Editorial

‘પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ’ મુજબ હવે દરેક મસ્જિદ યથાસ્થિતિમાં જ રહેવાની છે તો પછી સંભલ જેવો હોબાળો શા માટે?

છેલ્લા થોડા સમયથી ભારતમાં મસ્જિદ અને દરગાહોના મૂળમાં મંદિરો શોધવાની પ્રવુત્તિ જોર પકડી રહી છે. વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની શાહી ઈદગાહ અને મધ્યપ્રદેશના ધારની કમલ મૌલા મસ્જિદથી શરૂ થયેલો સિલસિલો ઉત્તર પ્રદેશના સંભલની મસ્જિદ અને રાજસ્થાનના અજમેર શરીફની દરગાહ સુધી વણથંભ્યો ચાલુ જ છે.જામા મસ્જિદ મૂળ હરિહર મંદિર હતું, એવા હિન્દુ પક્ષના દાવાને લીધે સર્જાયેલા વિવાદે હિંસક વળાંક લીધો હતો.

આવા કિસ્સા વારંવાર બની રહ્યા છે ત્યારે એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, દેશનો કાયદો આ બાબતમાં શું કહે છે? પૂજા સ્થળ સંબંધિત વિવાદમાં ‘પ્લેસિસ ઓફ વર્શીપ એક્ટ’ (પૂજા સ્થળ અધિનિયમ) લાગુ પડે છે. 1991માં દેશની સંસદ દ્વારા પસાર કરવામાં આવેલ આ કાયદો કહે છે કે, 15 ઓગસ્ટ, 1947ના રોજ કોઈપણ પૂજા સ્થળનું જે સ્વરૂપ હતું, એ જેમનું તેમ જળવાવું જોઈએ, તેની ધાર્મિક પ્રકૃતિ અને ધાર્મિક ઓળખ સમાન રહેવી જોઈએ, તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા ન થવા જોઈએ.

હાલની પરિસ્થિતિ જે પણ હોય તે એક વાત તો સ્પષ્ટ છે. હવે એક પણ મસ્જિદ તૂટવાની નથી. વધારેમાં વધારે સર્વે થઇ શકે તેમ છે. તેનાથી વધારે કંઇ જ થવાનું નથી તેવું એક્ટ ઓફ વર્શીપ કહે છે. આ સત્ય છે તે દરેક કોમના લોકોએ જાણવાની જરૂર છે. આ વાત જ સત્ય છે તો પછી સરવે વખતે કરવામાં આવતા હોબાળોને કોઇ જ સ્થાન નથી. કોઇ સરવે થાય અને જો તેમાં સાબિત પણ થાય કે મંદિર તોડીને મસ્જિદ બનાવાયું હતું તો પણ તે સ્થિતિમાં કોઇ જ ફેરફાર થવાનો નથી. એટલું જ નહીં સુપ્રિમે હાલ પૂરતી તો સરવે પર પણ રોક લગાવી દીધી છે.

હવે દેશમાં કેટલા વિવાદીદ સ્થળો છે તેની વાત કરીએ તો   કે સમગ્ર ભારતમાં વિવાદિત મસ્જિદો અને સ્મારકોની સંખ્યા 50 ની આસપાસ છે અને સુપ્રીમ કોર્ટે મસ્જિદોને તોડી પાડવા માટે અનેક અરજીઓ પણ દાખલ કરી હતી. તેમણે તાજેતરની અરજીઓ 20મી સદીના અગ્રણી ભારતીય ઈતિહાસકારના તારણો પરથી કરી છે. જેમાં તેનું મિશન વિવાદિત મસ્જિદોની કાયદેસરતાને પડકારવાનું છે કારણ કે તેઓ માને છે કે હિંદુ મંદિરોને તોડી કરીને ઘણા ઇસ્લામિક ધાર્મિક સ્થળો બાંધવામાં આવ્યા હતા.

જૂન 2022 માં, તુર્કીએની એક આંતરરાષ્ટ્રીય સમાચાર વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરેલા લેખમાં કહેવામાં આવ્યું હતું કે ભારતમાં ઓછામાં ઓછા 05 ધાર્મિક સ્થળો હિંદુના દાવા હેઠળ છે. જેમાં મથુરામાં શાહી મસ્જિદ, ધારમાં ભોજશાળા સંકુલ, દિલ્હીમાં કુતુબ મિનાર, લખનૌમાં તિલી વાલી મસ્જિદ, અજમેરમાં હઝરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ, મધ્ય પ્રદેશમાં કમાલ-ઉદ્દ-દિન મસ્જિદનો વિવાદ સૌથી મોટો છે. તાજેતરમાં ASI સર્વે રિપોર્ટમાં ખુલાસો થયો છે કે જ્ઞાનવાપી મસ્જિદ પણ મંદિર તોડીને બનાવવામાં આવી હતી. જેના ઘણા અવશેષો અને અનેક શિલ્પો પણ મળી આવ્યા છે. આ વિવાદ 1991 માં શરૂ થયો હતો અને તે બાબતે હિંદુઓએ કાનૂની અરજી દાખલ કરી હતી કે મંદિર તોડીને આ મસ્જીદ બનાવવામાં આવી છે. લાંબા સમયથી એવું માનવામાં આવે છે કે તે કાશી વિશ્વનાથ મંદિરના અવશેષો પર બનાવવામાં આવ્યું હતું.

જો કે, પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ 15 ઓગસ્ટ, 1947 સુધી બાંધવામાં આવેલા કોઈપણ ધર્મના પૂજા સ્થળને અન્ય કોઈ ધર્મના પૂજા સ્થળમાં રૂપાંતરિત કરવા પર પ્રતિબંધ મૂકે છે. આ ઉપરાંત, તે ધાર્મિક આધાર પર કોઈપણ સ્મારકની જાળવણી પર પણ પ્રતિબંધ મૂકે છે. આ કાયદા અનુસાર, 15 ઓગસ્ટ, 1947 સુધી બનેલા તમામ ધાર્મિક સ્થળોની યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે. પછી તે મસ્જિદ હોય, મંદિર હોય, ચર્ચ હોય કે અન્ય કોઈ જાહેર પૂજા સ્થળ. આ તમામ ધર્મસ્થાનો ઈતિહાસની પરંપરા મુજબ જ રહેશે. તેને કોઈપણ કોર્ટ કે સરકાર બદલી શકતી નથી.

આ કાયદા બાદ પણ દેશની અદાલતોમાં આવી બાબતોને લઈને અરજીઓ થઈ રહી છે. જિલ્લા અદાલતો પણ આ અંગે વિચારણા કરી રહી છે. હાલમાં જ્ઞાનવાપી અને મથુરા બંને જગ્યાએ સ્થિતિ સમાન છે. વિવાદિત મસ્જિદોને લઈને દેશભરમાં આવી અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે. મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા બનાવવામાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલને લઈને કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી કે જ્યાં તાજમહેલ બનાવવામાં આવ્યો હતો ત્યાં પહેલા એક હિંદુ મંદિર હતું.

Most Popular

To Top