Dakshin Gujarat

ભરૂચના નવા નર્મદા બ્રિજ પરથી પસાર થતા હો તો સાચવજો, LED બંધ હોવાના લીધે અહીં અકસ્માતનો ભય રહે છે

ભરૂચ: નવા બનેલા નર્મદા મૈયા બ્રિજ (Narmada Bridge) ઉપર LED લાઈટો બંધ રહે છે, જેના લીધે આ બ્રિજ અકસ્માત ઝોન (Accident Zone) બની ગયો હોય એવો અહેસાસ થઇ રહ્યો છે. હજુ નવો બ્રિજ બન્યાને માંડ એકાદ વર્ષ પણ પુરૂ નથી કર્યું ને ત્યાં તો લાઈટો બંધ રહેતા ઇકો કાર અને ક્રુઝ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજના લાઈટનો મુદ્દો ભરૂચની સંકલન બેઠકમાં ઉભો થયો છે. આ વિવાદ આગામી દિવસોમાં ભારે ચર્ચા જગાવે તો નવાઈ નહીં.

  • ઇકો કાર અને ક્રુઝ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં લાઈટના અભાવે બ્રિજના ડિવાઈડર પર કાર ચઢી ગઈ
  • નર્મદા મૈયા બ્રિજ પર LED એ DGVCL દ્વારા પાવર સપ્લાયનો પ્રોબ્લેમ છે: અધિકારીનો લૂલો બચાવ

પ્રકાશપર્વ દિવાળીના તહેવાર ટાણે જ નર્મદા મૈયા બ્રિજ અંધકારમાં ગરક થઈ ગયો છે. ભરૂચ – અંકલેશ્વર માટે નવો આકાર પામેલા નર્મદા મૈયા બ્રિજ પર હજુ એક વર્ષ પહેલાં જ મુકાયેલી LED લાઈટ્સ બંધ થઈ ગઈ છે. નર્મદા મૈયા બ્રિજ પર લગભગ ૪-૫ દિવસથી LED લાઈટો બંધ રહેતા ઘોર અંધકારથી વાહનચાલકોની હાલત કફોડી બની છે. રાત્રિના સમયે બ્રિજ પરથી પસાર થતાં વાહનચાલકોને સામે કશું દેખાતું જ નહીં હોવાથી વાહનો એકબીજા સાથે અને ડિવાઈડર પર ભટકાઈ રહ્યાં છે.

નર્મદા મૈયા બ્રીજ પર LED લાઈટ બંધ હોવાના લીધે ગઈકાલે રાત્રે ઇકો અને ક્રુઝ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. લાઈટો જો બંધ રહેશે તો અકસ્માતનો વણઝાર ચાલુ રહેવાની નોબત આવશે. જો કે નર્મદા મૈયા બ્રિજ પર LED બંધ લાઈટ મુદ્દો સંકલનમાં પુછાતા આખો મુદ્દો ચગવાના અણસાર મળી રહ્યા છે.

જે બાબતે વડોદરાના એક્ષચેન્જ અધિકારી ડી.એમ.ફળદુ સાથે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે નર્મદા મૈયા બ્રિજ પર LED બંધ રહેતા એ DGVCL દ્વારા પાવર સપ્લાયનો પ્રોબ્લેમ છે. અંકલેશ્વર તરફથી પાવર બાબતે બે-ત્રણ વખત DGVCLને પત્ર લખ્યા છે.છતાં હજુ પ્રોબ્લેમ છે.

Most Popular

To Top