સુરત: ‘નસીબની બલિહારી’ પછી છેક 40 વર્ષ પછી ગુજરાતી ફિલ્મ (Film) ‘ડીયર ફાધર’માં અભિનય કરનાર લિજન્ડરી એક્ટર પરેશ રાવલે (Paresh Rawal) પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતી નાટકો (Drama) ખૂબ કર્યાં, પણ ફિલ્મો ઓછી કરી તેનાં ચોક્કસ કારણો હશે. મારું માનવું છે કે, અર્બન ગુજરાતી ફિલ્મો (Gujarati film) ખૂબ સારા વિષયો સાથે બની રહી છે. જેણે મારો ઉત્સાહ એવો વધાર્યો છે કે, દર વર્ષે મેં વધુમાં વધુ બે અને ઓછામાં ઓછી એક ગુજરાતી ફિલ્મ કરવાનું નક્કી કર્યું છે. મારું એ પણ માનવું છે કે, ગુજરાતી સાહિત્ય એટલું સમૃદ્ધ છે કે ઘણી સારી ગુજરાતી ફિલ્મો બની શકે છે. વિવિધ વિષયો પર બની શકે છે.
ગુજરાતી પૃષ્ઠભૂમિને વિષય વસ્તુ બનાવી સારી હિન્દી ફિલ્મો પણ બની છે. પરેશ રાવલની ફિલ્મના ડાયલોગ ખૂબ લોકપ્રિય થાય છે. એનું કારણ શું? એવા પ્રશ્નના ઉત્તરમાં પરેશ રાવલે કહ્યું હતું કે, એમાં મારી કોઈ કમાલ નથી. ફિલ્મોની સફળતામાં એક્ટરનો રોલ ખૂબ નાનો હોય છે. ક્રેડિટ રાઇટર, ડાયરેક્ટરને આપવી જોઈએ. કેટલીક ફિલ્મો અને ધારાવાહિક એક્ટરના જીવનમાં માઇલસ્ટોન સમાન બનતી હોય છે. આપે સરદારની યાદગાર ભૂમિકા ભજવી હતી એનાથી સંતોષ થયો ખરો? એવા સવાલના જવાબમાં પરેશ રાવલે કહ્યું હતું કે, અભિનેતા હોય કે ડાયરેક્ટર એને ક્યારેય સંતોષ થઈ શકે નહીં.
સાચા કલાકારોની ભૂખ દરેક સારા પાત્રોની ભજવણી પછી વધતી હોય છે. હજી મને એવું પાત્ર મળ્યું નથી કે, જે ભજવતી વખતે એવો ભય લાગે કે ઈજ્જતનો ભાજીપાલો થશે. મારે એવું પાત્ર ભજવવું છે કે, જે ભજવતી વખતે મને પોતાને ડર લાગે. ઓટીટી પ્લેટફોર્મ અને મલ્ટિપ્લેક્સ પ્લેટફોર્મ પર રજૂ થતી ફિલ્મોને લગતા વિવાદ વિશે કહ્યું હતું કે, ફિલ્મોના પ્રસારણનાં દરેક માધ્યમો અસરકારક હોય છે. હું ઓટીટી પ્લેટફોર્મનો વિરોધી નથી. પણ વ્યક્તિગત રીતે મને થિયેટરોમાં ફિલ્મ જોવાનું ગમે છે.