Business

લારીવાળી નારીની અડફેટે

લારી ચાલતી હોય કે સ્થિર તેની સાથે રહેવું કે તેની પાસે ઊભા રહેવું તે બહુ હિંમત માગી લેતું કામ હોય છે. રસ્તા પર શાકની લારી લઈને ઊભા રહેતાં એક બહેન પાસેથી હું ઘણીવાર શાકભાજીની ખરીદી કરું છું એટલે મને સારી રીતે ઓળખે. એકવાર શાક લેવા ગયો તો કહે, ‘ભાઈ, જરા અહીં ઉભા રહો ને. હું હમણાં જ આવું. આ રખડતી ગાયોનું ખાસ ધ્યાન રાખજો નહીં તો શાકનું ડીટીયુંય નહીં રહેવા દે.’ હું ના પાડું તે પહેલા તો તે લારી મારે હવાલે કરી ચાલી નીકળી. મને આનંદ એ વાતનો થયો કે એણે મારા પર આવડો મોટો વિશ્વાસ મૂક્યો.

નહીં તો તે આવે ત્યાં સુધીમાં અજાણ્યો માણસ તો લારીમાંથી પાંચસો ગ્રામ ટમેટા કાચે કાચા ખાઈ જાય. પણ આપણું એવું નહીં આપણે તો ટમેટા સામે નજર પણ ન કરીએ. બસ ગાયો સામે જ જોવાનું. જાન અને માનના જોખમે શાકભાજીનું રક્ષણ કરવાનું. એટલામાં જ શાક લેવા નીકળેલા બે ચાર બહેનો મારી સામે ટગર ટગર જોવા લાગી અને પછી પાસે આવીને મને લારીવાળા બહેન સાથેના પારિવારિક સંબંધ બાબતે એવો પ્રશ્ન પૂછ્યો તે મને થયું કે ધરતી મારગ આપે તો અત્યારે ને અત્યારે જ સમાઇ જાઉં. બીજી બહેન વળી એવું બબડી કે આતો ભણેલ-ગણેલ લાગે છે. તે જ ક્ષણે લારીનો ત્યાગ કરવાનો વિચાર આવ્યો પણ આપણે વચન આપ્યું હતું એટલે લારી તો છોડાય નહીં.

શાકભાજી વાળા બેન પાંચ મિનિટનું કહીને ગયા હતા અને અડધો કલાક થયો તો પણ દેખાયા નહીં. તે અડધો કલાક લગાડે એવા લાગતાં તો નહોતાં. શાકભાજી લેવા નીકળેલી મહિલાઓ મને વિચિત્ર નજરે જોતી હતી. ‘હવે શું કરવું!’ મને થયું કે લારી નીચે સંતાઈ જાઉં. આવા વિચારોમાં હું ખોવાયેલો હતો ત્યાં એક બહેન આવ્યા. મને કહે, ‘અલ્યા, શાકભાજીની બૂમો પાડતો જા ને, મોઢામાં મગ ભર્યા છે! આ બધા કેવી કેવી બૂમો પાડે છે! આમ ઘુવડની જેમ ઉભો રહીશ તો સાંજ સુધીમાં કિલો શાક પણ નહીં વેચાય. અહીં તો બોલે એના બોર વેચાય, ન બોલે એના નાળિયેર પણ ન વેચાય.’ આટલું બોલ્યા પછી તે ચાલતી વખતે ધીમેથી બોલ્યા, ‘મૂઓ આળસુનો પીર છે’. બીજા એક બહેન લારી નજીક આવ્યા અને તેનો ઢીલો પડી ગયેલો અંબોડો છોડી તેને ટાઇટ રીતે ફરીથી બંને હાથે આંટી મારતા મારતા મોઢામાં પકડેલા બકલ સાથે બોલ્યા. પહેલા તો મને કાંઈ સમજાયું નહીં. એટલે તેણે મોમાંથી બકલ કાઢી માથામાં ભરાવીને બોલ્યા, ‘આ મૂળા નું શુ છે?’ મેં કાંઈ જવાબ ન આપ્યો. એટલે તેઓ ફરીથી બોલ્યા, ‘અલ્યા બેરો છો?! તને કહું છું. આ મૂળાનું શું છે?!’

મેં કહ્યું, ‘ખબર નથી!’ બાકીની સ્પષ્ટતા કરું એ પહેલાં તો બહેન જતાં-જતાં છણકો કરીને બોલ્યા, ‘ભાવ ખબર નથી તો અહીં શું કામ ગુડાણો છો?’ આ રીતે ઘણી બહેનો આવી ભાવ પૂછવા લાગી. પણ આપણે કાંઇ ભાવતાલ જાણતા નહોતા. એક બહેનને ભાવ ન કહ્યો (‘ભાવ ન આપ્યો’ એવું નહીં )એટલે તે ડાચું બગાડીને જતાં જતાં તેની સખીને કહેવા લાગ્યા, ‘મૂઓ, પી ગયો લાગે છે! આ લોકોમાં આવું જ હોય. બૈરી બિચારી ઢસરડા કરી કરીને ઘરમાં બે પૈસા લાવે ને આ મુઆ પી જાય. ખરેખર આની બૈરીઓને ધન્યવાદ દેવા પડે હો!’ કાપો તો લોહી ન નીકળે એવી મારી સ્થિતિ થઈ ગઈ. મને થયું કે અત્યારે જ લારી તો શું સુરત છોડીને સાગબારાના જંગલોમાં જતો રહું. વધારે વાર લાગશે તો મામલો કોણ જાણે ક્યાં પહોંચશે!    

થોડી વાર થઈ ત્યાં બાજુમાં શાકભાજીની લારી લઈને ઉભેલી કામણગારી વિજોગણે મને મોસંબી જેવું ખટમીઠું સ્માઈલ આપ્યું પણ મારી પહેલાં તો તે સ્માઈલ સામેની લારીમાં કાકડી વેચતા દેવલાએ રીસીવ કરી લીધું. દેવલો અંદરથી કાકડીની જેમ પાણી પાણી થઈ ગયો. પછી વહેવાર મુજબ મેં સામે રોકડું સ્માઈલ આપ્યું. એટલે એ વિજોગણ બોલી, ‘તમને તો આજે પહેલી વાર જોયા હો! બાકી તો અહીં ભાભી જ હોય.’ એ બહુ બોલકી હતી. મેં ખુલાસો કરવા કહ્યું કે બહેન હું તો લેવા દેવા વગરનું ભેરવાઇ ગયો છું. હું બીજું વાક્ય બોલું તે પહેલા તે બોલી, ‘સાચી વાત છે. આ બાઈ બહુ માથાભારે છે અહીં પણ ઘણા હારે માથાકૂટ કરી લેતી હોય છે. ત્રણ ચાર વાર તો મારે ય લડાઈ થઈ ગઈ ‘‘હું ખુલાસો કરવા બોલ્યો, ‘હું એમનો …..!’’ ત્યાં તો તે બોલી, ‘હા બધું ય સમજી ગઈ. આ બાઈ બહાર આટલી માથાકૂટ કરતી હોય તો ઘરમાં શું નહીં કરતી હોય!’ મેં બંને હાથે મારું માથું પકડી લીધું તો એ બોલી, ‘રડો માં ભાઈ, આપણા સમાજમાં તો ઘેર ઘેર આવું જ છે.’ આમ કહી તે સાદા ગુટખામાં તમાકુ ભેળવી તેની ફાંકડી મોમાં પધરાવતા બોલી, ‘ક્યાંક ઘરવાળી સારી હોય તો ભાઈ ઉઠેલ પાનિયાનો હોય અને ક્યાંક ભાઈ સારો હોય તો બાઈ કભારજા હોય. આ જુઓને, મારો ઘરવાળો દારૂ પીને પડ્યો રહે છે આ બધા ઢસરડા કરીને હું ઘરનું પૂરું કરું છું. તમારે ઊલટું છે!’ ફરીથી મેં કહ્યું, ‘તમે મારી વાત સાંભળો બહેન…..’ ત્યાં તો તે બોલી, ‘અરે ભાઈ, તમે અડધું કહો ત્યાં અમે આખું સમજી જઈએ. પણ હવે જે લમણે લખાયું હોય તેને ભોગવ્યા વિના તો છૂટકો નથી! આમ કહી તેણે લારીમાંથી ટમેટા ખાવાનો પ્રયત્ન કરી રહેલી ગાયને સોટી ફટકારી. ગાયે ભાગતા ભાગતા એક બાઈને શીંગડે ચડાવી. પછી શાકભાજી લેવા આવેલી બહેનો સાથે લમણાઝીંક કરવા લાગી. એટલામાં અચાનક એક મિત્ર નીકળ્યા તે મને જોઈ ગયા એટલે તેમણે બૂમ પાડી…. ‘આલ્લે.. લે, તમે!?’ આટલું કહી એણે બાઈકનો યુ ટર્ન માર્યો પછી મારી પાસે આવ્યા. હું ઝંખવાઈ ગયો. એ તો ઊલટાના મને પ્રોત્સાહન આપતા બોલ્યા, ‘આ કામ તમે બહુ સારું કર્યું. ધંધો કરવામાં કોઈના બાપની શરમ ન રખાય. આપણે તો મહેનત કરીને ખાવું છે ને. મેં કહ્યું, ‘એ તો હું જરા…. આ.. આ…!’

હું આગળ બોલુ તે પહેલા તેઓ મારા ખભે ધબ્બો મારીને બોલ્યા, ‘તમે જરાય મૂંઝાવણમાં હું તો આને બહુ સારું કામ ગણું છું વળી તમારી પાસે બોલવાની આવડત તો છે જ. એટલે સોનામાં સુગંધ. આમ કહી એણે એકસો પાંત્રીસનો માવો મારી સામે ધર્યો. મેં કહ્યું, ‘હું નથી ખાતો.’ ‘કોઈ વાંધો નહિ થોડા દિવસ આ લોકો સાથે ઊભા રહેશો એટલે આપોઆપ ખાતા થઈ જશો.’ આટલું કહીને તેણે બાઈકના અરીસામાં જોઈ હાથ વડે પોતાના વાળ સરખા કર્યા પછી રસ્તા પર એક મવાની એક પિચકારી મારી પછી બોલ્યા, ‘ઠીક ચાલો ત્યારે, મારે જરા ઉતાવળ છે અને હવે પછી શાક લેવું હોય તો તમારે ત્યાંથી જ!’ આમ કહી તે બાઈક ભગાવતા નીકળી ગયા. મારા જવાબો મારા મનમાં જ રહી ગયા. એટલીવારમાં અન્ય બે જણ મારી પાસે આવ્યા તેમાંથી એક ભાઈ બોલ્યા, ‘ તમે તો છાપામાં હાસ્યલેખો લખો છો એ જ ને!’ મેં દર્દ ભર્યા સ્વરે કહ્યું, હા ,તેણે કહ્યું, ‘આવી પરિસ્થિતિમાં ય તમે હાસ્યલેખો લખો છો એ બહુ સારી વાત કહેવાય’ ફરીથી મેં કહ્યું, ‘આભાર.’ એ ભાઈ બહુ ભલા માણસ હતા. મને કહે, ‘કાંઈ કામકાજ હોય તો કહેજો ક્યાંય બીજી લારી મૂકવી હોય તો કહેજો અમે મદદ કરશું.’ આટલું કહીને તેઓ ચાલતા થયા ત્યારે તેની સાથેના ભાઈ હળવેથી બોલ્યા કે આ લોકો કમાતા હોય છે ઘણું સારું પણ છેવટે આંકડા રમી નાખે એટલે કાંઈ વધે નહીં. મને થયું કે આ બહેન મને બરાબરનો ભેખડે ભરાવીને ગઈ. અડધો કલાકમાં તો મેં એવું એવું સાંભળ્યું કે મારા પેટ અને મગજમાં લોચા વળવા માંડ્યા અને દ્રઢ નિર્ધાર કર્યો કે હવે એ બહેન આવે કે ન આવે લારી છોડીને જતાં રહેવું. બસ આ નિર્ણય લીધો ત્યાં જ એ બહેન સામેથી આવતી દેખાઈ.

મેં કહ્યું, ‘બહેન, તમે પાંચ મિનિટનું કહીને ગયા હતા ને અડધો કલાક કર્યો?’ તે એમાં તમારું શું લૂંટાઈ ગયું. તમે તો નવરા જ હતા ને ! તે મારી ઉડાવતાં બોલી. પછી તેણે હક્કથી પૂછ્યું, ‘કેટલું શાક વેચાયું?’ મેં કહ્યું, ‘મને ભાવતાલ ની ક્યાં ખબર હતી તે વેચુ?’ અરે ભાવ તો આ બાજુવાળી ને પૂછી લેવાય ને! ધંધો કર્યો હોય તો કો’ક દી કામ લાગે.’ તેણે ઠપકો અને સલાહ બંને સાથે આપ્યા. મેં વાતનો અંત આણતાં કહ્યું, ‘ઠીક છે ચાલો, હું જાઉ.’ તેણે સરસ જવાબ આપ્યો, સારું. નવરા હો ત્યારે આવતા રહેજો. એટલે મારે કોઈ છૂટક કામ હોય તો થઈ શકે. લારી પર અડધો કલાક વિતાવ્યા પછી હું પોતે શા કામે નીકળ્યો હતો એ જ ભૂલી ગયો. અને આજથી નક્કી કર્યું કે હવે પછી ભૂલે ચુકે ય એમની લારીની બાજુમાંથીય ન નીકળવું.

  • ગરમાગરમ:
  • વક્ત હિ કહા હૈ કિસ્મત કો આઝમાને કે લિએ,
  • વક્ત સે હિ દૌડ લગા રહે હે સબ, વક્ત કો પાને કે લિએ.           – સંદીપકુમાર સિંઘ

Most Popular

To Top