સુરત: પલસાણાના (Palsana) ચલથાણ ને.હા.48 પર કારને અજાણ્યા વાહને ટક્કર મારતાં કાર ત્રણ ગુલાંટ મારી હાઈવેની (high way) બાજુના ખાડામાં પડી હતી. જો કે, આ અકસ્માતમાં (accident) કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ કારમાં છુપાવેલો દારૂ () (Liquor) રસ્તા પર વિખેરાઈ જતાં લોકોએ વિદેશી રીતસરની દારૂની લૂંટ ચલાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરુવારે વહેલી સવારે 8 વાગ્યાના અરસામાં પલસાણાના ચલથાણમાં પ્રિન્સ હોટલની સામે ને.હા.નં.48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતી સ્ક્વોડા કાર નં.(GJ 27 AH 5170)ને પાછળથી ધડાકાભેર અજાણ્યા ટ્રકચાલકે ટક્કર મારતાં કાર ત્રણ ગુલાંટ મારી હાઇવે બાજુના ખાડામાં જઈ પડી હતી. આ અકસ્માતના કારમાં પગના મોજામાં છુપાવેલી નાની-મોટી વિદેશી દારૂની બોટલો રસ્તા પર વિખેરાઈ જતાં રાહદારીએ રીતસરની લૂંટ મચાવી હતી. આ ઘટના અંગે કડોદરા પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં અકસ્માત થયેલી કારમાંથી સીટ પાસેથી બે નંગ મોટી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. અને રસ્તા પર કાચની તૂટેલી બોટલો વિખેરાઈ પડી હતી. પોલીસને ઘટના સ્થળે કારચાલક ઉપેન્દ્ર રસિક રાઠોડ (ઉં.વ.45) (રહે.,સહજાનંદ સોસાયટી, ઘર નં.301, તા.કામરેજ, મૂળ રહે.,રાજપીપળા, ગઢડા, જિ.બોટાદ) સ્થળ પર હાજર મળી આવ્યો હતો. પોલીસે કારચાલકની પૂછપરછ કરી કારચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી બે નંગ વિદેશી દારૂની બોટલ અને કાર સહિત 1.51 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સમક્ષ બુટલેગરની કબૂલાત : વિકલાંગ છું અને આર્થિક પરિસ્થિતિ નબળી છે એટલે દારૂ વેચું છું
ઘટના સ્થળેથી પકડેલા કારચાલક ઉપેન્દ્ર રાઠોડે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, મારું શરીર ખોડખાંપણવાળું હોવાથી મને સરખું કામ મળતું નથી અને મારી આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાથી હું ચોરીછૂપી દારૂ વેચું છું. શુક્રવારે હું સેલવાસ અને દમણ ગયો હતો અને ત્યાં જુદી જુદી દુકાનેથી એક બે વિદેશી દારૂઓની બોટલો ખરીદી કરી બે પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ભેગો કરી બોટલો પર પગના મોજા ચઢાવી સીટ નીચે સંતાડી લાવી રહ્યો હતો અને અહીં ગાડીમાં બ્લુટુથ સેટ કરવા માટે થોભાવી હતી. જે દરમિયાન કોઈ અજાણ્યાએ ટક્કર મારી હતી.
ગંગાધરા પાટિયા પાસે કારમાંથી દારૂ ઝડપાયો
પલસાણા: પલસાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમીના આધારે બારડોલી સુરત રોડ ઉપર ગંગાધર પાટિયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. કારનો ચાલક નવાપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સુરત જઇ રહ્યો હતો. પલસાણા પોલીસે ગંગાધરા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. એ દરમિયાન બાતમી મુજબની એક કાર નં.(જીજે-15-સીજે-9803) આવતાં તેને અટકાવી હતી અને કારમાં બેસેલા ચાલક નવીન ઠાકોર ગીનીવાળા (ઉં.વ.51) (રહે., સલાબતપુરા)ને ઝડપી પાડ્યા હતા અને પોલીસે કારમાં તપાસ કરતાં રૂ.27,400નો દારૂ, કાર અને મોબાઈલ મળી કુલ રૂ.1,32,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલા શખ્સોની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો સુરત ખાતે લઈ જવાના હતા. પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.