SURAT

કપરી પરિસ્થિતિ કરીને પારફરજની ખુશી છે પારાવાર

સમગ્ર દુનિયામાં દર વર્ષે મે મહિનાની 12મી તારીખે એટલે કે આજના દિવસને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક દર્દીને નવું જીવન આપવામાં જેટલું યોગદાન એક ડોક્ટરનું હોય છે એટલું જ એક નર્સનું હોય છે. કારણ કે, નર્સ પોતાની પરવા કર્યા વગર એક દર્દીનો જીવ બચાવે છે. આ દિવસ તેમના અમૂલ્ય યોગદાનને સમર્પિત કરવામાં આવ્યો છે. આ સાથે જ દુનિયામાં નર્સિંગની સંસ્થાપના કરનારા ફ્લોરેન્સ નાઈટિંગલ (Florence Nightingale)ને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે. તો આજના દિવસે પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ દર્દીઓની સેવા કરનારા સુરતના કેટલાક નર્સિસ સાથે વાત કરીએ કે જેઓએ કપરી પરિસ્થિતિમાં પણ પોતાની ફરજ નિભાવી હોય.

PTC માં સિલેક્ટ થઈ હોવા છતાં નર્સિંગ પસંદ કર્યું: આશા પટેલ
સ્વાભાવિક રીતે હેંડિકેપ હોય એવી વ્યક્તિને બીજાની મદદની જરૂર પડતી હોય છે પણ સુરતના નર્સ આશાબેન 45% હેંડિકેપ હોવા છતાં છેલ્લાં 15 વર્ષથી હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરે છે. પગમાં તકલીફ ધરાવતાં આશાબહેન કહે છે કે, ‘’હું જ્યારે ધોરણ 4 માં હતી ત્યારે ઇંગ્લિશમાં આવતાં નર્સ વિશેના એક લેશનથી એટલી બધી ઇમ્પ્રેસ થઈ ગઈ કે, નર્સ બનવું એ મારૂ સપનું બની ગયું. મે જ્યારે ધોરણ 12 પાસ કર્યું ત્યારે PTC માં મને એડમિશન મળી ગયું પણ મારૂ સપનું તો નર્સ બનવાનું જ હતું પણ એ સમયે હેંડિકેપ માટે સીટ અવેલેબલ ન હતી. જો કે મારા ગાંધીનગર રહેતા કાકાએ કહ્યું કે, હેંડિકેપની સીટ માટે જાહેરાત છે. જ્યારે હું ફોર્મ ભરવા ગઈ ત્યારે 1 જ સીટ બાકી હતી અને નિરાશ થઈને પગથિયાં ઉતારી રહી હતી ત્યારે જ મારા નામની જાહેરાત થઈ. એડમિશન મળવાથી હું ઘણી ખુશ થઈ પરંતુ અભ્યાસમાં ઘણીવાર ATKT આવી પરંતુ મે હાર નહીં માની અને આજે મારૂ દુખ ભૂલીને લોકોની સેવા કરવાનો આનંદ લઉં છુ.’’

કોરોનાકાળમાં પ્રેગ્નન્સી સાથે કામ કર્યું: એકતા પટેલ
આજે પણ લોકો જ્યારે કોરોનાથી ડરી રહ્યા છે ત્યારે નર્સ તરીકેની ફરજ બજાવતાં એકતા પટેલે તો એવા સમયે પોતાની ફરજ બજાવી હતી જ્યારે એ પોતે પ્રેગ્નન્ટ હતા. સમગ્ર દુનિયામાં જ્યારે લોકો કોરોનાના કહેરથી થથરી રહ્યા હતા ત્યારે એવા સમયમાં પણ એકતા પટેલે પોતાની ફરજ બજાવી હતી જ્યારે એમના ઘરે પ્રથમવાર બાળકનું આગમન થવા જઈ રહ્યું હતું. એકતા પટેલ કહે છે કે, ‘’બાળકના આગમનની ખુશી તો અમારા પરિવારમાં દરેકને હતી પરંતુ સાથે જ મારી ચિંતા પણ હતી. કોરોનામાં જ્યારે દર્દીને ખાસ અમારી જરૂર હોય ત્યારે ફરજ કેમ ચુકાય! પરિવારજનો મને ઘરે રહેવા સમજાવતા હતા પરંતુ મે ભગવાન પર ભરોસો રાખીને પૂરતી સુરક્ષાનું ધ્યાન રાખીને મારી સેવા ચાલુ રાખી. જો કે મારી સેવાની કદર થઈ અને હું તથા મારૂ બાળક જે આજે 2 વર્ષનું છે તે બંને સ્વસ્થ રહ્યા. આગળ પણ કપરી પરિસ્થિતી આવશે તો હું પહેલા મારી ફરજ નિભાવીશ.’’

કેન્સરગ્રસ્ત મમ્મી અને પપ્પાને કોરોના થયા બાદ પણ ફરજ બજાવી: નિલય પટેલ
જીવ કોને વહાલો ન હોય! વાત જ્યારે જીવનદાન આપનારા માતાપિતાની હોય ત્યારે પણ આપણે તો બીજા કરતાં તેમના વિષે જ વિચારતા હોઈએ છીએ, પણ આઆ બધા કરતાં અલગ નિલય પટેલે પોતાની ફરજને વધુ પ્રાધાન્ય આપ્યું. હાર્ટ એન્ડ લંગ્સ (ECMO)મશીન ઓપરેટ કરનાર નિલય કહે છે કે, સમગ્ર ગુજરાતમાં આવા ફક્ત 10 મશીન છે જે પૈકી સુરતમાં 6 મશીન કાર્યરત છે. કોરોના દરમિયાન આ મશીનની ભારે ડિમાન્ડ હતી જેથી અમારી ટિમ સતત કાર્યશીલ રહેતી હતી.

મારી વાત કરું તો એ સમયે મારી માતા કેન્સરથી ઝઝૂમી રહી હતી અને સાથે જ તેને અને મારા પિતાને કોરોનાની અસર પણ થઈ ગઈ. અંદરથી તો હું પડી ભાંગ્યો પણ હિંમત ન હારી અને તેમને સ્ટેબલ કર્યા અને બાદમાં સ્થાનિકોના વિરોધ બાદ યોગ્ય પ્રોસેસ કરીને મુશ્કેલીથી નવસારી મારા વતન મોકલી દીધા અને અહી મારી ફરજ બજાવી. જો કે ડર તો મને પણ લાગતો જ હતો પણ જો હું ઘરે રહ્યો હોત તો પણ બીજાની જેમ ચેપ લાગવાની શક્યતા તો હતી જ એટલે મે ફરજ બજાવવાનું વધારે જરૂરી માન્યું.’’

કેન્સરગ્રસ્ત પત્નીની સારવાર સાથે જ લોકોની સેવા કરી : સંજીત વર્મા
નર્સ તરીકે સેવા આપતાં સંજીત વર્મા કહે છે કે, ‘’કોરોનાનો સમય ખૂબ જ મુશ્કેલભર્યો રહ્યો હતો. એ સમયે મારી પત્ની બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી હતી. આવા સમયે મારૂ તેની સાથે હોવું ખૂબ જ જરૂરી હતું પરંતુ તેના જ કહેવાથી હું તેને રેડીએશન થેરેપી અપાવીને મારી ફરજ પર હાજર થઈ જતો હતો. આ સમયે ઈશ્વરે મને ખૂબ જ ધૈર્ય અને શક્તિ આપ્યા. કારણ કે આવી પરિસ્થિતીમાં જ્યારે નોર્મલ વ્યક્તિની હાલત ખરાબ થઈ જતી હતી ત્યારે મારી વાઈફને ઇન્ફેકશન ન લાગે એ જોવાની જવાબદારી પણ મારી હતી. જો કે આજે અમે બંને હેમખેમ છીએ એટલે લાગે છે કે લોકોની કરેલી સેવાના આશીર્વાદ અમને મળ્યા છે.’’

Most Popular

To Top