SURAT

સુરતના હીરાવાળા નવી મુસીબતમાં ફસાયા, છતાં રૂપિયે કંગાળો જેવી હાલત થઈ

સુરત : મંદીથી હેરાન પરેશાન સુરતના હીરાવાળાઓ પર નવી મુસીબત ત્રાટકી છે. સુરતની 50 ડાયમંડ કંપનીના બેન્ક એકાઉન્ટ બંગાળ, કેરળ અને મહારાષ્ટ્રની પોલીસે સીઝ કરી દીધા છે, જેના લીધે આ હીરાવાળાઓના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન ઠપ્પ થઈ ગયા છે. વળી, આ ત્રણ રાજ્યોની પોલીસવાળા બેન્ક એકાઉન્ટ ખોલવા માટે લાંચ માંગતા હોય હીરાવાળાની હાલત કફોડી બની છે.

  • સાયબર ફ્રોડની શંકાએ મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળની પોલીસે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીનાં 500 કરોડની બેલેન્સવાળા એકાઉન્ટ સીઝ કર્યાં
  • સુરતની રિયા એક્સપોર્ટ, ધ્યાન એક્સપોર્ટ સહિત 50 ડાયમંડ જ્વેલરી કંપનીઓના બેંક ખાતા ફ્રીઝ થતાં કેન્દ્રીય મંત્રી સીઆર.પાટીલને રજૂઆત કરાઈ

સાયબર ફ્રોડની શંકાને પગલે મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળની પોલીસે સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીનાં 500 કરોડની બેલેન્સવાળા એકાઉન્ટ સીઝ કરતા સુરતનાં ઉદ્યોગકારો ચિંતામાં મુકાયા હતા. સામી દિવાળીએ સુરતની રિયા એક્સપોર્ટ, ધ્યાન એક્સપોર્ટ સહિત 50 ડાયમંડ જ્વેલરી કંપનીઓના બેંક ખાતા ફ્રીઝ થતાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સીઆર.પાટીલને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સુરતનાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને ત્રણ રાજ્યોની પોલીસનો સંપર્ક કરી પ્રશ્ન ઉકેલવા જણાવ્યું હતું.

સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીઓના સંચાલકોએ શુક્રવારે તા. 27 સપ્ટેમ્બર 2024ના રોજ ઇન્ડીયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટનાં ચેરમેન દિનેશ નાવડિયાનાં નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રી સીઆર.પાટિલને મળી છેલ્લા કેટલાક વર્ષથી ઊભી થતી આ સમસ્યા ઉકેલવા માંગ કરી હતી.

મહારાષ્ટ્ર, કેરલા અને બંગાળ પોલીસને નનામાં ફોન થકી માહિતી આપવામાં આવે છે કે, આ કંપનીઓના બેંક ખાતાઓ થકી સાયબર ફ્રોડ થઈ રહ્યું છે. પોલીસનો ફોન આવતા જ બેંકો આ જેન્યુઇન બિઝનેસ એકાઉન્ટ ફ્રીઝ કરી દે છે. સુરત પોલીસ પાસે અભિપ્રાય મંગાવવાથી લઈ લાંબી પ્રક્રિયા પછી આ કંપનીઓના એકાઉન્ટ ફરી કાર્યરત કરવામાં આવે છે.

શુક્રવારે રીયા એક્સપોર્ટના ભવ્યભાઇ, ધ્યાન એક્સપોર્ટના ચેતનભાઇ, હીરા ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડીયા સહિતના ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિમંડળ કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સુરત ઓફિસે પહોંચ્યું હતું. તેમણે ફરીયાદ કરી હતી કે, મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળની લોકલ પોલીસ દ્વારા તેમના બેંક એકાઉન્ટ માત્ર શંકાના આધારે અને થર્ડ પાર્ટી હોવા છતાં ક્ષુલ્લક કારણોસર સીઝ કરી દે છે. ગયા વર્ષે પણ દિવાળી અગાઉ આવી ઘટના બની હતી જે સુરતનાં પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને માર્ગદર્શન આપી ઉકેલી હતી.

સુરતની 50 કંપનીઓનાં રૂપિયા 500 કરોડનો સપ્ટેમ્બર મહિનાની અંતિમ તારીખોમાં બેંક ખાતામાં વ્યવહાર અટકી ગયો છે. ICICI અને ઇન્ડસઇન્ડ જેવી બેંકોના ખાતા પણ સીઝ થતાં આ બેંકોની મુંબઇ ખાતે આવેલી સેન્ટ્રલ હેડ ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી. પણ કોઈ સંતોષજનક ઉત્તર નહીં મળતા, કેન્દ્ર સરકારને દરમિયાનગીરી કરવા માટે પ્રતિનિધિમંડળે સી.આર. પાટીલને રજૂઆતો કરી હતી.

ભૂતકાળમાં જે ત્રણ રાજ્યોની જે પાર્ટીઓ સાથે વેપાર કર્યો એ પાર્ટી વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં સુરતની કંપનીઓ પણ ભેરવાઈ
સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીઓ હવે જુદા જુદા રાજ્યોમાં આઉટલેટ ધરાવે છે. ઓનલાઇન વેપાર પણ કરે છે. ભૂતકાળમાં સુરતની જે કંપનીઓએ ત્રણ રાજ્યોની જે પાર્ટીઓ સાથે વેપાર કર્યો એ પાર્ટી વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ થતાં સુરતની કંપનીઓ પણ ભેરવાઈ છે.

આ આખા કેસમાં સુરતની પાર્ટીઓના બેંક એકાઉન્ટમાં કોઇ પણ પ્રકારના શંકાસ્પદ વ્યવહારો થયા નથી પરંતુ, મહારાષ્ટ્ર, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ભૂતકાળમાં સુરતની કંપનીઓ સાથે ભૂતકાળમાં વ્યવહારો કર્યા હતા. અને ત્યાની પાર્ટીના એકાઉન્ટમાં સાઇબર ક્રાઇમની નોંધાયેલી ફરીયાદના આધારે સુરતની પાર્ટીઓના કરોડો રૂપિયાના બેંક એકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા છે.

બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનાં નામે નાણાં પડાવવાનો ખેલ : દિનેશ નાવડિયા
આઇડીઆઇનાં ચેરમેન અને હીરા ઉદ્યોગકાર દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે વીતેલા વર્ષોમાં પણ આવી ઘટનાઓ બની છે. સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીઓનાં બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા પાછળ નાણાં પડાવવાનું કૌભાંડ ચાલતું હોય એવી શક્યતા છે. સુરતનાં જે વેપારીઓના એકાઉન્ટ ફ્રીઝ થયા છે.

એ વેપારીઓને એવા ફોન કોલ આવી રહ્યા છે કે, જો ચોક્કસ રકમનો વ્યવહાર કરશો તો ગણતરીનાં કલાકોમાં સીઝ થયેલું એકાઉન્ટ ખુલી જશે, ફરી ઓપરેટ કરી શકાશે. આ ઘટના મહારાષ્ટ્ર, બંગાળ, અને કેરળની સ્થાનિક પોલીસની તપાસની આડમાં કેટલાક એજન્ટો કામ કરી રહ્યા છે એ મામલે એકવાર તલસ્પર્શી તપાસ થવી જોઈએ. અને કાયમી ધોરણે આ પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ.

કેન્દ્ર સરકારે ત્રાસવાદી પ્રવૃતિઓ માટે થઇ રહેલું ફંડીંગ અટકાવવા માટે બેંક એકાઉન્ટ સીઝ કરવાની સત્તા જે તે રાજ્યની પોલીસને આપી છે, આ સત્તાનો સુરતની ડાયમંડ જ્વેલરી કંપનીઓ સામે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. પણ આ વખતે અમે કેન્દ્ર સરકારને રજૂઆત કરી કાયમી ધોરણે આ પ્રશ્નનો ઉકેલ લાવીશું એમ દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું હતું.

Most Popular

To Top