સાપુતારા : ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં જુદા જુદા ત્રણ સ્થળોએ અકસ્માત સર્જાયા હતા. જોકે આ અકસ્માતોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
મહારાષ્ટ્રનાં નાસિક તરફથી માલસામાનનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલી ટ્રક ન. એચ.આર.38 વાય 3240 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ પલ્ટી મારી જઈ ખીણમાં ખાબકતા બચી હતી. જ્યારે બીજા બનાવમાં સાપુતારા ઘાટમાર્ગમાં જ આઈસર ટેમ્પો માર્ગનાં સાઈડનાં ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાપુતારા ઘાટમાર્ગમાં બે સ્થળોએ થયેલા અકસ્માતમાં ટ્રક અને આઈસર ટેમ્પો સહીત માલસામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલકો અને ક્લીનરોને નજીવી ઇજાઓ પહોચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલો હોવાની વિગતો સાંપડેલી છે.
જ્યારે ત્રીજા બનાવમાં વઘઇથી સાપુતારાને જોડતા આંતર રાજ્ય ધોરીમાર્ગનાં દાબદર ફાટક પાસે સુરતથી સાપુતારા તરફ આવી રહેલી પ્રવાસી કાર નં. જી.જે. 05 સી.બી. 7361નાં ચાલકે કાબુ ગુમાવી દેતા આ કાર માર્ગની સાઈડમાં ઉતરી જઈ ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. જોકે કારને જંગી નુકસાન પહોચ્યુ હતુ. જ્યારે કારમાં સવાર પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થયેલો હોવાની વિગતો સાંપડેલી છે.