ચિત્તાઓના વસવાટને વાડ કરવા બાબતે પુરતી વિચારણા થવી જોઇએ – Gujaratmitra Daily Newspaper

Editorial

ચિત્તાઓના વસવાટને વાડ કરવા બાબતે પુરતી વિચારણા થવી જોઇએ

આપણા દેશમાં વર્ષો પહેલા નામશેષ થઇ ગયેલા પ્રાણી ચિત્તાને ભારતમાં ફરી વસાવવાનું કાર્ય વડાપ્રધાન મોદીએ હાથ તો ધર્યું ખરું અને નામિબિયા અને સાઉથ આફ્રિફાથી સંખ્યાબંધ ચિત્તાઓ લાવીને ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યના કુનો નેશનલ પાર્ક નામના જંગલમાં વસાવવામાં પણ આવ્યા પરંતુ હવે આ પ્રોજેક્ટમાં અનેક મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. પહેલા તો ઓબાન નામનો એક ચિત્તો વારંવાર તેના રક્ષિત વિસ્તારમાંથી બહાર નીકળીને નજીકના માનવ વસવાટવાળા વિસ્તારોમાં ઘૂસી જઇને ચિંતાઓ ઉભી કરવા માંડ્યો. તેને એક વખત તો બેભાન કરીને ફરીથી જંગલમાં લઇ જવો પડ્યો.

બીજી એક માદા ચિત્તા પણ રક્ષિત વિસ્તારમાંથી બહાર નિકળી ગઇ અને તેને શોધવા માટે નિકળેલી ચિત્તા સંરક્ષક ટુકડીને મોડી રાત્રે એક ગામવાળા ડાક ટોળકી સમજી બેઠા અને તેના પર હુમલો કરી દીધો. આ બધી ધમાલ વચ્ચે થોડા થોડા સમયના અંતરે ચિત્તાઓના મોત પણ થતા રહ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ પુખ્ય વયના અને ત્રણ બચ્ચાઓ એમ કુલ મળીને છ ચિત્તાઓનાં મોત થયા છે.

જ્વાલા નામની એક માદા ચિત્તાએ ભારતમાં જ થોડા સમય પહેલા ચાર બચ્ચાઓને જન્મ આપ્યો હતો, તેમાંથી ત્રણનાં તો મોત થઇ ગયા છે અને ચોથા બચ્ચાની હાલત પણ કંઇ બહુ સારી નથી. આ બધી ઘટનાઓ પછી કેટલાક નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો છે કે કુનો જંગલમાં ચિત્તાઓ માટે ફાળવવામાં આવેલી જગ્યા ઓછી પડે છે અને તેથી કેટલાક ચિત્તાઓને અન્ય કોઇ સ્થળે ખસેડવા જોઇએ. સુપ્રીમ કોર્ટે પણ આ બાબતમાં ટકોર કરી છે પરંતુ અત્યાર સુધીમાં તો ભારત સરકારે આ દિશામાં કોઇ પગલા લીધા નથી. દરમ્યાન, કેટલાક આફ્રિકન નિષ્ણાતોએ ચિતાઓને વાડ કરીને રાખવાનો અભિપ્રાય આપ્યો છે પણ ભારત તેની બહુ તરફેણમાં નથી.

ભારતની ચિત્તા પ્રોજેકટ અંગેની ખાસ સમિતિએ વાડ કરવા માટેની આ ભલામણ નકારી કાઢી છે. ચિત્તાઓના વસવાટની આસપાસ ભારત સાઉથ આફ્રિકા અને નામિબિયામાં છે તેવી વાડ કરવા માગતું નથી કારણ કે આ વન્યજીવ સંરક્ષણના પાયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે એમ દેશમાં ચિત્તા ફરી વસાવવાના પ્રોજેકટનું નિરીક્ષણ કરવા માટે સ્થપાયેલ સમિતિના વડાએ હાલમાં જણાવ્યું હતું. સાઉથ આફ્રિકા અને નામિબિયાથી આવેલા નિષ્ણાતો, કે જેઓ ભારતમાં ચિત્તાને ફરી વસાવવાના કાર્યમાં મદદ કરી રહ્યા છે તેમણે ભલામણ કરી છે કે ચિત્તાઓને શિકાર, વસવાટમાંથી બહાર નિકળી જવાના ભય તથા માનવ-પશુ સંઘર્ષના બનાવ અટકાવવા માટે ચિત્તાઓના વસવાટની આજુબાજુ વાડ બનાવવામાં આવે.

અલબત્ત, ભારતના નિષ્ણાતો કહે છે કે વાડને કારણે પ્રાણીઓની પ્રાકૃતિક હિલચાલ ખોરવાઇ શકે છે અને તેમની વસ્તીઓ વચ્ચે જીનેટિક આદાનપ્રદાનમાં અવરોધ સર્જાઇ શકે છે. વસવાટની આજુબાજુ વાડ કરવી એ સંપૂર્ણ બોગસ છે. તે વન્યજીવ સંરક્ષણના પાયાના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. ત્યાં (આફ્રિકામાં) વાડાવાળા પાર્કમાં જે થયું છે તે અહીં થશે નહીં. અમારી સમજ એવી છે કે રક્ષિત વિસ્તારોના પ્રાદેશિક નેટવર્કને રક્ષિત વિસ્તારોના રાષ્ટ્રીય નેટવર્કની સાથે ભેગા કરી દેવા જોઇએ જેથી વાઇલ્ડલાઇફ જીન ફ્લોની સમૃદ્ધિ વધે એમ રાજેષ ગોપાલે કહ્યું હતું,

જેઓ ૧૧ સભ્યોની ચિતાહ સ્ટિયરિંગ કમિટિના વડા છે. બીજી બાજુ, સાઉથ આફ્રિકન વાઇલ્ડ લાઇફ નિષ્ણાત વિન્સેન્ટ વાન ડેર મર્વ, કે જેઓ આ પ્રોજેકટ સાથે નિકટથી સંકળાયેલ છે તેમણે અગાઉ જણાવ્યું હતું કે ચિતાહને વાડ વગરના અનામત જંગલમાં વસાવવાના પ્રયાસો નોંધાયેલા ઇતિહાસમાં કયારેય સફળ રહ્યા નથી. આફ્રિકામાં તે ૧૫ વખત કરવામાં આવ્યા છે અને દરેક વખતે નિષ્ફળ ગયા છે. અમે એવુ કહેતા નથી કે ભારત તમામ ચિત્તા જંગલોને વાડ કરે, પરંતુ અમે ત્રણથી ચાર સોર્સ રિઝર્વ્સને વાડ કરવાનું કહીએ છીએ એમ તેમણે કહ્યું હતું.

ચિત્તાઓ આફ્રિકા ખંડમાંથી લાવીને વસાવવામાં આવ્્યા છે. તેના પુનર્વસન માટેના પ્રયાસો આફ્રિકામાં પણ વાડ વગરના વિસ્તારમાં સફળ રહયા નથી એમ ત્યાંના નિષ્ણાતો કહેતા હોય તો તેમની વા ત ગંભીરતાથી સાંભળવી જોઇએ. વાડ કરવી એ વન્યજીવ સંરક્ષણના પાયાના સિધ્ધાંતોની વિરુદ્ધ છે એવી ભારતીય નિષ્ણાતોની વાત સાચી હશે, પરંતુ સંજોગો જોઇને નિર્ણય લેવો જોઇએ. ચિત્તાઓને જે સ્થળે રાખવામાં આવ્યા છે ત્યાં નજીકમાં જ દીપડાઓ અને વાઘોનો પણ વસવાટ છે અને જો ચિત્તાઓ રક્ષિત વિસ્તારમાંથી બહાર નિકળીને તેમના પ્રદેશમાં પહોંચાી જાય તો પશુઓ વચ્ચ સંઘર્ષ થઇ શકે છે એવી ચેતવણી અગાઉ કેટલાક ભારતીય નિષ્ણાતોએ પણ આપી છે તે બાબત ધ્યાનમાં લેવાવી જોઇએ. જો વાડ કરીને પુરતા ક્ષેત્રફળવાળો સારા સ્ત્રોતો સાથેનો વિસ્તાર ચિત્તાઓને આપી શકાતો હોય તો તે ઘણી સારી બાબત હશે. તમામ પાસાઓને વિચારીને આ બાબતમાં નિર્ણય લેવો જોઇએ.

Most Popular

To Top