Comments

વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અનુસાર ભારત પર અમેરિકન ટેરિફની શું અસર પડશે?

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી એપ્રિલે ટેરિફનું શું ગતકડું બહાર પાડે છે એની ચર્ચા સર્વત્ર છે. ભારત વિશ્વમાં સૌથી ઊંચો સરેરાશ ટેરિફ દર ધરાવતા દેશોમાંનો એક છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO) અનુસાર, ૨૦૨૩-૨૪માં અમેરિકાના ૨.૨ ટકા દર સામે ભારતનો દર ૧૨ ટકા હતો. ટ્રમ્પ ભારત પર સતત દબાણ વધારી રહ્યા છે. તેઓ વારંવાર પારસ્પરિક ટેરિફનો ઉલ્લેખ કરે છે. ૧૯ માર્ચના રોજ બ્રેટબાર્ટ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, ‘૨ એપ્રિલથી અમે ભારત પાસેથી એટલું જ ટેરિફ વસૂલ કરીશું જેટલું તેઓ અમારી પાસેથી વસૂલ કરે છે’. ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની ભારત પર અસર વિશે વૈશ્વિક એજન્સીઓ શું કહે છે તેના પર એક નજર નાખીએ. S&P ગ્લોબલ રેટિંગ્સનો તાજેતરનો અહેવાલ કહે છે કે મજબૂત અર્થતંત્ર અને યુએસમાં ઓછું રોકાણ ભારતને ટ્રમ્પ ટેરિફની અસરોથી રક્ષણ આપશે. ટેરિફની મર્યાદિત પરોક્ષ અસર થવાની સંભાવના છે કારણ કે ભારતની નિકાસ તેના GDPમાં દસમા ભાગ જેટલો હિસ્સો ધરાવે છે. જો કે, સ્ટીલ અને કેમિકલ જેવાં કેટલાંક ક્ષેત્રોને અસર થઈ શકે છે.

ફિચે ૨૦૨૫-૨૬ માટે ભારત માટે ૬.૫ ટકા જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ જાળવી રાખ્યો છે. જો કે, તે ચેતવણી આપે છે કે અપેક્ષિત કરતાં વધુ આક્રમક યુએસ વેપાર નીતિઓ જીડીપી વૃદ્ધિ માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. ફિચના મતે, બિઝનેસ કોન્ફિડન્સ ઊંચો રહે અને ખાનગી ક્ષેત્રને બેંક ધિરાણમાં પણ બે-અંકી વૃદ્ધિ જોવા મળે. ભારત-અમેરિકા વચ્ચેના વેપારમાં બાહ્ય માંગ પર ઓછી નિર્ભરતાને કારણે યુએસ ટેરિફ પગલાંથી ભારત કંઈક અંશે સુરક્ષિત છે.

મૂડીઝ રેટિંગ્સે એક અહેવાલમાં જણાવ્યું હતું કે, દક્ષિણ અને દક્ષિણપૂર્વ એશિયામાં ઓટોમોટિવ, સ્ટીલ, રસાયણો અને વ્યવસાય-સેવા ક્ષેત્રો કાર્યરત કંપનીઓ સૌથી વધુ યુએસ ટિટ-ફોર-ટેટ ટેરિફનો ભોગ બનશે, જે માંગ ઘટાડી શકે છે અને ખર્ચમાં વધારો કરી શકે છે. જો કે, ખાણકામ, તેલ અને ગેસ, શિપિંગ અને કૃષિ જેવાં ક્ષેત્રો આ અસરનો મજબૂતાઈથી સામનો કરી શકશે. સ્ટીલ અને રાસાયણિક કંપનીઓની વાત કરીએ તો યુએસ દ્વારા પ્રસ્તાવિત ટેરિફ પગલાંની સીધી અસર ઓછી હશે, પરંતુ તેનાથી સરપ્લસ સ્ટીલ અને પેટ્રોકેમિકલ્સ એશિયા સહિત અન્ય બજારો તરફ વળશે.

આ વિસ્તારમાં પુરવઠો વધવાથી કિંમત ઘટશે અને તેથી આ કંપનીઓની નફાકારકતામાં ઘટાડો થશે.આઇટી કંપનીઓ વધેલા ખર્ચને પહોંચી વળવા વધુ સારી સ્થિતિમાં છે. જો કે યુએસમાં કાર્યરત બિઝનેસ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ યુએસ ઇમિગ્રેશન નીતિમાં ફેરફારનો સામનો કરી રહી છે, જેનાથી પ્રતિભાશાળી વિદેશી કામદારોની નિયુક્તિને અસર પડી શકે. મૂડીઝ એમ પણ કહે છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જે તેના તેલ-રસાયણ સેગમેન્ટ ઉત્પાદનના લગભગ અડધાની નિકાસ કરે છે. તેને યુએસ-ભારત વેપાર પ્રતિબંધોની અસર પડશે. જો કે, કંપનીની મજબૂત બેલેન્સ શીટ જોતાં માંગ અથવા નફામાં સંભવિત ઘટાડાને પહોંચી વળશે.

ગોલ્ડમેન સૅસના અહેવાલમાં જણાવાયું છે કે અમેરિકા ભારત પર ત્રણ રીતે ટેરિફ લાદી શકે છે: ભારતમાંથી આયાત કરાયેલાં તમામ ઉત્પાદનો પર વેઇટેજ એવરેજ ટેરિફ ડિફરન્શિયલ દ્વારા, દરેક ઉત્પાદન પર ભારતના ટેરિફ સાથે મેચ કરીને અથવા આયાત લાઇસન્સ વગેરે સહિત વહીવટી અવરોધોને આધાર બનાવીને ટેરિફ લાદી શકે છે. ગોલ્ડમેન સૅસે આગાહી કરી છે કે ટ્રમ્પ ટેરિફથી ભારતીય GDP પર 10-60 bpsનો ફટકો પડશે. ભારતની અમેરિકામાં કુલ નિકાસ તેના અન્ય સાથીદારોમાં સૌથી ઓછી છે જે GDPના લગભગ બે ટકા છે. જો અમેરિકા તમામ દેશો પર વૈશ્વિક ટેરિફ નાખે તો ભારતને ઘણી અસર થશે કારણ કે ભારતની અમેરિકામાં વાયા અન્ય દેશો દ્વારા નિકાસ તેનાથી પ્રભાવિત થશે. પરિણામે સ્થાનિક GDP વૃદ્ધિને અસર થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top