રદૂષણ, કુદરતી સંસાધનો ઝડપથી ખૂટી રહ્યાં છે અને વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ જોખમી સપાટી વટાવી ચૂકયું છે. વિશ્વના મોટા ભાગના દેશો તેલ આયાત પર નિર્ભર છે. હાલનાં યુદ્ધો અને રાજકીય અસ્થિરતાને કારણે ઈંધણના ભાવો વધ્યા છે. આવી કટોકટીની વેળાએ આપણે આપણાં જૂનાં અને જાણીતાં વાહન સાયકલને યાદ કરીશું તો જરૂર આપણા ખિસ્સા પર ભાર પડશે નહીં. ઉપરાંત ભાવિ પેઢી માટે ચોખ્ખી હવા બચાવી શકીશું.
વૈશ્વિક સ્તરે નજર કરતાં નેધરલેન્ડ અને ડેનમાર્ક સાયકલિંગને માત્ર વ્યાયામ નહીં પણ જીવનશૈલી બનાવી દીધી છે. નેધરલેન્ડમાં તો માણસો કરતાં સાયકલની સંખ્યા વધુ છે. ત્યાં સાયકલ માટે અલગ અને સુરક્ષિત રસ્તાઓ બનાવાયા છે. ડેનમાર્કની રાજધાની કોપનહેગમાં અડધાથી વધુ લોકો ઓફિસ જવા સાયકલનો ઉપયોગ કરે છે. આ દેશોએ સાયકલ ચલાવવી એ ગરીબીની નિશાની નથી, પણ પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને આધુનિક વિચારધારાનું પ્રતીક છે. જ્યારે આપણે ત્યાં પાન/માવો લેવા જવા મોટરસાયકલનો બેહદ ઉપયોગ થાય છે. જે બેઠાડુ જીવનશૈલીથી થતા ડાયાબિટીસ અને મેદસ્વિતા જેવા રોગને આવકારવા સમાન છે.
આપણા દેશમાં પર્યાવરણ બચાવવા સાયકલને પ્રોત્સાહન મળે તે માટે તેના અલગ રસ્તાઓ બનાવી ટ્રાફિક જામની મસમોટી સમસ્યા ઉકેલો વત્તા વાહનોમાંથી નીકળતા ઝેરી ધુમાડાથી ફેલાતા હૃદયરોગ તથા શ્વાસના વધતા રોગો અટકાવી શકાશે. જેનો ઉત્તમ દાખલો દિલ્હી શહેર છે. સાયકલ સાથે લાંબા અંતરે જવા માટે વીજળીથી ચાલતાં વાહનો, મેટ્રો કે બસનો ઉપયોગ વધુ કરો. વળી સાયકલ માટે વિવિધ સૂત્રો જનતામાં રમતાં કરો. જેવા કે ‘સાયકલનો વધુ ઉપયોગ કરી તંદુરસ્ત રહી પર્યાવરણ બચાવો.’’ વિવિ.
યોગના પ્રચારથી લોકોમાં પોતાની તંદુરસ્તી જાળવવાની મોટી જાગૃતિ આવી છે. ત્યારે આ તો એક કાંકરે બે પક્ષીના શિકાર માફક તંદુરસ્તી અને પર્યાવરણનું રક્ષણ કરતી શૂન્ય ઈંધણ વાપરતી સાયકલ લોકો જરૂરથી અપનાવશે. પરિણામે ઊર્જાની બચત થશે, પ્રદૂષણ ઘટશે તેથી પૃથ્વી બચશે.
વ્યારા – પ્રકાશ સી. શાહ, .– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.