ખરેખર આજદિન સુધીમાં દારૂના નશાને કારણે કેટલાંય કુળનું સત્યાનાશ વળી ગયું છે. દુ:ખ સાથે કહેવું પડે છે કે ગુજરાતમાં નશાબંધી સરિયામ નિષ્ફળ નિવડી છે. આ શહેરમાં આપણી આસપાસ ચારે બાજુ રૂપિયાને જોરે ઠેરઠેર દારૂ આસાનીથી મળી જાય છે. એમાં સરકારની અને પોલીસ ખાતાની મીલીભગત કામ કરી જાય છે. અમારા ઘર પાસે આવેલા ઘાટીવાડમાં આવી દુર્દશા જોવા મળે છે. મરાઠી પરિવારના વ્યસની પુરુષો બહુ જલ્દી પરિવારને નોંધારો મૂકીને કસમયે અંતિમ વિદાય લઈને જતા રહે છે. અહીં પ્રત્યેક ઘરમાં મહિલાઓ કરતાં પુરુષોનો મૃત્યુ આંક બહુ ઊંચો જોવા મળે છે.
યુવાનીમાં વિધવા થયેલી મહિલાઓને માથે બહુ મોટી જવાબદારી આવી જાય છે. વહેલી સવારથી ઊઠીને મોડી રાત સુધી ઘરઘાટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકોને ભણાવી ગણાવીને સારા સંસ્કાર આપીને મોટાં કરે છે. અમારા વિસ્તારમાં આવેલી બહેનોની એક સેવાભાવી સંસ્થા વ્યસનથી મુક્ત કરવા માટે દિનરાત સતત સુંદર પ્રયાસ કરે છે. જનજાગૃતિના આ કાર્યક્રમ દ્વારા ગરીબ લોકોમાં સારું પરિણામ જોવા મળી રહ્યું છે, યુવાનો વ્યસનથી દૂર રહે છે.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.