SURAT

BMWમાં ફરવા અને મુંબઈની લક્ઝુરીયસ હોટલમાં મજા કરવા માટે સુરતના યુવકે કર્યું આવું…

સુરત: આજના જમાનાના યુવાનોએ મોજશોખને જ જીવનનું એક માત્ર લક્ષ્ય માની લીધું છે. મોજશોખ પુરા કરવા માટે યુવાનો કોઈ પણ હદે જઈ શકે છે. સુરતના આવા જ એક શોખીન યુવકે લાઈફમાં જલસા કરવા માટે ગુનાખોરીનો રસ્તો અપનાવી લીધો હતો. બીએમડબ્લ્યુ જેવી લક્ઝુરીયસ કારમાં ફરવા અને મુંબઈની હાઈફાઈ હોટલોમાં રહી મજ્જા કરવા માટે ચોરીના રવાડે ચઢેલા આ યુવકને સુરત પોલીસે ઝડપી પાડ્યો છે. શહેરમાં વૈભવી જીવન જીવવાનો શોખીન યુવક ઘરફોડ ચોરીઓ કરતો હતો. ખટોદરા પોલીસે આરોપીને ઝડપી પાડી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલી મુદ્દામાલ રિકવર કર્યો હતો.

  • વૈભવી જીવન જીવવા ચોરી કરતો આરોપી હથિયાર સાથે ઝડપાયો
  • આરોપી હોટલોમાં તમામ પ્રકારના મોજશોખ કરી પૈસા પૂરા થાય એટલે પરત બીજી ચોરીને અંજામ આપતો હતો
  • ચોરી કરીને લક્ઝુરિયસ ગાડી ભાડે લઈ મુંબઈ અને વડોદરાની ફાઈવ સ્ટાર હોટલોમાં મોજશોખ કરવા જતો હતો
  • આરોપી પાસેથી ચાંદીના 3 સિક્કા, રોકડા રૂ.૩૦,૦૦૦ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાતાં હથિયાર મળી આવતાં કબજે કરાયાં

ખટોદરા પોલીસની હદમાં ઘરફોડ ચોરીના બનાવો વધતાં પીઆઈ આર.કે.ધુલિયાએ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા સૂચના આપી હતી. ખટોદરા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમીના આધારે આરોપી મો. હસામુદ્દીન ઉર્ફે બબ્બે મો. ઇદરીશ ટેલર (ઉં.વ.૩૧) (રહે., ફ્લેટ નં.૧૦૨, રફીકભાઇના મકાનમાં, અનવર રેસિડન્સી, સંજયનગર પાસે, ઉન પાટિયા, સુરત તથા મૂળ વતન ચીવકી ગામ, તા.અલીપુર બજાર, જિ. સુલતાનપુર, યુ.પી.)ની ધરપકડ કરી હતી.

આરોપી પાસેથી ચાંદીના 3 સિક્કા, રોકડા રૂ.૩૦,૦૦૦ તથા ચોરીમાં ઉપયોગમાં લેવાતાં હથિયાર મળી આવતાં કબજે કરાયાં હતાં. આરોપીની પૂછપરછ કરતાં તે ચોરી કરેલા રૂપિયા પોતાના વૈભવી શોખ પૂરા કરવા ચોરી કરતો હતો. મર્સિડીઝ, બીએમડબ્લ્યૂ અને ઓડી જેવી લક્ઝુરિયસ કાર ભાડે કરી મુંબઇ, અમદાવાદ, વડોદરા જતો હતો. ત્યાં જઇને વૈભવી ફાઈવ સ્ટાર હોટલ બુક કરતો અને રાત્રી રોકાણ કરી વૈભવી શોખ પૂરા કરતો હતો. હોટલમાં તમામ પ્રકારના મોજશોખ કરી પૈસા વપરાય એટલે બીજી ચોરીને અંજામ આપતો હતો. આરોપી સામે પાંડેસરા, સચિન જીઆઈડીસીમાં પણ બે-બે ગુના નોંધાયા છે.

Most Popular

To Top