Madhya Gujarat

વિરપુરના આધેડની પેસમેકર ઇમ્પલાન્ટેશનની નિઃશુલ્ક સારવાર કરાઇ

વિરપુર : રાજ્યમાં ઘણી ઓછી હોસ્પિટલ પેસમેકર ઇમ્પલાન્ટેશનની સારવાર આપે છે ત્યારે મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લાના લુણાવાડાની જાણીતી લીલાવતી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્યમાન ભારત યોજનામાં ડ્યુઅલ ચેમ્બર પરમાનન્ટ પેસમેકર ઇમ્પલાન્ટેશનની સફળતાપૂર્વકની નિઃશુલ્ક સારવાર સુવિધા ઉપલબ્ધ થતા લાભાર્થી દર્દી તબીબનો અને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

વિરપુર તાલુકાના ધોળી ગામના ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા બાબુભાઇ તલારને અચાનક હૃદય રોગ અંગે તાત્કાલિક સારવારની જરૂર ઊભી થઈ હતી. તે દરમ્યાન લીલાવતી હાર્ટ ઈન્સ્ટીટયુટમાં પીએમજય યોજનાના કર્મચારી દ્વારા કાર્ડ ઉપલબ્ધ કરાવી ડીએમ કાર્ડીયોલોજી ડો. પીન્કેશ પરમાર અને ટીમ દ્વારા સફળતાપૂર્વક ડ્યુઅલ ચેમ્બર પરમાનન્ટ પેસમેકર ઇમ્પલાન્ટેશન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે આ પ્રકારના ઇમ્પલાન્ટેશનનો ખર્ચ અઢી લાખથી સાડા ત્રણ લાખ રૂપિયા જેટલો આવતો હોય છે. તેવા સંજોગોમાં બાબુભાઇને પીએમજય યોજનાનો લાભ મળતા સમગ્ર સારવાર નિઃશુલ્ક થઈ હતી અને તેઓ કોઈ તકલીફ વગર હરતા ફરતા થઈ ગયા હતા. આશીર્વાદરૂપ આ યોજના અંતર્ગત આરોગ્ય સેવા માટે લાભાર્થીએ અને તેમના પુત્રએ સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

3.39 લાખ લોકોને કાર્ડ આપવામાં આવ્યા
મહીસાગર જિલ્લામાં 3.39 લાખ ઉપરાંતના લોકોને આયુષ્યમાન ભારત- પીએમજેએવાય યોજનાના કાર્ડ આપવામાં આવ્યા છે. તેમજ હાલ 8 ખાનગી અને 45 સરકારી હોસ્પિટલમાં આ યોજના અંતર્ગત અલગ અલગ રોગમાં સારવાર મફતમાં મેળવી શકાય છે.

Most Popular

To Top