સુરત: અડાજણ (Adajan) ખાતે સુરભી ડેરીમાં (Surabhi Dairy) આજે બપોરે મુરલી ભરવાડે 25 લોકોના ટોળા સાથે આવીને તોડફોડ કરી હતી. ડેરીના માલિકે અડાજણ પોલીસમાં (Adajan Police) આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
અડાજણ ખાતે જોગાણીનગરમાં રહેતા 48 વર્ષીય રામાભાઈ જોઈતારામ પટેલ સુરભી ડેરીના નામે સ્વીટની દુકાન ધરાવે છે. આજે સવારે સાડા આઠ વાગે મુરલીભાઈ ભરવાડ તેમની ડેરી પર દૂધની કેરેટમાં બાંધેલી થેલીઓ ઊંધી વાળી હતી. અને આજે માલધારી સમાજનું દૂધ વેચાણ બંધનું એલાન છે જેથી ડેરી ખોલશો તો તોડફોડ કરીશું તેમ કહ્યું હતું. રામાભાઈના ભત્રીજા કૌશિકે અમારા સિવાય બીજી ડેરીઓ પણ ખુલ્લી હોવાનું કહ્યું હતું. મુરલી ભરવાડે તેનો મોબાઈલ નંબર આપી કઈ ડેરી ખુલ્લી છે તેની જાણ આ નંબર પર કરજો તેવું કહ્યું હતું.
બપોરે 20 થી 25 લોકોના ટોળાએ આવીને ડેરી પર ગેસની પાઈપના ટુકડા અને તેમજ લોખંડની પાઈપ વડે તથા પથ્થર મારો કરી તોડફોડ કરી હતી. રામાભાઈ ડેરીએ પહોંચ્યા ત્યારે ભીડ બે ટોળામાં અડધા અડધા ભાગી ગયા હતા. ડેરીમાં અંદર કાઉન્ટર ઉપર ફ્રીઝનો કાચ તૂટેલો હતો. ટોળામાં મુરલી ભરવાડ પણ હોવાનું રામાભાઈને તેમના ભત્રીજાએ જણાવ્યું હતું. દુકાનમાં કુલ 80 હજારનું નુકશાન કરાયું હતું. અડાજણ પોલીસે 20 થી 25 લોકોના ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી. અને તે પૈકી કેટલાકની અટકાયત પણ કરવામાં આવી હતી.
ઢોર નિયંત્રણ કાયદો રદ્દ કરવા માલધારીઓનું દુધ વિતરણ બંધ કાર્યક્રમ આપી દૂધ, કુતરા, બિલાડાઓને પિવડાવી વિરોધ
સુરત: માલધારી સમાજે ઢોર નિયંત્રણ કાયદો 2022 રદ કરવા સહિતની 10 માંગણીઓ નહીં સ્વીકારાતા બુધવારે ‘દૂધબંધ’નું એલાન આપ્યું હતું. સમગ્ર રાજ્યનો માલધારી સમાજ એક છે તેવો સ્ટ્રોંગ મેસેજ સરકારને આપવા માટે તેમણે શહેર અને જિલ્લામાં ઠેર ઠેર જુદી જુદી રીતે વિરોધ નોંધાવ્યો હતો. બીજી તરફ સુરત શહેરની બે મુખ્ય ડેરીઓએ તંત્ર સાથે રહીને શહેરીજનોને રાબેતા મુજબ દૂધ મળી રહી તેની વ્યવસ્થા કરી હતી. સુમુલ ડેરીથી શહેરમાં તમામ વિસ્તારમાં દૂધ પહોંચે તે માટે દૂધના ટેન્કર અને ટેમ્પો સહિતના વાહનો પોલીસ બંદોબસ્તમાં તે-તે સ્થળે પહોંચાડવામાં આવ્યા હતાં. માત્ર એ જ લોકોને દૂધ મળ્યું ન હતું જેઓના ધરે માલધારીઓ સીધા દૂધ આપતા હતા. આવા હજારો લોકોએ આજે ડેરીનું દૂધ ખરીદ્યું હતું.
ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ સુરતના કનવીનર કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, સરકાર સમક્ષ અમે 10 માંગણીઓ મૂકી છે. તેમાં ઢોર નિયંત્રણ કાયદો 2022, ગૌચર પર થયેલા દબાણો દૂર કરવા, માલધારીઓના વાડા નિયમિત કરવા, રખડતા ઢોર કે પશુ માટે નવા પાંજરાપોળ બનાવવા, પાંજરાપોળ કે ગૌશાળાઓને પૂરતી સહાય આપવી સહિતની માગંણીઓ છે. તે માટે 18 સપ્ટેમ્બરના રોજ મહેસાણાના શેરખા ખાતેની સભામાં લાખો માલધારીઓ ભેગા થયા હતા. ત્યાર બાદ 21 સપ્ટેમ્બરના રોજ દૂધ વિતરણ નહીં કરવાનું એલાન આપ્યું હતું.
બુધવારે સવારેથી માલધારીઓએ દૂધ વિતરણ નહીં કરીને તે દૂધ કુતરા-બિલાડાઓને પિવડાવ્યું હતું. કેટલાક સ્થળે તેજ દૂધથી ગાયને સ્નાન કરાવ્યું હતું. કેટલાક માલધારીઓએ ગરીબ લોકોને મફતમાં દૂધ વહેંચ્યું હતું. કેટલાક માલધારીઓએ તાપીમાં હજારો લીટર દૂધ તાપીમાં ફેક્યું હતું. બીજી તરફ અડાજણમાં બે ડેરીઓમાં કેટલાક તત્વોએ તોડફોડ કરી હતી. જોકે માલધારી સમાજના આગેવાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ તોડફોડમાં માલધારી સમાજના યુવાનો ન હતા. તેઓ કોણ હતા તે તપાસમાં ખબર પડશે અને માલધારી સમાજ આવી કોઈ હિંસાનું સમર્થન કરતો નથી. દૂધ વિતરણ નહીં કરવાનું એલાન માત્ર બુધવાર પુરતું હતું. માલધારીઓ દ્વારા ગુરૂવારથી રાબેતા મુજબ દૂધ વિતરણ કરવામાં આવશે.