સુરત : જન્મદિવસની ઉજવણી (Birthday celebration) કરવાના કેસમાં સામાન્ય યુવકોની સામે ગુનો નોંધી જેલમાં મોકલી દેવાય છે. પરંતુ સુરત પોલીસ (Surat police) જાહેરમાં જન્મદિવસ ઉજવનાર એસીપી ચૌહાણ (ACP chauhan)ને બચાવી લેવાના મૂડમાં છે. એસીપી સામે સુરત પોલીસ દ્વારા કોઈ જ પગલા લેવામાં આવ્યા નથી. માત્ર પો.કમિ. દ્વારા એસીપી સામેનો રિપોર્ટ રાજ્ય સરકાર (state govt)ને મોકલી આપવામાં આવ્યો છે.
આ આખા પ્રકરણમાં સૌથી શરમજનક બાબત એ છે કે, એસીપી ચૌહાણે સૂટબૂટ સાથે કેક જાહેર રસ્તા પર કાપી (cake cut) અને ગુનો (offence) પણ દાખલ થયો નહીં. સામાન્યત: તેમની સામે ખાતાકીય કાર્યવાહી કરાય કે નહીં, પરંતુ પ્રથમ દૃષ્ટિએ આ ગુનો બનતો હોવા છતાં શહેર પોલીસે પોતાના અધિકારીને બચાવવા કાયદાને નેવે મૂક્યો છે. આમ પણ ટ્રાફિક વિભાગ પહેલેથી જ બદનામ છે. તેમાં પણ એસીપીને બચાવી પોલીસે સાબિત કરી દીધું છે કે કાયદો તે સામાન્ય લોકો માટે છે. જ્યારે પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે કાયદાના અમલ કરવાનાં કાટલાં બદલાઇ જાય છે. બેફામ બનેલા પોલીસ અધિકારીઓ સામે જ્યારે કાયદાની તલવાર વીંઝાતી નથી ત્યારે અધિકારીઓ વધારે બેફામ બને છે તે હકીકત છે.
શું ઘટના ઘટી હતી
શહેરના ટ્રાફિક એસીપી અશોક ચૌહાણે દિલ્હીગેટ પોલીસ ચોકીની સામે જાહેરમાં જ પોતાનો જન્મદિવસ ઊજવ્યો હતો. તેની સાથે હાજર અન્ય લોકોએ માસ્ક પહેર્યું ન હતું અને સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવ્યું ન હતું. એસીપીના જન્મદિવસની ઉજવણીનો વિડીયો વાયરલ થયો હતો. તેની સામે ગુનો નોંધવા માટે સામાન્ય લોકોએ અપીલ કરી હતી. સુરત પોલીસ કમિશનરે એસીપી સામે ખાતાકીય તપાસનો આદેશ કર્યો હતો અને ઇન્કવાયરી કરી હતી. એસીપી સામે તપાસ કરી તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દેવાયો છે. જો સામાન્ય નાગરિક કે યુવાવર્ગ હોય તો તેમની સામે સીધો જ ગુનો નોંધી જેલમાં પૂરી દેવાય છે, પરંતુ એસીપી જેવા અધિકારીની સામે માત્ર રિપોર્ટ જ કરાય છે. સુરતમાં આવા ત્રણથી ચાર જેટલાં ઉદાહરણ છે. જેમાં અધિકારીઓની સામે કોઇ પગલાં લેવાયાં નથી. માત્ર રિપોર્ટ થયા છે અને તે રિપોર્ટ પોલીસ વિભાગના માળિયામાં ધૂળ ખાઇ રહ્યા છે.
એસીપી ચૌહાણ સાથે હાઇ પ્રોફાઇલ મહિલાઓને પણ બચાવી લેવાઈ
એસીપી ચૌહાણ સાથે સરેઆમ જાહેર રસ્તા પર થયેલા બર્થ-ડે ફંક્શનમાં હાઇ પ્રોફાઇલ મહિલા આગેવાનોને બચાવવા કોઇ કાર્યવાહી નહીં કરાઇ રહી હોવાની ચર્ચા છે. આમ, કાયદો હાઇ પ્રોફાઇલ લોકો માટે બદલાય જાય છે.
એસીપી ચૌહાણે સીઆર પાટીલનો ફોટો વાઈરલ કરી પડકાર ફેંક્યો હતો
શહેરમાં પોલીસરાજ છે, તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે, એસીપી અશોક ચૌહાણે રાજ્યના ભાજપ સત્તાધીશ સાંસદ સી.આર.પાટીલને સીધો પડકાર ફેંક્યો હતો. આમ, આ મામલે પોલીસ અધિકારી પોતે કરેલાં કર્મો છુપાવવા માટે જે રીતે સાંસદ સી.આર.પાટીલ પર આક્ષેપ કર્યા, ત્યાર બાદ આ આખો મામલો પેચીદો બની ગયો છે. સરવાળે આ મામલે જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી નથી ત્યારે પોલીસ જાણે રાજકીય સત્તાધીશોને દબાવી પોતાના અધિકારીઓને બચાવી રહી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
કમિ.અજય તોમર કહે છે: ‘ઇન્કવાયરી થઈ ચૂકી છે’
કમિ.અજય તોમરે જણાવ્યું કે, તેઓ દ્વારા ઇન્કવાયરી પૂરી કરવામાં આવી છે. આ રિપોર્ટ તેમણે સરકારને સુપરત કરી દીધો છે.
સિંગણપોર પીઆઈને સસ્પેન્ડ કરાયા, તો પછી એસીપી અશોક ચૌહાણ પર શા માટે આટલો બધો પ્રેમ?
સિંગણપોર પીઆઇ એપી સેલૈયા સામાન્ય પોલીસ ઇન્સ્પેક્ટર હોવાને કારણે તેમણે ભોજન સમારંભ યોજતાં તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જ્યારે એસીપી અશોક ચૌહાણ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આમ, એસીપી અશોક ચૌહાણ સામે સીધો ફોજદારી ગુનો દાખલ કરવાને બદલે પોલીસે હવે આ મામલા પર ઠંડું પાણી રેડી દીધું છે.