નડિયાદ: ખેડાના માતર નજીકના નેશનલ હાઇવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 1 કિશોર સહિત 3 યુવાન મિત્રોના સ્થળ પરજ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.બાઇક ઉપર 4 સવારી જઇ રહેલા યુવકો ઓવર સ્પીડમાં હોવાથી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા બાઇક રોડની સાઇડમાં ઉભેલા કન્ટેનર પાછળ ઘુસી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ યુવકોના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવવ્યા હતા. પોતાના જુવાનજોધ પુત્રોના મૃતદેહ જોઇને તેઓ ભાંગી પડ્યા હતા. આ બનાવ સંદર્ભે માતર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. ખેડા જિલ્લાના માતર પંથકમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર ગતરાત્રે સવા એક વાગ્યાની આસપાસ સોખડા નજીક આવેલી હોટલ પાસેથી પસાર થતા 4 સવારી મોટરસાયકલના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા હાઈવેની સાઈડમાં આવેલ હોટલના પાર્કિંગમાં ઊભા રહેલા કન્ટેનરની પાછળ બાઇક ધડાકાભેર અથડાયું હતું.આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર ચાર યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. ઘટનાને પગલે આસપાસથી દોડી આવેલા લોકોએ ૧૦૮ ને જાણ કરતાં, ટીમ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. જ્યાં ચારેય યુવકોને તપાસતાં તેમના મોત નીપજ્યા હોવાનું માલુમ પડતાં,આ મામલે પોલીસને જાણ કરી, મૃતદેહને સરકારી દવાખાનામાં મોકલી આપવામાં આવ્યા હતા. આ અંગે માતર પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.અસારીએ જણાવ્યું હતું કે, મરણ જનાર તમામ મિત્રો હતા. તેઓ નડિયાદ ખાતે પોલીસે ડિટેઇન કરેલું બાઇક છોડાવવા માટે આવ્યા હતા. બાદમાં મધરાત્રે એક જ મોટરસાઇકલ પર અમદાવાદ પરત જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માત જોતા મોટરસાયકલ ઓવરસ્પીડમાં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઇ રહ્યું છે. હાલમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
તલવાર અને લોખંડની ફેંટ મળી આવી
અકસ્માત સ્થળે મૃતદેહ પાસેથી તલવાર અને લોખંડની ફેંટ પણ મળી આવી હતી. આ યુવકો ડાકોર દર્શનાર્થે ગયા હોવાનું અને ત્યાંથી પરત નડિયાદ થઇને અમદાવાદ જવા નીકળ્યા હોવાની પણ ચર્ચા હતી. જોકે, ડાકોરથી ખાત્રજ થઇને આ યુવકો સીધા અમદાવાદ જઇ શકે તેમ હોવાછતાં ખેડાવાળા હાઇવેથી કેમ જઇ રહ્યા હતા અને તેમની પાસેથી મળી આવેલી તલવાર અને લોખંડની ફેંટને લઇને પણ કેટલાક સવાલો ઉભા થયા છે.
અકસ્માત મૃત્યુ પામેલ યુવાનોની યાદી
જીતેશ રમેશભાઈ નોગીયા (ઉ.વ.23, રહે. અમરાઈવાડી, 54 શિવાનંદનગર, અમદાવાદ)
હરીશ દિનેશભાઈ રાણા (ઉં.વ. 19, રહે.CTM, સિંધવાઇ માતાનું ભરવાડ વાસ, અમદાવાદ)
નરેશ વિજયભાઈ વણઝારા (ઉ.વ.22,રહે. અમરાઈવાડી, અમદાવાદ)
સુંદરમ ઉર્ફે છોટુ સુભાષભાઈ યાદવ (ઉં.વ. 17,રહે. પંડિતજીની ચાલી, અમદાવાદ)