લોકસભા ચૂંટણી 2024ના પરિણામો થોડા અઠવાડિયા પહેલા જાહેર થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં ફરી એકવાર ત્રીજી વખત NDA સરકાર બની છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. જોકે પશ્ચિમ બંગાળમાં પાર્ટીનું પ્રદર્શન નબળું રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે બંગાળમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લેતા અધીર રંજન ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડી દીધું છે.
મળતી માહિતી મુજબ અધીર રંજન ચૌધરીએ પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોએ જણાવ્યું છે કે અધીર રંજને લોકસભા ચૂંટણીમાં હાર અને પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનને સ્વીકારીને પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી અધીર ચૌધરીના રાજીનામા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
યુસુફ પઠાણના સામે હાર્યા
લોકસભા ચૂંટણી 2024માં અધીર રંજન ચૌધરીને તેમના ગઢ ગણાતા બહેરામપુરમાં પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના સ્ટાર ઉમેદવાર અને ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે અધીરને 85,000થી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. ચૌધરીની હાર સાથે કોંગ્રેસે બહેરામપુર પર તેની રાજકીય પકડ ગુમાવી દીધી જે રાજ્યમાં કોંગ્રેસનો છેલ્લો ગઢ હતો.
અધીર રંજન 5 વખત સાંસદ હતા
અધીર રંજન 5 વખત બહેરામપુર સંસદીય ક્ષેત્રથી સાંસદ રહી ચુક્યા છે. હાર બાદ તેમણે કહ્યું હતું કે તેમને ખબર નથી કે તેમનું રાજકીય ભવિષ્ય શું હશે. મને હજુ સુધી મારા નેતાઓનો કોઈ ફોન આવ્યો નથી. અધિરે એમ પણ કહ્યું હતું કે જ્યારે રાહુલ ગાંધીની ‘ઈસ્ટ-વેસ્ટ ઈન્ડિયા જોડો યાત્રા’ મુર્શિદાબાદ પહોંચી ત્યારે અમે તેમાં ભાગ લીધો હતો. અમારા પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ એકવાર માલદામાં પ્રચાર કર્યો હતો, પરંતુ ક્યારેય બહેરામપુર આવ્યા ન હતા.