મુંબઈ: ટીવી જગતમાંથી ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સીરિયલ ‘મહાભારત’માં (Mahabharat) શકુની મામાનો રોલ કરનાર પીઢ અભિનેતા ગૂફી પેન્ટલ (GufiPentalDeath) હવે નથી રહ્યા. ગૂફી પેન્ટલનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. અભિનેતાના નિધનના સમાચારથી ટીવી અને સિનેમા જગતમાં શોકની લાગણી ફરી વળી છે.
અભિનેતા ગૂફી પેન્ટલ લાંબા સમયથી બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ હતા. તેમની તબિયત ઘણા દિવસોથી નાજુક હતી. ડોકટરોએ તેમની સારવારમાં કોઈ કસર છોડી ન હતી. પરંતુ આજે તા. 5 જૂન 2023ના રોજ સવારે ગૂફી પેન્ટલે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે આ દુનિયાને હંમેશ માટે અલવિદા કહી દીધું હતું.
છેલ્લાં ઘણા દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા
પીઢ અભિનેતા 78 વર્ષીય ગુફી પેન્ટલ લાંબા સમયથી બિમાર હતા. તેઓની તબિયત બગડી ત્યારે તેઓ ફરીદાબાદમાં હતાં. ફરીદાબાદની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેઓને મુંબઈમાં ખસેડવામાં આવ્યા હતા. તેઓ છેલ્લાં ઘણા દિવસોથી મુંબઈના અંધેરીની હોસ્પિટલમાં દાખલ હતા. તેમની સારવાર ચાલી રહી હતી. આજે સવારે તેઓએ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. તેમના કો-સ્ટાર સુરેન્દ્ર પાલે ગુફી પેન્ટલના મૃત્યુના સમાચારને સમર્થન આપ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 કલાકે કરવામાં આવશે.
મહાભારતના શકુની મામાના પાત્રએ ગુફી પેન્ટલને અમર બનાવી દીધા
ગુફી પેન્ટલે અભિનેતા તરીકે 1975માં રફુ ચક્કર ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ 80ના દાયકામાં તેઓ અનેક ફિલ્મો અને ટીવી શોમાં દેખાયા હતા, પરંતુ તેમને ખરી ઓળખ 1988માં આવેલી મહાભારત સિરિયલથી મળી હતી. આ સિરિયલમાં ગુફીએ શકુની મામાનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર ભજવી તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. છેલ્લે તેઓ જય કન્હૈયા લાલ કી શોમાં જોવા મળ્યા હતા.