Entertainment

પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને આ વર્ષના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરાશે

પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને (Actress Vaheeda Rehman) આ વર્ષનો પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડ (Dada Saheb Phalke Award) મળશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આની જાહેરાત કરી છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે આ વર્ષે પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. દાદાસાહેબ ફાળકે સિનેમાનું સર્વોચ્ચ સન્માન છે.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ વહીદા રહેમાનને તેમના શાનદાર અભિનય અને સિનેમાની દુનિયામાં યોગદાન માટે ઘણા પ્રતિષ્ઠિત સન્માનોથી નવાજવામાં આવ્યા છે. 85 વર્ષીય અભિનેત્રીને 1972માં પદ્મશ્રી અને 2011માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા. વર્ષ 1994માં તેમને ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2001માં તેમને આઈફા લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પોતાના એક્સ એકાઉન્ટ પર એક લાંબી નોટ શેર કરી છે. તેમણે લખ્યું કે હું એ જાહેરાત કરતાં અત્યંત આનંદ અને સન્માન અનુભવું છું કે વહીદા રહેમાનજીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે આ વર્ષના પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. તેમણે પ્યાસા, કાગઝ કે ફૂલ, ચૌધવી કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલામ, ગાઈડ અને ખામોશી જેવી ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પોતાના અભિનયનો જાદુ બતાવ્યો છે. પાંચ દાયકાથી વધુના તેમના અભિનય સફરમાં પદ્મશ્રી અને પદ્મ ભૂષણ પુરસ્કારોથી સન્માનિત વહીદાજીએ ભારતીય મહિલાના સમર્પણ અને શક્તિનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

અનુરાગ ઠાકુરે આગળ લખ્યું કે એવા સમયે જ્યારે સંસદ દ્વારા ઐતિહાસિક નારી શક્તિ વંદન એક્ટ પસાર કરવામાં આવ્યો છે ત્યારે વહીદા રહેમાનને આ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે તે ગર્વની વાત છે. પીઢ અભિનેત્રીને આ સન્માન આપવું એ ખરેખર હિન્દી સિનેમાની મહિલાઓનો સમ્માન છે. આ માટે વહીદાજીને ખૂબ ખૂબ અભિનંદન.

વહીદા રહેમાન ઈન્ડસ્ટ્રીના પ્રતિષ્ઠિત કલાકારોમાંથી એક છે. તેમણે સાઉથ સિનેમાની ફિલ્મ ‘રોજુલુ મરાઈ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેમણે બોલિવૂડની ઘણી લોકપ્રિય ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી તેમના ચાહકો પર છાપ છોડી. વહીદા રહેમાન ‘ગાઈડ’, ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘ચૌધવી કા ચાંદ’ જેવી ફિલ્મો માટે જાણીતા છે.

Most Popular

To Top