વડોદરા: મહાનગર પાલિકા દ્વારા શહેરમાં ફૂટપાથ ઉપર રાત વિતાવતા લોકો માટે શેલ્ટર હાઉસ બનાવ્યા છે. શહેરમાં હાલ 10 પૈકી 8 જેટલા રેન બસેરા કાર્યરત છે પરંતુ તેમાં લોકો આવતા નથી જેથી પાલિકા દ્વારા આવા ઘર વિહોણા લોકોને રેન બસેરા સુધી લાવવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે અને એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે. જે આગામી એક સપ્તાહમાં એક્શન મોડમાં આવી જશે. અને ફૂટપાથ ઉપર રહેતા લોકોને શોધી શોધીને રેન બસેરા સુધી પહોંચાડવાનું કામ કરશે. શહેરમાં અનેક લોકો એવા છે જેઓ માટે આકાશ જ છત અને ફૂટપાથ ઘર છે.
આવા લોકોને રાત્રે આશરો આપવા માટે મહાનગર પાલિકા દ્વારા વિવિધ સ્થળોએ રેન બસેરા ઉભા કરવામાં આવ્યા છે. શહેરમાં 8 જેટલા સ્થળોએ રેન બસેરા છે. પરંતુ આ શેલ્ટર હાઉસમાં લોકો આવતા નથી. જેની પાછળ કયા પરિબળો કારણભૂત છે તે શોધવાની કવાયત ચાલી રહી છે જો કે પાલિકા દ્વારા આવા લોકોને શેલ્ટર હાઉસમાં લાવવા માટે ખાસ આયોજન છે. પાલિકા દ્વારા એક એજન્સીની નિમણુંક કરવામાં આવી છે અને તેઓ આ તમામ શેલ્ટર હાઉસ તેઓને સોંપશે જેઓની કામગીરી ફૂટપાથ ઉપર રહેતા લોકોને શોધી તેઓને શેલ્ટર હોમ સુધી પહોંચાડવાની છે. તેઓ માટે રાતે ભોજનની વ્યવસ્થા પણ કરવાની રહેશે. હાલ એજન્સીની નિમણુંક કરી દેવામાં આવી છે અને આગામી એક સપ્તાહમાં આ એજન્સી એક્શન મોડમાં આવી જશે. અને તેઓ જરૂરિયાતમંદોને શોધી આ શેલ્ટર હોમ સુધી પહોંચાડશે.
કોઈ છત વગર ન સુવે તેવા પ્રયાસો
શહેરમાં જે લોકો ફૂટપાથ ઉપર સુવે છે તેઓ માટે આ ખાસ આયોજન છે. તેઓને છત મળી રહે અને ખાસ કરીને બાળકો ખુલ્લામાં ન સુવે તે માટે પહેલ છે. તાજેતરમાં જ ફૂટપાથ પર રહેતા લોકોનું હેલ્થ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને તેઓનો તમામ ડેટા અમારી પાસે છે. જેના આધારે તેઓનો સંપર્ક કરાશે અને તેઓને આ શેલ્ટર હોમ સુધી લવાશે.
અર્પિત સાગર, ડેપ્યુટી કમિશ્નર, મનપા
ત્રણ પ્રકારે લોકોને શેલ્ટર હોમમાં આશરો અપાશે
આ શેલ્ટર હોમમાં 3 પ્રકારે લોકોને આશ્રય આપવાનો પ્રયાસ કરાશે. જેઓનું આગળ પાછળ કોઈ નથી તેઓને કાયમી રીતે, જેઓ કોઈ સારવાર અર્થે આવ્યા હોય અને બે ત્રણ દિવસ રોકાઈ પરત જવાના હોય તેઓને હંગામી રીતે અને જેઓ સિઝનલ અહીં આવતા હોય છૂટક મજૂરી માટે આવતા હોય અને ફૂટપાથ ઉપર કે ખુલા મેદાનમાં રહેવા મજબુર થતા હોય તેઓને સીઝનલ શેલ્ટર હોમમાં રખાશે. મ્યુ કમિશ્નર દ્વારા પણ અંગત રસ લઇ હોમલેસ ફ્રી સીટી બનાવવાની આ પહેલ છે. – તરુણ મિશ્રા, સ્ટેટ કો ઓર્ડીનેટર, માં આસ્થા સામાજિક વિકાસ સેવા સંસ્થા