Columns

આદિ યોગી શિવ ભોળપણ, સૌંદર્ય, સત્ત્વ અને રૌદ્રના સહેલા લાગતા પણ જટિલ દેવ

શિવ!! આ શબ્દ સાંભળીને કોઇને કૈલાસ પર્વત દેખાય તો કોઇને નીલકંઠનું ચિત્ર, તો કોઇને શિવલિંગ તો કોઇને તાંડવ કરતા રૌદ્ર સ્વરૂપી શિવ તો કોઇને નટરાજ તો કોઇને પાર્વતીની પડખે બિરાજમાન શિવ દેખાય. શિવરાત્રી હજી ગઇ કાલે જ ગઇ છે, આમ તો ગુજરાતીઓએ પેટ ભરીને ફરાળ કર્યું હશે અને ભાંગ માણીને શિવને યાદ કર્યા હશે પણ શિવ જેને આપણે ભોલેનાથ કે ભોળા શંભુ તરીકે પણ ઓળખીએ છીએ તે એમનો વ્યાપ બ્રહ્માંડના આયામોની પર છે. સરળતાને સમજવી જટિલ જ હોય છે અને ભગવાન શિવનું પણ એવું જ છે.

બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિનો શિવ ભાગ છે અને એ કોઇથી પણ અજાણ્યું નથી અને અનુક્રમે આ દેવોને સર્જક, પોષક અને સંહારકની ઓળખ મળી છે. વિષ્ણુ જેમાં હકારાત્મક ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે પ્રોટોન છે, મહેશ એટલે કે ન્યૂટ્રોન જેમાં કોઇ ઇલેક્ટ્રિકલ ચાર્જ નથી અને બ્રહ્મામાં ઇલેક્ટ્રોન એટલે કે નેગેટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ છે. શક્તિ એક ઊર્જા છે જે સંચાર રાખે છે. લોકો માને છે કે શિવ બુરાઇના સંહારક છે પણ તેનો અર્થ આટલો ઉપરછલ્લો નથી. શિવ સંહારક છે અંધકારના પછી તે મનનો હોય કે વહેવારનો કારણ કે શિવે જે પણ અસુરોના વધ કર્યાની વાત છે તે કોઇ ને કોઇ રીતે વાસના, મૃત્યુ, સમય કે ત્રણેય લોકના તથા યજ્ઞના નાશ સાથે જોડાયેલી છે પરંતુ શિવ માત્ર ખાત્મો બોલાવે છે તેમ નથી.

શિવને પુત્રો છે, તે સર્જન શક્તિના સાથી છે, ગંગાના સ્વર્ગથી ધરતી તરફના પ્રવાહને શક્ય બનાવનારા છે અને તે સાબિતી છે કે શિવને માત્ર ને માત્ર વિનાશ સાથે નહીં પણ સર્જન સાથે પણ સંબંધ છે. ભભૂતિ ચોળી, પ્રાણીનું ચામડું વિંટાળનારા, પથ્થર સમાન પહાડ પર સ્થાન ગ્રહણ કરનારા શિવનાં લક્ષણો યોગીના છે જે સંસારથી યોજનો દૂર રહેવાનું પસંદ કરે છે જે સાબિત કરે છે શિવ સંસારી ચક્રની પળોજણના વિનાશક છે તે મોક્ષની નજીક છે. શિવનો ઉલ્લેખ રામાયણ અને મહાભારત બન્નેમાં છે. શિવની ઉત્પત્તિ અંગે જે પણ કથાઓ છે પણ આ પાત્રના હોવા અંગે કહેવાયું છે કે તિબેટમાં 10,000 BCE એટલે કે હિમયુગના છેલ્લા તબક્કા દરમિયાન શિવ જેવું ઐતિહાસિક પાત્ર અસ્તિત્વમાં હતું. રામાયણ અને મહાભારતની ઘટનાઓ 7000 BCE અને 3000 BCEમાં થઇ હતી અને માટે જ શિવને ભારતના પહેલા આધ્યાત્મિક નાયક ગણવા રહ્યા તેમ શિવ અભ્યાસુ લેખકોનું કહેવું છે.

શિવને સમયના બંધનોમાં ન બંધાય તે ખુદ મહાકાલ છે, નીલકંઠ નિરંતર છે અને તે વૈદિક અને તાંત્રિક સમજણના સર્જક છે. વૈદિક યુગની વાત કરીએ તો વેદોમાં શિવ નામ નથી પણ રુદ્ર માટે શિવ એટલે કે કલ્યાણકારી શબ્દ વપરાયો છે અને તેમાંથી જ રુદ્રનું રૌદ્ર અને શિવનું શાંત સ્વરૂપ વૈચારિક આકાર પામ્યું છે. ઉપનિષદોમાં રુદ્રના જુદા રૂપની વાત છે તો પુરાણોમાં ચતુર્મુખ, ત્રિનેત્ર અને અર્ધનારી નટેશ્વર સ્વરૂપનો ઉલ્લેખ છે. શિવની ઉત્પત્તિ અંગે અનેક કથાઓ છે તો તેમના અવતારોની સંખ્યા પણ યુગ અનુસાર બદલાય છે એવી વિગતો છે. શિવનું સરનામું પણ કૈલાસ પર્વત અને મેરુ પર્વત તો ગણાય જ છે પણ કહેવાય છે કે તેમનું ગમતું સ્થળ છે કાશીનું સ્મશાન. શિવના નામ અને તેની સાથે જોડાયેલી કથાઓની ચર્ચા કરવી હોય તો આપણે નવેસરથી વાત છેડવી પડે જે એક બેઠકે પૂરી પણ ન થાય.

પૉપ્યુલર કલ્ચરની વાત કરીએ તો શિવ અંગે ‘મેલુહા’ સીરિઝનાં પુસ્તકો લખી અમિષ ત્રિપાઠીએ ઓળખ ઘડી છે તો કોમિક બૂક્સ અને ગ્રાફિક નોવેલ્સમાં શિવનો વિષય હિટ રહ્યો છે. ટેલિવિઝન પર શિવ-પાર્વતીની કથાથી માંડીને શિવ સાથે જોડાયેલી દંતકથાઓ પ્રસારિત થઇ છે. બંગાળ હોય કે ગુજરાતના ડોંગરી ભીલ હોય કે પછી ઝારખંડના સંથાલ હોય દરેક પાસે શિવ તેમની સાથે કઇ રીતે જોડાયેલા છે તેની લોકકથાઓ છે. સોમનાથના ફકીરચંદની લોકવાયકા છે તો દક્ષિણ કન્નડાના કોરગાઓ પણ શિવને અલગ અલગ સ્વરૂપે પૂજે છે.

શિવલિંગને લગતી પણ માન્યતાઓ છે. શિવલિંગનો આકાર ઇંડા જેવો છે જે બ્રહ્માંડનું પ્રતીક છે તો તેને પ્રજનન અંગોથી બનેલું પ્રતીક પણ કહેવાય છે. બ્રહ્મા અને વિષ્ણુને મળી આવેલા આગના સ્તંભની જે કથા છે એમાં એ કોસ્મિક સ્તંભને શિવલિંગ ઓળખ અપાઇ છે. શિવલિંગને અમૂર્તનું મૂર્ત સ્વરૂપ અથવા તો શિવ-શક્તિનું જેમાં લિંગ અને યોનિ છે જેથી તે સંયુક્ત પ્રતીક પણ કહેવાય છે જે સંસારમાં જન્મ આપનાર ગણાય છે.

શિવલિંગમાં સાત ચક્રોને પણ સમાવાય છે જો કે એ શિવલિંગ બધે જ નથી હોતા. શિવલિંગની પૂજા રોમન સંસ્કૃતિમાં પણ થઇ છે તો ઇજિપ્તમાં અને USAની કેટલીક આદિવાસી પ્રજાતિમાં લિંગને પ્રજોત્પત્તિના દેવતા તરીકે પૂજાય છે. જો કે તે માત્ર ફળદ્રુપતાનું પ્રતીક નથી. જેમ કૃષ્ણની લીલાઓ છે તેમ પુરાણોમાં શિવની 64 કળાનાં વર્ણન છે. શિવનું સત્ત્વ અનુભવવું હોય તો તે ક્ષણે ક્ષણે અનુભવી શકાય છે. કહેવાય છે કે સજાગતાનું ચોથું સ્તર એટલે શિવ. તમે જ્યારે ધ્યાન ધરો ત્યારે તમે જાગૃત નથી પણ ઊંઘી પણ નથી રહ્યા અને માટે જ શિવ તત્ત્વ છે.

શિવ એક રસપ્રદ વ્યક્તિત્વ છે– આજની પેઢીનો શબ્દ વાપરીએ તો શિવ ખરા અર્થમાં ‘કૂલ’ છે. તે યોગી છે, નૃત્યકાર છે, સ્ત્રીને સન્માન આપે છે, એક એવા દેવ જેમની પ્રતિભાથી તમે ચક્તિ પણ થાવ અને તમને એ વ્હાલા પણ લાગે. હિપ્પી કલ્ચરમાં શિવનું ભાંગ સાથેનું કનેક્શન કાયમ ચર્ચાનો વિષય રહ્યો છે. ભોળા શંભુનું નામ યુદ્ધ શરૂ થતાં પહેલાં પણ લેવાય છે. ઘણાં રેજિમેન્ટ્સ છે જ્યાં મહત્ત્વની કામગીરી પહેલાં હર હર મહાદેવનો લલકાર કરાય છે! આ લલકાર વ્યક્તિમાં ઉગ્રતા બહાર લાવે છે એમ માનવામાં આવે છે. શિવ શું છે? શિવ એક ચેતના છે, આંતરિક સજાગતાનું એ સ્તર જ્યાં નકારાત્મકતા નથી, યોગનું સંતુલન છે. શિવ સત્ય, નિર્દોષતા અને સુંદરતા છે એ અમસ્તા જ નથી કહેવાયું. ભોળા શંભુને જાણવા બહુ જટિલ છે પણ તેમના સુધી પહોંચવું આપણા હાથમાં છે.

બાય ધ વે
આપણા સમાજમાં દેવોને બ્રાન્ડિંગ માટે વાપરવામાં આવે છે. દેવોનું ઇમેજ મેનેજમેન્ટ પણ કરાયું છે. જેમ કે મર્યાદા પુરષોત્તમ તરીકે રામનું જ નામ લેવાય છે અને હવે તો રામના નામનો ઉપયોગ રાજકારણમાં ય એટલો થયો છે કે માળું રામરાજ્ય આવું હોતું હશે કંઇ!!?! એવો વિચાર પણ આવી જાય. બીજી તરફ વ્યવહારકુશળતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કૃષ્ણ પર પસંદગી ઢોળવામાં આવી છે. કોણ કોનાથી ઉપર છેની ચર્ચાઓ શાસ્ત્રોમાં છે અને દરેકે પોતાની દલીલો મૂકી છે પણ આ ‘તત્ત્વ ત્રયા’– જીવનના-સંસારના પાસાંઓની ઓળખ છે અને દરેકમાં કોઇ એક તત્ત્વ અગ્રીમતા ધરાવે છે.

Most Popular

To Top