બેંગલુરુ: ISROનું આદિત્ય-L1 સ્પેસક્રાફ્ટ સફળતાપૂર્વક L1 પોઈન્ટ પર પહોંચી ગયું છે. સ્પેસક્રાફ્ટને L1 પોઈન્ટની આસપાસ હેલો ઓર્બિટમાં મૂકવામાં આવ્યું છે. હવે આદિત્ય સેટેલાઇટ પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટરના અંતરેથી આગામી પાંચ વર્ષ સુધી સૂર્યનો અભ્યાસ કરશે. સ્પેસક્રાફ્ટ 126 દિવસમાં 15 લાખ કિમીનું અંતર કાપીને સન-અર્થ લેગ્રેન્જ પોઈન્ટ 1 (L1) પર પહોંચ્યું છે. L1 નો ભ્રમણકક્ષાનો સમયગાળો આશરે 177.86 દિવસનો છે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) સૂર્યનો અભ્યાસ કરવા માટે દેશના પ્રથમ અવકાશન મિશન ‘આદિત્ય L1’ને 2 સપ્ટેમ્બર 2023ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. ISRO આજે શનિવારે આ અવકાશયાનને તેના ગંતવ્ય સ્થાન પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર દૂર હેલો ઓર્બિટમાં પહોચાડ્યું છે.
ઈસરોના અધિકારીઓના જણાવ્યુ હતુ કે પૃથ્વીથી આ અવકાશયાનનું અંતર પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર છે. જે સૂર્ય-પૃથ્વી પ્રણાલીના ‘લેગ્રેન્જ પોઈન્ટ 1’ (L1) ની આસપાસ હાલો ભ્રમણકક્ષામાં પહોંચશે. ‘L1 બિંદુ’ પૃથ્વી અને સૂર્ય વચ્ચેના કુલ અંતરના લગભગ એક ટકા જેટલું છે.
આ સાથે તે સૂર્યનો અભ્યાસ કરી રહેલા નાસાના અન્ય ચાર ઉપગ્રહોના સમૂહમાં જોડાઈ જશે. આ ઉપગ્રહો- WIND, Advanced Composition Explorer (ACE),Deep Space Climate Observatory (DSCOVER) અને NASA-ESA નું સંયુક્ત મિશન SOHO એટલે કે સૌર અને હેલિઓસ્ફેરિક ઓબ્ઝર્વેટરી છે.
ઇશરોના અધિકારીએ જણાવ્યું હતું કે ‘L1 બિંદુ’ ની આસપાસ હેલો ભ્રમણકક્ષામાં સ્પેસક્રાફ્ટના માધ્યમથી સૂર્યને સતત જોઈ શકાય છે. તેમણે કહ્યું કે આનાથી ‘L1 પોઈન્ટ’ની આસપાસની હેલો ઓર્બિટમાં ઉપગ્રહથી સતત સૌર ગતિવિધિઓ અને સૂર્યનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ શક્ય બનશે. જેનાથી સૂર્યની પ્રવૃત્તિ અને સૂર્ય વચ્ચેના ગુરુત્વાકર્ષણની ક્રિયા-પ્રતિક્રિયાનો વાસ્તવિક ખ્યાલ આવી શકે છે. હેલો ઓર્બિટ એ L1, L2 અથવા L3 ‘લેગ્રેન્જ પોઈન્ટ’ માંથી એકની નજીકની સામયિક, ત્રિ-પરિમાણીય ભ્રમણકક્ષા છે.
PSLV-C57 ના XL વર્ઝન રોકેટથી મીશન આદિત્ય L1 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 2 સપ્ટેમ્બરે સવારે 11.50 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચ થયાના 63 મિનિટ અને 19 સેકન્ડ બાદ જ સ્પેસક્રાફ્ટ પૃથ્વીની 235 કિમી x 19500 કિમીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઇસરોના વૈજ્ઞાનિકોએ 3 સપ્ટેમ્બરે આદિત્ય એલ1ની ઓર્બિટમાં વધારો કર્યો હતો.
આદિત્ય-L1 અવકાશયાન શું કરશે?
-સૌર તોફાન, સૌર તરંગો અને પૃથ્વીના વાતાવરણ પર તેમની શું અસર થાય છે તેના કારણોનું એનાલીસીસ કરશે
-સૂર્યના કોરોનાથી નીકળતી ગરમી અને ગરમ પવનોનો અભ્યાસ કરશે
-સૌર પવનોના વિતરણ અને તાપમાનનો અભ્યાસ કરશે
-સૌર વાયુમંડળને સમજવાનો પ્રયત્ન કરશે