નવી દિલ્હી (New Delhi): છેલ્લા ઘણા સમયથી દરરોજ સમાચારોમાં છવાયેલી કંગના કોઇ અલગ જ મૂડમાં છે. પોતાને ક્ષત્રિયાણી અને દેશભક્ત કહેવડાવતી કંગના (Kangana Ranaut) હવે પડદા પર વધુ એક દિગ્ગજ રાજકીય નેતાના પાત્રમાં જોવા મળશે. જી હા ..સમાચાર આવ્યા છે કે હવે કંગના પડદા પર ભારતના એકમાત્ર મહિલા વડાપ્રધાન રહી ચૂકેલા ઇંદિરા ગાંધીનું (Indira Gandhi) પાત્ર ભજવશે. આ સમાચાર કંગનાએ પોતે પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આપ્યા છે.
પોતાની ફિલ્મો કરતા વધારે ચર્ચામાં રહેતી કંગના રનૌત હવે એક અભિનેત્રી ઓછી અને રાજકીય નેતા વધુ ભાસે છે. આ સમાચાર રિ-ટ્વિટ કરતા કંગનાએ લખ્યુ હતુ કે, ‘આ ફોટો એક વર્ષો જૂના ફોટોશૂટનો છે, જે મેં મારી કારકિર્દીની શરૂઆતમાં કરાવ્યુ હતુ. મને ત્યારે ખબર નહોતી કે હું એક દિવસ પડદા પર આ મહાન રાજકીય નેતાનું પાત્ર ભજવી શકીશ.’.

જણાવી દઇએ કે કંગના આ સિવાય જય લલિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મનું નામ છે- ‘થલાવી‘. કંગનાએ વધુમાં જણાવ્યુ હતુ કે સાંઇ કબીર નામના તેના દિગ્દર્શક મિત્ર અને કંગના મળીને ઇંદિરા ગાંધી પર એક ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. તેણે જણાવ્યુ કે આ ફિલ્મ ઇંદિરા ગાંધી પર નહીં હોય, પણ ઇંદિરા ગાંધીના સમયે ભારતમાં રાજકીય પરિસ્થિતિઓ અને તે સમયનો ઘટનાક્રમ શું હતો તેના પર આધારિત એક પિરીયડ ડ્રામા (period drama) હશે. નોંધનીય છે કે કંગનાએ અગાઉ કાશ્મીરી પંડિતો પર, બાબરી ધ્વંસ- અયોધ્યા રામ મંદિર પર ફિલ્મો બનાવવાની વાત કરી હતી.

આ ફિલ્મ કંગના પોતે પોતાના પ્રોડક્શન બેનર- મણિકર્ણિકા ફિલ્મસ હેઠળ બવાનશે. વધુમાં જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ ‘ઓપરેશન બ્લૂ સ્ટાર’ (operation Blue Star) ના પુસ્તક પર આધારિત હશે. સાથે એવી પણ જાહેરાત કરવામાં આવી છે કે આ ફિલ્મોમાં મોટા કલાકારો હશે. ફિલ્મની વાર્તા અને પટકથા દિગ્દર્શક સાંઇ કબીર દ્વારા લખવામાં આવી રહી છે, જે અગાઉ કંગના સાથે ફિલ્મ ‘રિવોલ્વર રાની’ માં કામ કરી ચુકી છે.

જો કે, આ સમાચાર આવતાની સાથે જ લોકો કંગનાને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે શું કંગનાના ભાજપ સાથે સંબંધો પૂરા થઇ ગયા છે? કંગનાની આગામી ફિલ્મ ‘થલાવી’ રિલીઝ થશે જેમાં તે જયલલિતાની ભૂમિકામાં આવશે. આ સિવાય તે ‘તેજસ’માં ભારતીય વાયુ સેનાની ફાઇટર પાઇલટ અને’ ધાકડ’માં સિક્રેટ સર્વિસ એજન્ટ તરીકે જોવા મળશે. આ સિવાય તેણે તાજેતરમાં જ મણિકર્ણિકાની સિક્વલ ‘મણિકર્ણિકા રીટર્ન્સ: ધ લિજેન્ડ ઑફ દિદ્દા’ બનાવવાની પણ જાહેરાત કરી છે.
