એક વ્યક્તિ રસ્તાની ડાબી બાજુએ ચાલી રહી છે. એને પાછળથી બેફામ ગતિએ આવતો વાહનચાલક ટક્કર મારીને ફેંકી દે છે. પરિણામે પેલી વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થવાથી મૃત્યુ પામે છે. બેફામ અને બેકાબૂ વાહનચાલક અન્ય વાહન સાથે એનુ વાહન ટકરાવીને સામેના વાહન ચાલકને મારી નાખે છે. ટ્રક, ખટારા, ડમ્પરો તથા મોટી બસોના ચાલકો, નાના વાહનોને પોતાની ટક્કરમાં લઈને, લોકોને કચડીને મારી નાંખે છે. ‘ધન-જોબન અને ઠાકરી, એ ઉપર અવિવેક એ ચારે ભેગા મળે તો અનરધકરે અનેક’’ એ ઉક્તિ અનુસાર પૈસાદારના નબીરાઓ, નશો કરીને પોતાની ગાડીઓ જેટની ઝડપે ઉડાડીને અન્યોને મારી નાંખે છે. આ બધુ રોજે-રોજ બને છે.
જેનો કોઈ વાંક કે ગુનો નથી, એવા અનેક લોકો આવા રોકેટગતિએ વાહનો ચલાવતા, યમદૂતોને હાથે કમોતે જીવ ગુમાવે છે. એ આપણે સૌ જાણીએ છીએ. અકસ્માત થાય એટલે પોલીસખાતુ પોતાની રીતે તપાસ કરે છે. ક્યારેક લાંબી તપાસ બાદ અકસ્માતમાં મરનાર વ્યક્તિના અંગે ન્યાય ખાતુ કેટલીક આર્થિક સહાય આપવાનું ફરમાન કરે છે, પણ એથી મરનાર વ્યક્તિ તો પાછી આવવાની નથી જ ને!! આ સ્થિતિએ જે લોકો બેફામ ગતિએ વાહનો ચલાવીને અકસ્માતો નોંતરીને અન્યોને મોતને ઘાટ ઉતારે છે, એ અકસ્માત સર્જનાર, દાનવો સાથે મનુષ્યવધનો ગુનો લગાડવો જોઈએ. આને માટે કાયદો કરીને પણ, એવા જીવ હણી લેતા ચાલકોને, આજીવન કેદ કે ફાંસીની સજા થવી જોઈએ. અકસ્માત એટલે અકસ્માત એવું પાણીપોચુ અને ઘેંસ જેવુ ઢીલું વલણ, પોલીસ ખાતાએ દાખવવું જોઈએ નહી.
સુરત – બાબુભાઈ નાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
