સમય બદલાતો જાય છે તેમ અકસ્માતો પણ વિચિત્ર પ્રકારના થતા જાય છે. આવા અકસ્માતોમાં વ્યકિતએ શું સાવચેતી રાખવી તેનો કોઈ ઉકેલ જડે તેમ નથી. જેમકે, મોરબીનો ઝુલતો પુલ તૂટી ગયેલો તેમાં પૂલ પર જનારનો શું વાંક? ચકડોળમાં બેઠા હોય ને તેનો ભાગ તૂટી પડે તેમાં બેસનારનો શું વાંક? હોડીમાં બેઠા હોય ને હોડી પલ્ટી જાય તેમાં હોડીમાં બેસનારનો શું વાંક? કોઈક કારણોસર ભાગાભાગ થાય અને કોઈ પડી જાય અને પડનાર પરથી લોકો દોડી જાય તેમાં પડનારનો શું વાંક? ખેતરમાં કામ કરતા ખેડૂત પર વિજળી પડે અને ખેડૂત મરી જાય તો તેમાં ખેડૂતનો શું વાંક?
ઝાડ નીચે ઊભા હોઇએ અને ઝાડ માણસ પર પડે તેમાં ઝાડ નીચે ઊભેલાનો શું વાંક? જમણવારમાં ફૂડ પોઇઝનીંગ થઇ જાય તેમાં જમનારનો શું વાંક? નાના બાળકને કૂતરુ ખેંચી જાય અને બાળકને ફાડી ખાય તેમાં બાળકનો શું વાંક? વાહન નિયમ મુજબ ચાલતું હોય અને રોંગ સાઇડથી ફૂલ સ્પીડમાં આવતું વાહન આપણા વાહનને ભટકાઈ જાય તેમાં આપણો શું વાંક? એપાર્ટમેન્ટ નીચે છોકરો રમતો હોય અને તેના માથા પર અચાનક ઉપરથી છોડનું કૂડું પડે તેમાં રમતા છોકરાનો શું વાંક? આવા અકસ્માતોથી કેવી રીતે બચી શકાય તનો ઉપાય કોઇની પાસે હોય તો ચર્ચાપત્રમાં જણાવજો.
પરવત પાટિયા, સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મન, પેરેશુટ-છત્રી જેવું છે
શાળાઓ શરૂ થઈ ગઈ. વિદ્યાર્થીઓ દોડતાં થઈ ગયાં. એમની દોડ બે રીતની. એક શાળામાં હાજરી પુરાવવાની અને બીજી ખાનગી ટ્યુશન કલાસમાં હાજરી આપવાની. જેની ફી પણ તગડી હોય છે. અને સાંભળેલા સમાચાર મુજબ શાળાની હાજરી…? બોગસ! જ્યારે ખાનગી ટયુશન કલાસ ભરચક જાય. જે શાળામાં નથી શીખ્યા તે કલાસમાં શીખી લઈશું એવી મહેચ્છા! વળી કેટલાંક મા-બાપો પોતાના વિદ્યાર્થી ક્યાં, કેવી રીતે, ભણે છે તે જાણતાં જ નથી.
એક નવો ટ્રેન્ડ જાણવામાં આવ્યો. જૂનાં પુસ્તકો વેચી તેનાં નાણાં વડે મોજશોખ અને નવાં પુસ્તકો ખરીદવાં. સરકારશ્રીનું ધ્યાન આ પ્રથા બંધ કરાવવા ક્યારે ખેંચાશે? અલબત્ત- શિક્ષણ ડાંતર થતું જાય છે. જ્યાં શિક્ષકો ફોરેન ઊપડી જાય. પુસ્તકો માર્ગદર્શક, અમૂલ્ય હોય છે. વિચારકો લોકોના ઊંડા અભ્યાસનો પ્રભાવ પાડે છે. વાદ-વિવાદ ખૂબ સસ્તા થઈ ગયા. દલીલ યુધ્ધ વાત વાત ટપકી પડે, ક્યાંક સંબંધ સુધ્ધાં બગાડે. સદરહુ પરિસ્થિતિમાં ચાલો, ‘‘તમે સાચા’’ બોલવાથી સુંદર પરિણામ મળે. સંબંધ ટકે. સાચે જ માણસનું પેરેશુટ છત્રી જેવું નથી લાગતું?
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.