ગાંધીનગર: રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2023- 24ના વર્ષમાં મેડિકલ અને ડેન્ટલ (Medical Dental) કોર્સમાં પ્રથમ વર્ષના પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની કાર્યવાહીની તમામ પ્રવેશ પ્રક્રિયા (Admission process) રદ કરવામાં આવી છે. મેડિકલ એજ્યુકેશન કોર્સીષ એડમિશન કમિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રથમ રાઉન્ડમાં મેડિકલ અને ડેન્ટલ કોર્સમાં પ્રવેશ માટેની પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવે છે અને નવેસરથી પ્રથમ રાઉન્ડની ચોઈસ ફીલિંગ ચાલુ કરવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ પ્રવેશ સમિતિની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.
જે વિદ્યાર્થીઓએ ટ્યુશન ફી ભરેલી છે અને અસલ પ્રમાણપત્રો હેલ્પ સેન્ટર પર જમા કરાવીને એડમિશન કન્ફર્મ કરાવેલું છે, તેમજ એડમિશન ઓર્ડર મેળવેલો છે અથવા તો ફક્ત ટ્યુશન ફી ભરેલી છે, તેવા તમામ વિદ્યાર્થીઓના એડમિશન પણ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે. તમામ વિદ્યાર્થીઓની ભરેલી ફી હવે પછી યોજાનાર રાઉન્ડમાં મજરે આપવામાં આવશે.
રાજ્યમાં આવેલી જીએમઈઆરએસ મેડિકલ કોલેજોની ફીમા વધારો કરવામાં આવ્યો હતો. આ વધારો પરત ખેંચી લેવામાં આવતા મેડિકલ- ડેન્ટલની પ્રથમ રાઉન્ડની તમામ પ્રવેશ પ્રક્રિયાઓ રદ કરવામાં આવે છે, હવે નવેસરથી કાર્યવાહી હાથ ધરાશે.