સુરત: શહેરના રાંદેર પોલીસમાં હત્યાની (Murder) સજા કાપી રહેલા આરોપીને સબજેલમાંથી કોર્ટમાં લવાયો હતો. ત્યારે તેની પત્ની ત્યાં મળવા પહોંચી જતા પોલીસે તેમ કરવાની ના પાડી હતી. જે વાતને લઈને કેદી અને તેની પત્નીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. તથા કેદીએ તો પોલીસને જ મર્ડર કરી નાખવાની ધમકી આપી હતી.
રાંદેર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2019 માં હત્યાના ગુનામાં મોહંમદ તુફેલ ઉર્ફે કોયલા કાસાઢ શેખ તથા સલમાન ઉર્ફે ગાંધી ઇમરાન શેખ લાજપોર જેલમાં સજા કાપી રહ્યાં છે. આજે બંને આરોપીઓને પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા એએસઆઈ વિપીનભાઈ પટેલ તેમના સહકર્મચારીઓ સાથે આજે લાજપોર જેલ ખાતેથી કેદીઓને કોર્ટમાં લાવ્યા હતા. આરોપીઓનો કબજો લઈ નામદાર કોર્ટમાં આરોપીઓની મુદત હોવાથી ત્યાં ગયા હતાં. તેમની સાથે અન્ય એક આરોપી જેને કેદી જાપ્તા માટે નવી કોર્ટ બિલ્ડિંગ ખાતે રજૂ કર્યો હતો. કોર્ટ દ્વારા મુદત પુર્ણ થતા બીજી મુદત આપવામાં આવી હતી.
આરોપીઓને કેદીપાર્ટીની બસ આવે ત્યાં સુધી કોર્ટની બાજુમાં આવેલા લોકઅપમાં રાખ્યા હતાં. ત્યારે મોહમદ તુફેલની પત્ની તેને મળવા માટે આવી હતી. પોલીસ જાપ્તાના માણસોએ આરોપીને પત્નીને મળવા માટે ના પાડી હતી. જેથી આરોપી અને તેની પત્નીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી. આરોપીએ પોલીસને બૂમાબૂમ કરીને હુ ચાર મર્ડર કરીને આયો છું એક વધારે મર્ડર કરી નાખીશ તો મને કોઈ ફરક નહીં પડે અને આમ પણ હું જેલમાં જ રહેવાનો છું અને તમને પણ મારી સાથે ઉપર મોકલી આપીશ તેમ કહી બૂમાબૂમ કરતો હતો. જેથી ઉમરા પીસીઆર વાનને બોલાવતા આરોપીને લોકઅપમાં મુકતા હતા ત્યારે કોર્ટ પણ મારૂ કશુ તોડી નહીં લે તેમ જોરજોરથી બોલતો હતો. ઉમરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસે કેદી મોહમદ કાસાઢ શેખ અને તેની પત્ની વીરી સામે ફરિયાદ નોંધી હતી.