ગોધરા: બિલકિસબાનો કેસના (Case of Bilkisbano) દોષિતોએ સરેન્ડર (Surrender) કરવા માટે સુપ્રીમ કોર્ટ પાસે વધુ સમયની માંગણી કરી હતી. આ માંગણીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને દોષિતોને બે દિવસમાં જ એટલે કે 21 જાન્યુઆરી સુધીમાં જ સરેન્ડર (Surrender) કરવા કહ્યું હતું.
સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચના નિરીક્ષક એનએલ દેસાઈએ સમાચાર ઍજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, “તમામ 11 દોષિતોએ રવિવારે મોડી રાત્રે આત્મસમર્પણ કર્યું છે. આ દોષિતો 21મી જાન્યુઆરીની મધ્યરાત્રિ પહેલાં જેલમાં પહોંચી ગયા હતાં. 21મીએ આત્મસમર્પણની નિયત સમયમર્યાદા હતી.
બિલકીસબાનો ગૅંગરેપ કેસના દોષિતોની સજામાફીની અરજીઓ વિષે સુપ્રીમ કોર્ટે તારીખ 8 જાન્યુઆરીએ પોતાનો ચુકાદો આપ્યો હતો અને તમામ દોષિતોને બે અઠવાડિયામાં સરેન્ડર કરવા કહ્યું હતું. પરંતુ તમામ દોષિતોએ વિવિધ કારણો આગળ ધરીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી અને સરેન્ડર માટે વધુ સમય માગ્યો હતો.
દરમિયાન જસ્ટિસ નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુયનની બૅન્ચે દોષિતોએ કરેલી આ અરજીઓ આજે સાંભળી હતી અને ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, “સરેન્ડર માટે વધુ સમય આપવાની દોષિતોની માગણી અમે સાંભળી છે. પરંતુ તેમણે આપેલાં કારણોમાં કોઈ યોગ્યતા કે દમ નથી. અને આ કારણો તેમને અમારા નિર્દેશો અનુસાર ફરીથી જેલમાં જતા રોકી શકશે નહીં.”
ઉલ્લેખનીય છે કે અગાઉ સુપ્રીમ કોર્ટે બિલ્કીસબાનો સાથે બળાત્કાર અને તેમના પરિવારજનોની હત્યાના 11 દોષિતોની સજામાફી આપીને છોડી મૂકવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો હતો. ગત વર્ષે 15 ઑગસ્ટના રોજ ગુજરાત સરકારે આ દોષિતોની સજામાફીની અરજી પર કાર્યવાહી કરીને 11 દોષિતોને મુક્ત કર્યા હતા. આ તમામ દોષિતો ગોધરા સબજેલમાં સજા ભોગવી રહ્યા હતા.
11 દોષિતોમાં બકાભાઈ વોહાનિયા, બિપિન ચંદ્ર જોશી, કેસરભાઈ વોહનિયા, ગોવિંદ નાઈ, જસવંત નાઈ, મિતેશ ભટ્ટ, પ્રદીપ મોરધિયા, રાધેશ્યામ શાહ, રાજુભાઈ સોની, રમેશ ચંદના અને શૈલેષ ભટ્ટનો સમાવેશ થાય છે.
ફેબ્રુઆરી 2002માં બની હતી ઘટના
ફેબ્રુઆરી 2002માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોના આતંકમાંથી બચવાનો પ્રયાસ કરતી વખતે બિલકિસ બાનો 21 વર્ષની અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. ત્યારે તેના પર સામૂહિક બળાત્કાર થયો હતો. આટલું જ નહીં આરોપીએ તેના પરિવારના સભ્યોની પણ હત્યા કરી નાખી હતી. મૃતકોમાં બિલકિસની ત્રણ વર્ષની પુત્રીનો પણ સમાવેશ થાય છે.
