ભારતના પાડોશી દેશ બાંગ્લા દેશમાં ભારે રાજકીય ઉથલપાથલ ચાલી છે. ભારતમાં કુદરતી આફતોની પળોજણ છે. શેરબજારવાળા અમેરિકાની મંદીની ચર્ચામાં છે અને ઘણા ઈઝરાઈલ કે યુક્રેન માટે સમય ફાળવે છે પણ ભારતની મૂળભૂત સમસ્યાઓ માટે ભાગ્યે જ કોઈ નિષ્ઠાપૂર્વક ચિંતન કરે છે. ભારતમાં સહકારી બેન્કોમાં ડીપોઝીટ ઘટી રહી છે. બેન્કોમાં પણ સામાન્ય લોકોની બચત ઘટી રહી છે. સરકારી અને કાયમી કહેવાય તેવી નોકરી ઘટી ગઈ છે. નાની નાની વાતોમાં હિંસા વધી રહી છે પણ એથીયે આગળ ચિંતાજનક બાબત એ છે કે ભારતમાં આર્થિક અસમાનતા અને સત્તાનું કેન્દ્રીકરણ વધી ગયું છે.
સમસ્યાનો પ્રામાણિક ઉકેલ શોધવાની પ્રથમ શરત એ છે કે તમને સમસ્યાનું જ્ઞાન હોય અને જાહેર જીવનમાં અગત્યના સ્થાને બેસનાર આ સમસ્યાઓથી અપરિચિત હોય તો જનસમૂહનું ભલું થવાનું નથી.આજે દેશમાં પ્રામાણિકતાની ખૂબ વાત થાય છે પણ મહત્ત્વના સ્થાન પર યોગ્યતા વગર બેસવું એ જ મોટી અપ્રામાણિકતા છે.ગમે તેવો પ્રામાણિક વ્યક્તિ જો દાકતરી વિદ્યા ના જાણતો હોય અને લોકોની દવા કરતો થઇ જાય તો એ લોકોનું ભલું કેવી રીતે કરવાનો છે?
ભારતમાં આજે જે આર્થિક અને સામાજિક અસમાનતા અને સત્તાનું કેન્દ્રીકરણ છે તેના પાયામાં આપણે ત્યાં થયેલી કામ અને સત્તાની અતાર્કિક અને જાતિગત વહેંચણી છે. આપણે કામની વહેંચણી જાતિગત અને જ્ઞાતિગત કરી એટલું જ નહિ તે વર્ષોની પરમ્પરાથી ચાલુ રાખી.આ કામ સ્ત્રીઓએ કરવાનાં અને આ કામ આ જ્ઞાતિનાં લોકોએ કરવાનાં. એવું આપણે ત્યાં નક્કી કરી નાખવામાં આવ્યું અને અત્યંત ક્રૂર રીતે પાળવામાં આવ્યું.પાંચ પચ્ચીસ વર્ષ નહિ પણ હજારો વર્ષો સુધી કામની આ વહેંચણી ફરજીયાત રીતે ચલાવી અને તેમાંથી ઊભી થઈ સંપત્તિ અને સામાજિક મોભાની અસમાનતા.
સત્તાનું કેન્દ્રીકરણ થયું અને હજરો વર્ષો ચાલ્યું માટે જ ગાંધીજીએ પોતાના આદર્શ ભારતમાં વિકેન્દ્રીકરણ પર ભાર મૂક્યો. આઝાદી પછીની સમાજવાદી સમાજરચના આ દિશાનું એક સપનું હતું.જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ પર સરકારનું નિયંત્રણ રાખવાનો મૂળ હેતુ સામાજિક આર્થિક અસામનતાને નિવારવાનો હતો પણ ખાનગીકરણ આવતાં જ ફરી આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયું અને હવે નવા નવા કાયદાઓ દ્વારા રાજકીય સત્તાનું પણ કેન્દ્રીકરણ થઇ રહ્યું છે. આપણે રોજગારી, શિક્ષણ, ન્યાય, કાયદો, વ્યવસ્થા, મનોરંજન આ તમામ ક્ષેત્રોમાં આર્થિક અને સત્તાકીય કેન્દ્રીકરણ તરફ આગળ વધી રહ્યાં છીએ જયારે આપણને જરૂર છે વિકેન્દ્રીકરણની.
આપણે જેને પ્રદેશવાદ કે ભાષાવાદ કહી ઊતારી પાડીએ છીએ તે ખરેખર તો આર્થિક વિકેન્દ્રીકરણનું પગલું પણ બની શકે જેમકે શિક્ષણ અને રોજગારમાં રાજ્ય સ્તરે કામ કેમ ના થઇ શકે? દરેક રાજ્યના વિદ્યાર્થીને જે તે રાજ્યમાં જ શિક્ષણની પ્રાથમિકતા કેમ ના મળે? ગુજરાતની એન્જિનિયરીંગ અને મેડીકલ કોલેજોમાં ગુજરાતનાં જ વિદ્યાર્થીને પ્રથમ ચાન્સ મળે.ગુજરાતની બેંકો અને સરકારી ઓફિસોમાં ગુજરાતના જ વિદ્યાર્થીને નોકરી મળે અને આ તો માત્ર ઉદાહરણ આપ્યું. આવું ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કેરલા માટે પણ બને. ટૂંકમાં જે તે રાજ્યનો વિદ્યાર્થી જે તે રાજયમાં જ ભણે અને નોકરી મેળવે.જો આવું થશે તો જ સરકારો રાજ્યોના સમાન વિકાસમાં ધ્યાન આપશે.ઝારખંડની મેડીકલ કોલેજમાં ઝારખંડના વિદ્યાર્થીને પ્રથમ હક મળવો જોઈએ.
ઝારખંડની બેન્કોમાં ઉત્તર ભારતમાંથી યુવાનો કામ કરે તો સ્થાનિક યુવાનોને અસંતોષ થવાનો જ છે. આપણી માળખાકીય સુવિધાઓમાં પણ અસમાનતા પ્રવર્તે છે. જે રોડ રસ્તા ઉદ્યોગો ગુજરાતમાં છે તે છત્તીસગઢમાં નથી. મુંબઈમાં જે છે તે આસામમાં નથી. સરકારે હવે આર્થિક આયોજન આ અસમાનતા દૂર કરવા કરવાનું છે. શું આપણે એવું ના વિચારી શકીએ કે ભારત એક રાષ્ટ્ર તરીકે, એક સામાજિક, સાંસ્કૃતિક રીતે એક રહે પણ આર્થિક રીતે દરેક રાજ્ય સ્વતંત્ર! શા માટે રાજ્યોના વેરા રાષ્ટ્રીય સ્તરે કેન્દ્રિત રીતે ઉઘરાવાય? શા માટે રાજ્યોને આર્થિક સંસાધનો માટે કેન્દ્ર સરકાર પર આધારિત રહેવાનું? દેશ આટલો બધો વિવિધતાવાળો છે તો આટલું બધું કેન્દ્રીકરણ શાને માટે?
વિકેન્દ્રિત આર્થિક, સામાજિક માળખું જ આપણી ઘણી સમસ્યાઓ અને અસંતોષને ઓછો કરી શકે તેમ છે. આપણા જાહેર જીવનમાંથી વ્યક્તિવાદ ઓછો થયા વગર આપણી સમસ્યાઓ ઓછી થઇ શકે તેમ નથી.શા માટે એક જ કલાકારની એક જ ફિલ્મ બધા જ થિયેટર અને બધા જ શોમાં લાગે? શા માટે રાષ્ટ્રીય સ્તરે નોકરીઓ નક્કી થાય? શા માટે એક કેન્દ્રિત સંસ્થા નક્કી કરે કે રાજ્યોને કયો વેરો કેટલો મળશે? શા માટે એક જ ગેસ કંપની આખા રાજ્યમાં ગેસ પૂરો પાડવાનો ઈજારો ધરાવે? પ્રશ્નો ઘણા છે. પણ આપણું માનસિક રીતે અને વૈચારિક રીતે પણ કેન્દ્રીકરણ કરવામાં આવી રહ્યું છે. તમામ ચેનલો એક જ પ્રવચન બતાવે છે.એક જ સમાચાર ચલાવ્યા કરે છે. એક જ મુદ્દાની નિરર્થક ચર્ચા કર્યા કરે છે અને આપણે પછી એક જ વાત વિચાર્યા કરીએ છીએ.ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે અને આ વાત માત્ર પ્રવચનોમાં જ છે, વ્યવહારમાં છે માત્ર કેન્દ્રીકરણ ,સત્તાનો આદેશ અને આપખુદ શાસન!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે