National

પંજાબના પૂર પીડિતોની વ્હારે આવ્યો અભિનેતા સંજ્ય દત્ત, લખ્યો ભાવનાત્મક મેસેજ

હાલમાં દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતોને કારણે પરિસ્થિતિ ગંભીર બની છે. ખાસ કરીને પંજાબના ઘણા વિસ્તારો ભારે પૂરની ઝપેટમાં આવી ગયા છે. સતત વરસતા વરસાદને કારણે ગુરદાસપુર, પઠાણકોટ સહિતના અનેક જિલ્લામાં ભારે તબાહી મચી છે. લોકોના ઘરો તૂટી ગયા, લોકો ઘરવિહોણા થયા છે જેથી જનજીવન પર ઊંડી અસર પડી છે.

પંજાબના પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યાં: સંજય દત્ત
બોલિવૂડના અભિનેતા સંજય દત્ત પૂર પીડિતોની મદદ માટે આગળ આવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પર પંજાબના પૂર પીડિતોની મદદ કરવા માટે મોટી જાહેરાત કરી છે. પોતાના સત્તાવાર X હેન્ડલ પર સંજય દત્તે એક ભાવનાત્મક સંદેશ લખ્યો છે. તેમણે કહ્યું કે,

“પંજાબમાં હાલમાં પૂરથી થયેલ વિનાશ ખરેખર હૃદયદ્રાવક છે. હું તમામ અસરગ્રસ્ત લોકોને શક્તિ અને પ્રાર્થના મોકલી રહ્યો છું. હું શક્ય તેટલી બધી રીતે મદદ કરવા તૈયાર છું અને કરીશ. બાબાજી પંજાબમાં દરેકને આશીર્વાદ આપે અને તેનું રક્ષણ કરે.”

આ ટ્વીટ બાદ સંજય દત્તની માનવતાવાદી છબી ફરી એકવાર લોકો સમક્ષ આવી છે. સોશિયલ મીડિયામાં તેમના ચાહકો તેમની પ્રશંસા કરી રહ્યા છે અને ઘણા લોકો તેમને તેમના પિતા દિવંગત અભિનેતા સુનીલ દત્ત સાથે સરખાવી રહ્યા છે. જેમણે જીવનભર લોકોની સેવા માટે પોતાને સમર્પિત રાખ્યા હતા.

પંજાબમાં એક અઠવાડિયાથી વધુ સમયથી વરસતા વરસાદે રાજ્યને હચમચાવી નાખ્યું છે. અનેક વિસ્તારોમાં ગામડાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં સંજય દત્ત જેવા કલાકારો દ્વારા આપવામાં આવતી મદદ પીડિતો માટે આશાનો કિરણ બની છે.

“બાગી 4″માં જોવા મળશે: સંજુ બાબા
આ વચ્ચે સંજય દત્ત તેમના આગામી પ્રોજેક્ટને લઈને પણ ચર્ચામાં છે. તેઓ જલ્દી જ ‘બાગી 4’ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે. જેમાં ટાઈગર શ્રોફ, હરનાઝ સંધુ અને સોનમ બાજવા સાથે સંજય દત્ત મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ તા.5 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

આ રીતે એક તરફ જ્યાં પંજાબ પૂર પીડિતો માટે સંજય દત્તે મદદનો હાથ લંબાવ્યો છે. ત્યાં બીજી તરફ તેમના ચાહકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Most Popular

To Top