Entertainment

એક્ટ્રેસ રવિના ટંડનની મુંબઈના રસ્તા પર મહિલાઓ સાથે ઝપાઝપી, રવિના નશામાં હોવાનો આરોપ

અભિનેત્રી રવિના ટંડન અને તેના ડ્રાઇવર પર દારૂના નશામાં એક વૃદ્ધ મહિલા પર હુમલો કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. શનિવારે રાત્રે બનેલી એક ઘટનામાં રવિના ટંડનની અન્ય કેટલીક મહિલાઓ સાથે ઝપાઝપી થઈ હતી. પોલીસ સૂત્રોનું માનીએ તો હવે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે. જોકે એવું પણ જાણવા મળ્યું છે કે ઘટના સમયે રવિના નશામાં ન હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિતાનો આરોપ છે કે અભિનેત્રી રવિના ટંડને શનિવારે રાત્રે દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. આ પછી અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ રવીના અને તેના ડ્રાઈવર પ્રત્યે આક્રમક બની ગઈ હતી અને ત્યારબાદ રવીનાએ તેના ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

આ પહેલા પીડિતાના પુત્રએ દાવો કર્યો હતો કે તેની માતાને મુંબઈના બાંદ્રામાં રિઝવી લો કોલેજ પાસે રવીનાની કારે ટક્કર મારી હતી. આ પછી રવીનાનો ડ્રાઈવર કારમાંથી બહાર આવ્યો અને તેની માતા તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે ઝઘડો કરવા લાગ્યો. તેણે ઝપાઝપી શરૂ કરી. આ પછી રવિના પણ કારમાંથી નીચે ઉતરી અને તેમની સાથે મારપીટ કરવા લાગી. સામે આવેલા એક વીડિયોમાં રવીના પીડિતાના પરિવાર અને સ્થાનિક ભીડથી ઘેરાયેલી છે. લોકો પોલીસને બોલાવવાની વાત કરી રહ્યા છે. રવિનાને ભીડને કહેતી સાંભળવામાં આવી હતી પ્લીઝ મને ધક્કો મારશો નહીં… મને મારશો નહીં… અભિનેત્રી ત્યાં હાજર ભીડને વીડિયો શૂટ ન કરવાની વિનંતી પણ કરી રહી હતી.

રવિવારે સવારે પીડિત પરિવારે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પોલીસ કાર્યવાહી કરવામાં કડકતા દાખવતી નથી. ઈજાગ્રસ્ત હોવાનો દાવો કરનાર મહિલાની ઉંમર 70 વર્ષ હોવાનું કહેવાય છે. તેમના પુત્ર મોહમ્મદે કહ્યું કે અમે અમારી દીકરીનો સંબંધ નક્કી કરવા ક્યાંક બહાર ગયા હતા. રવીનાની કાર રસ્તામાં રિઝવી લો કોલેજ પાસે ઉભી હતી. અમે ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે કાર રિવર્સ થઈ ગઈ. આ કારણે મારી માતાને ટક્કર લાગી હતી. જ્યારે અમે વાંધો ઉઠાવ્યો તો ડ્રાઈવરે વાહિયાત વાતો શરૂ કરી. કારમાં રવિના ટંડન પણ હાજર હતી. તે પણ કારમાંથી બહાર આવી અને અમારી સાથે દલીલ કરવા લાગી. તે નશામાં હતી અને મારી માતાને મારવા લાગી હતી. તેણે મારી માતાનું માથુ ફાડી નાંખ્યું હતું. મોહમ્મદે દાવો કર્યો હતો કે તેણે ખાર પોલીસ સ્ટેશનમાં પીડિતા સાથે 4 કલાક રાહ જોઈ હતી પરંતુ તેની ફરિયાદ નોંધવામાં આવી ન હતી. મોહમ્મદે કહ્યું કે તેઓએ અમને પોલીસ સ્ટેશનની બહાર જ મામલો પતાવવા માટે કહ્યું. મારી માતા પર હુમલો કરવામાં આવ્યો છે અને મને ન્યાય જોઈએ છે.

બીજી તરફ રવીનાના મેનેજરે જણાવ્યું કે તેઓએ અભિનેત્રી પર લાગાડેલા તમામ આરોપો ખોટા છે. રવિનાના મેનેજરે કહ્યું કે અભિનેત્રીએ કોઈની સાથે મારપીટ કરી નથી. ઉલટું જે લોકોએ ફરિયાદ કરી છે તેઓએ રવિનાને માર માર્યો છે. રવિના પણ ખરાબ રીતે ઘાયલ છે.

Most Popular

To Top