Charchapatra

પૃથ્વીની પેલે પાર

એક ફિલ્મી ગીત ગૂંજતું રહ્યું, ‘‘અય મેરે દિલ કહીં ઔર ચલ, ગમ કી દુનિયા સે દિલ ભર ગયા, ઢૂંઢ લે અબ કોઈ ઘર નયા.’’ પૃથ્વી પર સાત અબજ પર માનવ વસ્તી થઈ ગઈ અને રહેવા માટે જગ્યા ઓછી પડવા લાગી, જળવાયુ અને અન્નની સમસ્યા સર્જવા લાગી. સદ્ભાગ્યે હવે અંતરિક્ષ વિજ્ઞાને ઘણી સિદ્ધિઓ મેળવી છે. હવે પૃથ્વીને પેલે પાર નવાં ઘર વસાવવાની જરૂરત જણાવા લાગી છે. અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા ‘‘નાસા’’ અને ભારતની ‘‘ઈસરો’’ ખૂબ જ શ્રમ કરી નવું નવું સંશોધન કરી રહી છે, રોકેટ, અવકાશયાનો સર્જી શકી છે. વૈજ્ઞાનિક પરિશ્રમ, નિષ્ઠાને અંતે માનવ વસવાટ માટે લાયક એવા બીજા બે પૃથ્વી આકારના મોટા અને વજનદાર ગ્રહો શોધાયા છે, જ્યાં પૃથ્વી પર જેવું પાણી સુલભ છે ત્યાં પણ એવું પાણી હોવાનું જણાયું છે. બંને ગ્રહોની સપાટી પરનું તાપમાન ચોવીસથી ચુમ્મોતેર ડિ.સે. વચ્ચેનું છે. ‘‘નાસા’’ના ટેસ સ્પેસ ક્રાફ્ટે આ બે નવા ગ્રહો એક્સપ્લોનેટ શોધી કાઢ્યા છે, જ્યાં જીવનની સંભાવના છે. આ બંને ગ્રહો પોતાના તારાથી એટલા દૂર રહે છે કે તેના પર જીવન વિકસી શકે, વળી તે બંને સુપર અર્થ છે, આકારની દૃષ્ટિએ પૃથ્વી કરતાં મોટા છે. ટેસ સ્પેસ ક્રાફ્ટ એટલે કે ટ્રાન્જીટિંગ એક્સપ્લોનેટ સર્વે સેટેલાઈટે દર્શાવ્યું કે આપણા સૌરમંડળમાંથી એકસો સાડત્રીસ પ્રકાશવર્ષ દૂર રેડડવાર્ફ સ્ટાર એટલે કે સૂરજ જેવા તારી ટી.ઓ.આઈ.

બે હજાર પંચાણું તરફની તસવીરમાં આશ્ચર્યજનક કુદરતી ઘટના જોવાઈ. સ્પેસ ક્રાફ્ટ પ્રકાશની વધઘટ થવાના આધારે ગ્રહો અને તારાઓની શોધ કરે છે. દરેક ગ્રહ, તારા કાં તો પ્રકાશ ફેલાવે છે અથવા મેળવે છે. માનવસમાજને પૃથ્વીને પાર વસવાનું સ્થળ દેખાય છે ત્યારે એ ગ્રહ પરનો આગ્રહ જન્મે છે. બીજું ફિલ્મી ગીત પણ ઈશારો કરે છે કે ‘‘ચાંદ કે પાર ચલો’’, પણ તે પ્રેમી યુગલને સ્પર્શતું ગીત છે. એકવીસમી સદી નવી નવી જીવન શક્યતાઓ દર્શાવી રહી છે, જે કુદરતની કૃપા જ ગણાય. હાલમાં જ ભારતીય વૈજ્ઞાનિકોએ ગુરુ કરતાં તેરગણો મોટો ગ્રહ શોધી કાઢ્યો છે. અમદાવાદની પી.આર.એલ.ના પ્રોફેસર અભિજીત ચક્રવર્તીની આગેવાની હેઠળની ટીમે આ ગ્રહ આબુ ખાતેની ગુરુશિખર વેધશાખાનાં સાધનોનો ઉપયોગ કરીને આ સિધ્ધિ મેળવી છે. આ ગ્રહ આપણી પૃથ્વીથી સાતસો એકત્રીસ પ્રકાશવર્ષ દૂર આવેલો છે અને તેનું તાપમાન તેરસો છન્નુ ડિગ્રી સેલ્સિયસ છે, તે સખત ગરમ છે. નવું નવું અવકાશી સંશોધન સર્જતું જાય છે, આશ્ચર્ય.
સુરત       – યૂસુફ એમ.ગુજરાતી -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અભિનંદનને પાત્ર
રેડક્રોસ નામની સંસ્થા ઘણાં માનવીય કાર્યો કરે છે. હમણાં જ આ સંસ્થા દ્વારા રાજ્યના કોઇ પણ ખૂણેથી એક જ કલાકના અંતરે બ્લડ મળી રહે તે રીતે બ્લડ બેન્કો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા અવિરતપણે માનવતા અને નિ:સ્વાર્થ સેવાનું કામ કરી રહી છે જે  અભિનંદનને પાત્ર છે. વાડજ મુકામે રેડક્રોસે NABL લેબોરેટરીની સાથે ફિઝિયો સેન્ટર, ડેન્ટલ ક્લિનિક ઊભા કર્યા છે અને CBC સહિતના ટેસ્ટ નજીવા દરે કરવામાં આવે છે. હવે જે કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે તેમાં નીચે મુજબના ૧૦ પ્રોજેક્ટ દરેક જિલ્લામાં કાર્યરત કરાશે.

૧. પેથોલોજી લેબોરેટરી, ૨. જેનરિક મેડિકલ સ્ટોર, ૩. ફિઝિયોથરાપી સેન્ટર, ૪. ડેન્ટલ ક્લિનિક, ૫ બ્લડ બેન્ક, ૬ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ૭ JRC,YRC, ૮ ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ, ૯ BLS ટ્રેનિંગ, ૧૦ અંગદાન. સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સરના ટેસ્ટ પણ ખાનગી હોસ્પિટલોની સરખામણીએ ઓછા દરે થાય છે. ખરેખર, સાચા અર્થમાં રેડક્રોસ સંસ્થા અત્યંત ઉમદા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યું છે અને તે માટે આ સંસ્થાને જેટલા અભિનંદન પાઠવીએ તેટલા ઓછા છે. દુનિયામાંથી માનવતા અને સેવા હજુ જીવિત છે, મરી પરવારી નથી તેનું રેડક્રોસ સંસ્થા ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
સુરત        – સુરેન્દ્ર દલાલ   -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top