ઉત્તરાખંડ: ઉત્તરાખંડના (Uttarakhand) ચંપાવતમાં (champawat) સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના (accident) બની છે. ચંપાવત જિલ્લાના ડાંડા વિસ્તારમાં સોમવારે રાત્રે લગ્ન પતાવી પરત ફરી રહેલા જાનૈયાની બસ ખીણમાં પડી ગઈ હતી, જેમાં 14 લોકોના કરૂણ મોત (death) નિપજ્યા હતા. આ દુર્ઘટના ચંપાવતના સુખીઘાંડા-રીછા સાહિબ રોડ પર વહેલી સવારે 3 વાગે ઘટી હતી. લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા.
દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. બચાવ ટીમે ખીણમાંથી 14 મૃતદેહો બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બે લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ટનકપુર-ચંપાવત હાઈવે સાથે જોડાયેલા સુખીધાંગ-દંડામિનાર રોડ પર વાહન અકસ્માતમાં 16માંથી 14 લોકોના મોત થયા હતા.
પોલીસ કેસની તપાસમાં જોતરાઈ
અકસ્માતના પગલે બસનો ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયો હતો. ડ્રાઇવર અને અન્ય ગંભીર વ્યક્તિને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વાહનમાં સવાર તમામ લોકો ટનકપુરની પંચમુખી ધર્મશાળામાં યોજાયેલા લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરી રહ્યા હતા. માહિતી અનુસાર આ દુર્ઘટના મંગળવારે સવારે 3:30 વાગ્યાની છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો લક્ષ્મણ સિંહના પુત્ર મનોજ સિંહના લગ્નમાં હાજરી આપવા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના લક્ષ્મણ સિંહના સંબંધીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. ડ્રાઈવરની હાલત વધુ ગંભીર છે. મૃતકો કાકનાઈના ડાંડા અને કાથોટી ગામના વતની હતા. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અકસ્માત ઓવર-લોડના કારણે થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે પોલીસ આ મામલે હજી તપાસ કરી રહી છે.
PMNRF તરફથી મૃતકના પરિજનોને 2-2 લાખ, અને ઈજાગ્રસતોને 50,000ની સહાય
ઉત્તરાખંડના ચંપાવતમાં થયેલ આ દુર્ઘટનામાં ઉત્તરાખંડના સીએમ પુષ્કર ધામીએ ટ્વીટ કરીને શોક અને પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું. સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા છે. ઉત્તરાખંડમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના નજીકના સંબંધીઓ માટે PMNRF તરફથી પ્રત્યેકને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.