Trending

ઉત્પલ દત્ત જેવા અભિનેતા, દિગ્દર્શક ગુજરાતી રંગમંચ નહીં પેદા કરી શકે

જો ઉત્પલ દત્ત હોત તો આ 29મી માર્ચે, એટલે કે કાલે 93 વર્ષના થયા હોત. આયુષ્યનું તો ઠીક છે અને આપણી અપેક્ષાની જવાબદારી સમય ન લઇ શકે. આપણે ચાહીએ તેનો આયુષ્ય વિસ્તાર કરી શકીએ છીએ. ગાંધી, ટાગોર, સુરેશ જોષી, ગિરીશ કર્નાડ કે પછી ભૂપેન ખખ્ખર કે એ કોઇ પણ જે આપણને આપણા જીવનકાર્યમાં જરૂરી વર્તાય છે ને જે આપણા સમાજ, સંસ્કૃતિમાં મહત્ત્વના માનીએ છીએ.

પૃથ્વીરાજ કપૂર, બલરાજ સાહની, દીના પાઠક, અમરીશપુરી, નસીરૂદ્દીન શાહ, ડૉ.શ્રી રામ લાગુ, ઉત્પલ દત્ત ફિલ્મક્ષેત્રે જાણીતા રહ્યા એટલે તેમની જાહેર ઓળખમાં તેમના નાટકનાં કાર્યો બહુ ઉમેરાયાં નહીં. વળી કયારેક પ્રાદેશિકતાની સીમા પણ નડી. શંભુ મિત્ર, ઉત્પલ દત્ત બંગાળી ભાષામાં જ નાટકો ભજવતા રહ્યા. તેમણે ઉત્તમ નાટકો કર્યા તો તેની વાત લોકો સુધી કયાંક પહોંચી, નાટકો ન પહોંચ્યાં. વિત્યાં થોડાં વર્ષથી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દેશભરનાં નાટકોનો વાર્ષિક મહોત્સવ યોજે છે. એવા મહોત્સવ વર્ષોથી યોજાતા હોત અને દિલ્હી જ નહીં, દેશના દરેક મહત્ત્વનાં નગરોમાં યોજાતા હોત તો આપણને ઉત્પલ દત્ત જેવા અનેકના નાટકોનો સીધો પરિચય થાત. ૧૯૫૦-‘૫૫ થી ૧૯૮૫ -‘૯૦ સુધીનો સમય નૃત્ય, નાટક, સંગીત ક્ષેત્રે ઉત્તમ હતો એવું મનમાં જાગે છે ને આંખ – કાન એક હિજરાપો અનુભવે છે.

ઉત્પલ દત્ત (૨૯ માર્ચ ૧૯૨૮- ૧૯ ઓગસ્ટ ૧૯૯૩) નો જન્મ આસામના શિલોંગમાં. કોલકાતામાં શિક્ષા-દીક્ષા. શરૂનાં વર્ષોમાં વેસ્ટર્ન કલાસિકલ સંગીત પછી ક્રિકેટ અને ત્યાર બાદ જેની સાથે જીવન જોડયું તો નાટક સાથે. રાજનીતિ શાસ્ત્ર અને અંગ્રેજી સાહિત્યમાં ઉત્કટ રૂચિને કારણે તેઓ રંગભૂમિ તરફ આવ્યા. પ્રેક્ષકપ્રિય વ્યવસાયી રંગમંચ પર તેઓ સતત પ્રવૃત્ત હતા ત્યારે શંભુમિત્ર, બાદલ સરકારની ઉપસ્થિતિ એટલી પ્રભાવક હતી કે ઉત્પલ દત્તમાં પણ કમિટમેન્ટ આવ્યા વિના ન રહે. ૧૯૪૭ માં તેમણે લિટલ થિયેટર ગ્રુપની સ્થાપના કરી પણ ત્યારે ય બીજા માટે અભિનય તો કરતા જ રહ્યા. ઉત્પલ દત્ત બંગાળની રંગભૂમિ પર ‘છાયાનટ’, ‘ઓથેલો’, ‘તપતી’, ‘સિરાજુદૌલા’, ‘દ્યાદશ રજની’ અને ‘નિચેર મહલ’ જેવા નાટકોના લેખન, દિગ્દર્શન અને અભિનયને કારણે ખૂબ પ્રશંસા પામ્યા. આ નાટકો વડે તેઓ ભારતીય રંગભૂમિના એક મહત્ત્વના લેખક – દિગ્દર્શક – અભિનેતા તરીકે સ્થાન પામ્યા. માર્કસવાદી વિચારધારામાં તેઓ માનતા હતા અને એ વિચારધારા તેમના માટે રાજનૈતિક અભિયાન બની ગઇ. ‘અંગાર’, ‘માનુષેર અધિકાર’, ‘તિતાસ એકટિ નદીર નામ’ અને ‘ફેરારી ફૌજ’ નાટકો અને તે પહેલાં ‘કલ્લોલ’ નાટકે તેમનામાં રહેલા કમિટેડ નાટ્‌યકારનો પ્રભાવક પરિચય કરાવ્યો. (ગુજરાતમાં જશવંત ઠાકર, દીના પાઠક જેવામાં આ સાહસ હતું) નાટકને સામાજિક અને રાજનૈતિક જાગૃતિ સાથે જોડવાનું કામ આમ પણ બંગાળ, મહારાષ્ટ્રમાં થયું છે તેવું બીજેે કયાં થયું છે?

ગુજરાતી રંગભૂમિ તો પહેલાં ધંધો વિચારે! ૧૯૪૩ માં કોલકાતાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ‘હેમ્લેટ’ નાટકમાં ઉત્પલ દત્તનું એક છોકરા તરીકે નાટક કરવું આરંભાયું પછી કોલેજના દિવસોમાં શિશિરકુમાર ભાદુરી, અહિન્દ્ર ચૌધરી, નરેશ મિત્રા વગેરેનાં નાટકો સતત જોવાનું બન્યું. ઉત્પલ દત્તે સ્વયં તો ‘રિચાર્ડ ત્રીજો’ નાટકથી કામ શરૂ કર્યું પણ ઠીક છે, એ ફકત આરંભ હતો. ‘ધ મેરી વાઇવ્સ ઓફ વિંડસર’ ભજવતાં તેમને લાગ્યું કે જેવા નાટક કરવા માંગે છે તેવું આ થયું. તે વખતે તેઓ શેકસપિયરના નાટકો ભજવવા તરફ વળેલા એટલે ‘જૂલિયસ સીઝર’ પણ ભજવેલું. એ વખતે ઇપ્ટાની પ્રવૃત્તિ કોલકાતામાં ખૂબ જોરમાં હતી અને સલિલ ચૌધરી (હા, એ જ જાણીતા સંગીતકાર) એક વાર ઉત્પલ દત્તને મળવા આવ્યા અને કહ્યું કે ઇપ્ટામાં નાટય દિગ્દર્શન કરશો તો ગમશે. ઇપ્ટામાં જવા પહેલાં તેમણે ઇબ્સનના ‘ઘોસ્ટસ’ અને ‘અ ડોલ્સ હાઉસ’ નાટકને બંગાળીમાં ભજવેલા પણ ઇપ્ટામાં તેઓ બંગાળી તરફ વધુ ઝૂકયા. તેઓ ‘બિસર્જન’, ‘ઓફિસર’ અને ‘જૂલિયસ ફયુસિક’ નાટકોનાં દિગ્દર્શન કરી ચૂકયા હતા. ઇપ્ટામાં ‘બંગ બંદર’નું દિગ્દર્શન કર્યું અને જયોફી કેન્ડાલ જયારે પશ્ચિમ બંગાળમાં નાટકો ભજવવા આવતા ત્યારે તેમના અંગ્રેજી નાટકોમાં તેઓ હંમેશ અભિનય કરતાં. એટલું જ નહીં એ ગ્રુપ સાથે દેશમાં બીજે ય ફરી અભિનય કર્યા. ઉત્પલ દત્ત નાટકની થિયરી શીખ્યા તો કેન્ડાલ પાસે.

ઉત્પલ દત્ત એક વિચારશીલ, આંદોલક મિજાજના નાટ્‌યકર્મી રહ્યા છે. શેકસપિયરના નાટકો ભજવવા સાથે તેઓ બીજા ય એવા નાટક તરફ વળ્યા જે બંગાળી રંગભૂમિને અને પ્રેક્ષકમાં રહેલા વિચારશીલ નાગરિક માટે જરૂરી હતા. આ રીતે ‘છાયાનટ’, ‘નીચેર મહલ’ (લોઅર ડેપ્થ્સ), અંગાર, તિતાસ વગેરે ભજવ્યા અને ૧૯૬૭ ના વર્ષમાં નકસલવાદી ચળવળનો આરંભ થયો. નકસલવાદીઓ માનતા કે નાટકો કરવા તે સમયનો બગાડ છે. નાટક કરવાથી ક્રાંતિ ન આવે. ઉત્પલ દત્તે એ વખતે ‘તીર’ ભજવ્યું. તેમના નાટકો સામે સત્તાએ આંખો લાલ કરી. તેમની ધરપકડ પણ થયેલી. ‘કલ્લોલ’ ભજવ્યું ત્યારે બંગાળની ડાબેરી સરકારને ન ગમેલું એટલે નકસલવાદીઓ અને ડાબરીઓની સરકારના ય વિરોધ વચ્ચે તેઓ નાટક કરતા રહ્યા. તેમણે ‘માનુષેર અધિકારે’ ભજવ્યું ત્યારે નકસલવાદીઓ સામે રીતસર લડાઇ છેડાઇ ગઇ પણ તેઓ કોઇથી ડરે તેમ ન હતા. થોડાંક વર્ષ તેમણે જાત્રા શૈલીમાં ય નાટકો કર્યા કે જેથી લોકો વચ્ચે સીધા જઇ શકાય.

૧૬ જેટલા નાટકો અંગ્રેજીમાં કર્યા પછી લિટલ થિયેટર ગ્રુપ માટે બંગાળીમાં ૩૪ નાટકો પછી પિપલ્સ લિટર થિયેટર હેઠળ ૧૮ જેટલા જે બંગાળી નાટકો ભજવાયા તેમાં ‘તીનેર તલવાર’ લેન્ડમાર્ક બની ગયું. નવ મહિનાના રિહર્સલ પછી એ નાટક ભજવાયેલું. બંગાળમાં હો તો બાંગ્લાદેશનો સંઘર્ષ તેમને દૂરનો ન લાગે. ‘ઠીકાના’ નાટક અને સંઘર્ષની જ વાત કરતું હતું. કોંગ્રેસીઓએ તે વખતે અનેક ડાબેરીઓની હત્યા કરેલી. ઇન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે ઉત્પલ દત્તને લાગેલું કે ‘મેકબેથ’ નાટક જ તેનો જવાબ બની શકે. પણ ‘બેરીકેડ’ ભજવ્યું ત્યારે તો હેમંત બસુ નામના અભિનેતાની હત્યાનો ય પ્રયાસ થયો. ઉત્પલ દત્ત ‘દુસ્વપ્નેર નગરી’ નાટક ભજવવા તૈયાર થયા ત્યારે ખબર હતી કે હુમલાઓ થશે. મિત્રોએ સલાહ આપી કે આના કરતાં ટાગોરનાં નાટકો ભજવો. ઉત્પલ કહે કે મારે જે ભજવવા છે એ જ ભજવીશ અને ખરેખર તેમને નાટક ભજવવું અઘરું પડયું. શસ્ત્રો સાથે થિયેટર પર હુમલા થયા. સરકાર સામે મોટો જંગ છેડાઇ ગયો. એ જ નાટક તેમણે ‘કોલકતાર કડચા’ નામે ભજવવાનું ચાલુ રાખ્યું.

ઉત્પલ દત્ત, બાદલ સરકાર જેવા બંગાળમાં જ થઇ શકે. ઋત્વિક ઘટકના ‘ઓફિસર’ નાટકના દિગ્દર્શક પણ તેઓ હતા અને ઘટકે ‘દલીલ’નું દિગ્દર્શન કર્યું તેમાં ઉત્પલ દત્ત અભિનેતા હતા. બંગાળ અને બિહારના એકીકરણના રાજકીય પ્રયત્નો થયા ત્યારે તેમણે ‘નયા તુગલક’ નાટક લખેલું ને ભજવેલું. ‘તપતી’, ‘સિરાજુદ્દૌલા’, ‘નિચેર મહલ’, ‘દ્વાદશ રજની’ જેવા નાટકે તેમને ખૂબ જાણીતા કરેલા. જો કે આર્થિક સંકટ તો ઘણાં વર્ષ રહેલું. અભિનેત્રી શોભા સેનને પરણ્યા ત્યારે પણ પેઇંગ ગેસ્ટ તરીકે જ રહેતા હતા. પણ એ વાત તેમને મન અગત્યની ન હતી. ૧૯૬૫ માં ‘કલ્લોલ’ નાટકે અને તેમાં એડમિરલની જે ભૂમિકા ભજવેલી તેણે તો દેશભરમાં જાણીતા કરેલા પણ તેનાથી અંગત જીવન બહુ બદલાયું ન હતું. નાટકો ભજવવામાં તેઓ જીવન જોતા હતા. ૧૯૭૬ માં ‘લેનિન કોથાય’ માં તેઓ સ્તાલિન બનેલા અને ‘એબાર રાજાર પાલા’માં મારવાડી બનેલા. ‘તીતુ મીર’ નાટકમાં તેમની ક્રાફર્ડ પાયરનની ભૂમિકાની ય ઘણી પ્રશંસા થયેલી. નાટક તેઓ ઠેઠ ૧૯૮૯ સુધી ભજવતા રહ્યા. બંગાળી અને હિન્દી ફિલ્મોમાં કામ કરતાં ત્યારે પણ શનિ – રવિમાં નાટક જ ભજવતાં. શનિવારે તેઓ મુંબઇમાં ન જ હોય. ૧૯૯૦ માં તેઓ ‘આજકેર શાહજહાં’ (આજના શાહજહાં) નાટક દરમ્યાન જ બેભાન થઇ ગયા અને થોડા દિવસના આરામ બાદ વળી ‘એકલા ચલો રે’ માં અભિનય કર્યો અને ‘લાલદુર્ગ’ નાટકનું લેખન પણ પૂરું કર્યું. સત્યજીત રેએ ‘આગંતુક’ ફિલ્મમાં ને ગૌતમ ઘોષે ‘પદમાનદીર માઝી’ ફિલ્મમાં અભિનયનું કહ્યું તો તૈયાર. ૧૯૯૧ માં ‘જનતાર ઓફિસ’ પછી નાટક લખ્યું.

૧૯૯૩ માં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા અને ત્યારે પથારીમાં બેસી ‘પ્રતિવિપ્લવ’ નાટક લખવું પૂરું કર્યું. પણ ‘એકલા ચલો રે’ મંચ પર ભજવેલું છેલ્લું નાટક બની ગયું. ૧૯ ઓગસ્ટ ૧૯૯૩ માં તેઓ મૃત્યુ પામ્યા ત્યારે ફિલ્મના પ્રેક્ષકો માટે તો ‘ભુવનસોમ’, ‘અંગુર’ ‘રંગબેરંગી’ વગેરે અનેક ફિલ્મોના અભિનેતા જ હતા પણ બંગાળની રંગભૂમિ માટે તો તેઓ વિદ્રોહી, રાજનૈતિક જાગૃતિવાળા નાટય અભિનેતા, દિગ્દર્શક, લેખક જ હતા અને છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top