મુંબઈ: “કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી….” ફિલ્મ આદિપુરુષના (Aadipurush) આ ડાયલોગ્સ મામલે દેશભરમાં ભારે હંગામો થયા બાદ આખરે ફિલ્મના મેકર્સે તમામ વાંધાજનક ડાયલોગ્સ બદલી નાંખ્યા છે. જોકે, મેકર્સે ડાયલોગ્સ બદલ્યા બાદ પણ ફરી એકવાર ભારે ભૂલ કરી દઈ હિન્દુઓની નારાજગીમાં વધારો કર્યો છે.
ભારે વિરોધનો સામનો કર્યા બાદ પણ મેકર્સે આ મુદ્દાની ગંભીરતા નહીં સમજી હોવાનું ચિત્ર સામે આવ્યું છે. ડાયલોગ્સ પર વિવાદ થતા વિવાદને સમેટી લેવાના ઈરાદે ડાયલોગ્સ બદલી નાંખવામાં આવ્યા છે, તેને મોડિફાઈડ કરાયા છે. નવા સંવાદમાં હનુમાનજી મેઘનાદને કહે છે, ‘કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી, જલેગી ભી તેરી લંકા હી’.
હવે આ ડાયલોગમાં કેટલો દમ છે અને તે દર્શકો પર કેવો પ્રભાવ પાડશે તે તો લોકો જ નક્કી કરશે, પરંતુ માત્ર ડાયલોગ્સ રી ડબ કરી લેવાથી ફિલ્મને કોઈ ફાયદો થશે તેમ લાગી રહ્યું નથી. કારણ કે આદિપુરુષ મૂવી 600 કરોડના બજેટમાં બની છે. પરંતુ તેમાં પાત્રો પાસે એવા સંવાદો બોલાવડાવામાં આવ્યા છે, જે ફિલ્મમાં પ્રભાવ છોડતા નથી.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ આદિપુરુષ રિલિઝ થયા બાદ થી જ વિવાદમાં ઘેરાયેલી છે. રામાયણ આધારિત આ ફિલ્મમાં પાત્રોના વસ્ત્રો, વીએફએક્સ અને ડાયલોગ્સ મામલે દેશભરમાં ભારે વિરોધ ઉઠ્યો હતો. જેની અસર હવે ફિલ્મના કલેક્શન પર પણ જોવા મળી રહી છે.
આદિપુરુષનું બોક્સ ઓક્સ કલેક્શન ડાઉન
આદિપુરુષના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો તેમાં પહેલાથી જ મોટો ઘટાડો નોંધાયો છે. 16 જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે 140 કરોડનું રેકોર્ડબ્રેક કલેક્શન કર્યું હતું. પરંતુ જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ રવિવારની સરખામણીએ ‘આદિપુરુષ’ની કમાણી 75% થી વધુ ઘટી ગઈ.
રવિવારે ફિલ્મે બોક્સ ઓફિસ પર માત્ર 69 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સોમવારે ફિલ્મનું કલેક્શન માત્ર 16 કરોડ રૂપિયા હતું. બીજી તરફ જો આજની વાત કરીએ તો ફિલ્મનું કલેક્શન 10 કરોડની આસપાસ આવી ગયું છે. આવી સ્થિતિમાં એમ કહી શકાય કે ફિલ્મની લંકા લાગી ગઈ છે.