National

લખનઉના ITના ડે.કમિશનર ગૌરવ ગર્ગ પર હુમલાના કેસમાં આરોપી આસિ. કમિશનર યોગેન્દ્ર મિશ્રા સસ્પેન્ડ

તાજેતરમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આવકવેરા વિભાગના ડેપ્યુટી કમિશનર ગૌરવ ગર્ગ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવે આ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી આસિસ્ટન્ટ કમિશનર યોગેન્દ્ર મિશ્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યોગેન્દ્રને બંગાળ-સિક્કિમ પ્રદેશ સાથે જોડવામાં આવ્યા છે. તેઓ પૂર્વ સૂચના વિના હેડક્વાર્ટર છોડી શકશે નહીં.

IRS અધિકારીઓ વચ્ચેની લડાઈ બાદ યોગેન્દ્ર મિશ્રા વિરુદ્ધ લખનૌના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ મિશ્રાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસ ગૌરવ ગર્ગના દબાણ હેઠળ કામ કરી રહી છે. કારણ કે તેમની પત્ની IPS રવિના ત્યાગી છે, જે રાજધાનીમાં જ પોસ્ટેડ છે.

આ ઘટના 29 મેના રોજ લખનૌના નરહી સ્થિત આવકવેરા કાર્યાલયમાં બની હતી. કહેવામાં આવ્યું હતું કે એક મીટિંગ દરમિયાન બે અધિકારીઓ યોગેન્દ્ર મિશ્રા અને ગૌરવ ગર્ગ વચ્ચે કોઈ મુદ્દા પર દલીલ થઈ હતી. ટૂંક સમયમાં જ મામલો એટલો વધી ગયો કે બંને વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. જેમાં ગૌરવ ગર્ગના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. પોલીસે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો.

બીજી તરફ આ સમગ્ર કેસમાં યોગેન્દ્ર મિશ્રાએ લખનૌ પોલીસને સીસીટીવી ફૂટેજની તપાસ કરીને સત્ય શોધવાની માંગ કરી છે. યોગેન્દ્રનો દાવો છે કે ગૌરવ ગર્ગે તેમની આઈપીએસ પત્ની સાથે મળીને મારા વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો છે. તેમનો આરોપ છે કે તેમની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ સંદર્ભમાં તેમણે લખનૌ પોલીસને લેખિત ફરિયાદ આપી હતી પરંતુ કોઈ સુનાવણી થઈ ન હતી.

Most Popular

To Top