Trending

મોદી-શાહને ટાર્ગેટ કરી બોમ્બ ધમકી આપનારો આરોપી પશ્ચિમ બંગાળથી ઝડપાયો

અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ અને નીચલી અદાલતોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાંથી ઝડપી લીધો છે. ‘ખાલિસ્તાન’ના નામે મોકલાયેલા ઈમેલોમાં વડાપ્રધાન Narendra Modi અને કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shahને ટાર્ગેટ કરવાના ઉલ્લેખ સાથે ગુજરાતને ખાલિસ્તાન બનાવવાની ઉશ્કેરણીજનક ધમકીઓ આપવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે અને હાલ તેની સઘન પૂછપરછ ચાલી રહી છે. તપાસ મુજબ 17 ડિસેમ્બર 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારમાં આવેલી જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ 16 ફેબ્રુઆરીએ ફરી એક ઈમેલ મોકલી ‘મોદી-શાહ ટાર્ગેટ છે, હિંદુસ્તાનનાં ટુકડા થશે, ગુજરાત ખાલિસ્તાન બનશે’ જેવી ભાષા વાપરી અમદાવાદ અને વડોદરાની આશરે 40 શાળાઓને નિશાન બનાવવામાં આવી હતી. 23 જાન્યુઆરી 2026એ અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાઓને ફરી ધમકી મળતા શહેરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરેક વખતે પોલીસ, ફાયર વિભાગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરાઈ હતી, પરંતુ કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નહોતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ધમકીભર્યા ઈમેલ મોકલવા માટે ગુપ્ત ઈમેલ સેવાઓ, ટેમ્પરરી એકાઉન્ટ, VPN અને ટોર બ્રાઉઝર જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરતો હતો, જેથી તેની ઓળખ અને IP એડ્રેસ છુપાઈ રહે. પોલીસની સાયબર ક્રાઈમ યુનિટે ઈમેલ હેડર્સનું વિશ્લેષણ કરીને ટેકનિકલ પુરાવા એકત્રિત કર્યા હતા. ઈમેલ સર્વિસ પ્રોવાઇડર્સ પાસેથી કાનૂની રીતે માહિતી મેળવી અને ડિજિટલ ફોરેન્સિક્સની મદદથી આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હોવાનું સૂત્રો જણાવે છે. અધિકારીઓના મતે આવી ધમકીઓનો હેતુ ભૌતિક હુમલો કરતા વધુ માનસિક દબાણ ઊભું કરવાનો હોય છે. શાળાઓ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને નિશાન બનાવવાથી તરત જ ભય અને અસ્થિરતા ફેલાય છે, શિક્ષણ અને વહીવટી કામકાજ ખોરવાય છે અને સમગ્ર તંત્ર પર દબાણ વધે છે. હાલ આરોપીની પૂછપરછ ચાલી રહી છે.

Most Popular

To Top