Business

બંધારણનાં પચાસ વર્ષ ટાણે અદાણીનો કિસ્સો

૨૬ નવેમ્બરે પચાસમા બંધારણ દિવસના આગલા દિવસે શરૂ થયેલા સંસદના સત્રમાં બન્ને ગૃહોમાં અદાણી મુદ્દે ચર્ચા કરવાનો વિપક્ષનો પ્રસ્તાવ ફગાવી દેવાયો અને સભાને સંબોધતાં વડા પ્રધાને વિપક્ષનાં સભ્યોને મહેણું માર્યું કે “જેઓને લોકો ચૂંટણીમાં ફગાવી દે છે તેઓ સંસદનું કામકાજ અટકાવી રહ્યા છે.” સંસદમાં બેઠેલા વિપક્ષના નેતા ચૂંટાયેલા નેતા જ છે. ભારતનું બંધારણ વિપક્ષને બોલવાનો અને સત્તા પક્ષને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપે છે. “અમે ભારતવાસીઓ…..”ના ઉદ્દબોધનથી શરૂ થતા બંધારણના આમુખનો હાર્દમાં જ વિપક્ષની ભૂમિકા છે. દુ:ખદ છે કે લોકશાહીનો અર્થ માત્ર બહુમતીમાં જોવાય છે!

અદાણીના કેસની સંસદમાં અને સંસદ બહાર ચર્ચા થવી જરૂરી છે કારણકે આ પ્રશ્ન અનેક કારણોસર ગંભીર છે. હિન્ડનબર્ગે એના રીપોર્ટમાં આરોપ લગાવ્યા ત્યારથી જ ક્રોની કેપીટાલીસ્ટના મોટા ઉદાહરણ તરીકે અદાણીનું નામ લેવાય છે. ધંધાની સફળતા માટે સત્તાની નજીક હોવું એ આવશ્યક શરત બનતી જતી હોય તો બજારની મુક્ત હરીફાઈની ધારણા ખોટી પડે છે. વળી, આ કિસ્સામાં તો દેખાય છે કે સત્તા કોઈ પણ પક્ષની હોય, તેઓ અદાણીના રાજકીય અને નાણાંકીય કદને નકારી શકે એમ નથી. એ માટેની ઇચ્છાશક્તિ પણ નથી. લાંચ અપાઈ છે એ સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નામક કંપનીનો સોદો પાર પાડવા માટે, જે કેન્દ્ર સરકારની કંપની છે, જે અદાણી ગ્રીન એનર્જીને પાવર વેચે છે. લાંચ લેવાઈ છે પાંચ રાજ્ય સરકારોને અને આ પાંચેય રાજ્યોમાં અલગ અલગ પક્ષ સત્તા પર છે – જેમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષો પણ શામેલ છે. ભ્રષ્ટાચારમાં સૌ કોઈની મિલીભગત છે.

સૌથી ગંભીર પ્રશ્ન સેબી સામે ઊભા થાય છે. સેબીની સ્થાપના જ બજારમાં શેર થકી પૈસા લેતી કંપનીઓના શાસન ઉપર નજર રાખવાનું છે જેથી રોકાણકારોનું હિત સચવાય. સેબીની ભૂમિકા એટલા માટે જરૂરી છે કારણકે નાણાં બજારનું રૂપ બદલાતું જાય છે. પહેલાં લોકો પોતાની બચતને ફિક્સ ડીપોઝીટમાં રાખતા. ફિક્સ ડીપોઝીટમાં રાખેલી બચત ઉપર સાતથી સાડા સાત ટકા જેટલું મળે છે. જો ફુગાવાનો વાર્ષિક દર પાંચથી છ ટકાનો હોય તો પાકતી થાપણની ખરીદશક્તિ ઘટીને હાથમાં આવે છે.

એટલે બચત કરતો વર્ગ હવે શેર બજાર તરફ વળ્યો છે, જ્યાં સરેરાશ દસથી બાર ટકા જેટલું વાર્ષિક વળતર મળતું હોય છે. ૨૦૨૦માં આશરે ૪ કરોડ ડીમેટ એકાઉન્ટ હતા જે વધીને ૨૦૧૪માં ૧૪ કરોડ થઇ ગયા. બચતનો પ્રવાહ શેર બજાર અને સંલગ્ન નાણાંકીય સાધનો તરફ એટલો ઝડપથી વધી રહ્યો છે કે બેંકોમાં આવતી થાપણનું પ્રમાણ ઘટતાં તેની અસર બેન્કોના ધિરાણ પર પડી રહી છે. ધિરાણ ૧૫.૫ ટકાના દરે વધી રહી છે જ્યારે સામે ડીપોઝીટ માત્ર ૧૧.૭ ટકાના દરે વધે છે. ડીપોઝીટના આધારે જ બેંક ધિરાણ કરી શકે.

બચતની બદલાતી તાસીરનું ચિત્ર રજૂ કરવાનું તાત્પર્ય એ જ કે મધ્યમ વર્ગનો એક માણસ પણ હવે જ્યારે ખાનગી કંપની પર ભરોસો મૂકી તેમાં પોતાની મહામૂલી બચત એના ધંધા માટે રોકે છે ત્યારે એ કંપની કોઈ કાનૂની દાવામાં ના ફસાય એટલી ઓછામાં ઓછી અપેક્ષા રહે છે જેથી કંપનીના શેર વેચવાથી એને વળતર મળતું રહે. કંપનીની કરતૂતોની અસર એના કર્તાહર્તા પૂરતી મર્યાદિત ના રહેતાં એના રોકાણકારો પર પણ પડે છે. કોર્પોરેટ ગવર્નન્સના કાયદા પણ એટલે જ અમલમાં આવ્યા. યુ.એસ.નો જસ્ટીસ ડીપાર્ટમેન્ટ ભારતની કંપની દ્વારા ભારતમાં અપાયેલી લાંચના કિસ્સામાં એટલે જ હરકતમાં આવ્યો છે કારણકે, અદાણીના શેરની લેવડદેવડ યુ.એસ.ના બજારમાં પણ થાય છે. એમને ચિંતા એમના રોકાણકારોના પૈસાની છે. ભારતમાં સેબી જેવી નિયમનકારી એજન્સીની સ્થાપના પાછળનો મુખ્ય ઉદ્દેશ જ રોકાણકારોનાં હિત સાચવવાનો છે.

સુપ્રીમ કોર્ટે છેક જાન્યુઆરીમાં હિન્ડનબર્ગનો રીપોર્ટ આવ્યા પછી સેબીને અદાણી પર લાગેલા આક્ષેપોની તપાસ કરવા તાકીદ કરી હતી. માર્ચ મહિનામાં યુ.એસ.માં કંપની ઉપર કેસ ચાલતો હોવાના સમાચાર આવ્યા એ પછી અદાણીએ આ સમાચાર ખોટા હોવાનું સેબીને કહ્યું. બીજી કોઈ તપાસ કર્યા વિના સેબીએ માની પણ લીધું. સવાલ ઊઠે છે કે શું અદાણી પ્રશ્ને ભારતની છબી ખરડાઈ છે? તો જવાબ ચોક્કસ ‘હા’માં આવે. જેની ભારત તરફ આવતા રોકાણ પર પણ અસર પડી શકે છે.

કારણકે, ભારતમાં થયેલા ભ્રષ્ટાચાર અંગે યુ.એસ.માં કેસ દાખલ થાય, એ અંગે તપાસ શરૂ થાય અને આરોપીઓની પૂછતાછ થાય તેમ છતાં આ પ્રક્રિયા શરૂ થયાનાં દોઢ વર્ષ પછી પણ ભારતની નિયમન સંસ્થાઓ જાગે નહિ. કોઈ પ્રકારની તપાસ શરૂ પણ ન કરે, એનાથી ભારતનો ભ્રષ્ટાચાર આંક કેમ આટલો ઊંચો છે એ સાબિત થાય. ભારતની સંસ્થાઓમાં ભરોસો ઓછો થાય. અદાણી સામેના આરોપ સાબિત થાય કે નહિ એ જુદી વાત છે પણ સત્તા કેટલાક ચુનંદા વ્યક્તિઓના હાથમાં કેન્દ્રિત થતી જાય છે, જેની સામે નિયંત્રણની વ્યવસ્થા પણ નકામી સાબિત થઇ રહી છે એ વાત સાબિત થાય છે.
નેહા શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top