વાંસદા: વાંસદા તાલુકાના ભીનાર ગામે ખડકાળા સર્કલ (Circle) પાસે તાપી જિલ્લા, ડોલવણ તાલુકાના પાટી ગામ ખાતે રહેતા ઇશ્વર વનાભાઈ ગામીત અને તેમની પત્ની સંગીતા ઇશ્વરભાઈ ગામીત એક્સેસ મો.સા. નંબર GJ 26 AA 6920 લઇ વાંસદા પોતાના કામ (Work) અર્થે ગયા હતા. ત્યાર બાદ કામ પતાવી તેઓ પરત વાસંદાથી પોતાના ઘર (Home) તરફ જઈ રહ્યા હતા ત્યારે ભીનાર ગામના ખડકાલા સર્કલ પાસે પોતાની નીયત સાઈડ પર ગાડી હંકારી રહ્યા હતા એ દરમ્યાન ફોરવ્હીલ ગાડી નં. GJ 15 CA 6358નો ચાલક ઉનાઈ તરફથી પોતાની ગાડી પુર ઝડપે હંકારી લાવતો હતો તેણે સ્ટિટરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડ પરનું ડિવાઈડર કુદાવી સામેની રોંગ સાઇડે જઈ ઈશ્વર ગામીતની બાઈકને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં (Accident) દંપતીને પગમાં ગંભીર ઇજા પહોંચતા ફેક્ચર થયું હતું. આસપાસના લોકોએ 108 બોલાવી દંપતીને વાંસદા કોટેજ હોસ્પિટલમાં (Hospital) ખસેડ્યું હતું. જ્યાં સારવાર દરમ્યાન ઇશ્વરભાઈ ગામીતનું મોત નીપજ્યું હતું જ્યારે સંગીતા બેનની હાલત ગંભીર છે.
આ સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈએ વાંસદા પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. અહીં રોડની ડિવાઈર ઉંચી બનાવવા એક સ્થાનિક રહીશે કહ્યું છે.
સિયાલજ નજીક હાઈવે પર પાંચ વાહન એકસાથે અથડાતાં ટ્રાફિકજામ
હથોડા: સિયાલજ નજીક હાઇવે પર સાંજે ચાલુ વરસાદમાં એકની પાછળ એક પાંચ વાહન અથડાતાં વાહનોમાં નુકસાન થવા સાથે નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી. ધડાકા સાથે વાહનો અથડાવા છતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. શુક્રવારે સાંજના સમયે સિયાલજ પાટિયા પાસે નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહેલ એક કારચાલકે બ્રેક મારતાં તેની પાછળ આવનારાં પાંચ વાહનો એક સાથે અથડાઈ ગયાં હતાં. જેના કારણે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવે પર કોસંબા પાસે ટ્રાફિક સમસ્યા ઊભી થતાં વરસતા વરસાદમાં વાહનચાલકો તોબા પોકારી ઊઠ્યા હતા. પાલોદ પોલીસે અકસ્માત પામેલાં વાહનોને ખસેડાવી મોડી સાંજે ટ્રાફિક ખુલ્લો કરવા પ્રયાસો હાથ ધર્યા હતા.
જોગવાડમાં કૂવો સાફ કરી ઉપર ચડતા દોરડા પરથી હાથ છટકી જતા યુવકનું મોત નીપજ્યું
ઘેજ : ચીખલી તાલુકાના જોગવાડ ગામના ખાલપી ફળીયા ખાતે રહેતા અનિલ હસમુખભાઈ હળપતિ (ઉ.વ-૨૮) જે શુક્રવારની સવારના ૯ થી ૧૦ વાગ્યાના સમય દરમ્યાન જોગવાડ રામનગર ખાતે રહેતી પૂનમબેન અજયભાઈ હળપતિના ઘરની પાછળના ભાગે આવેલ સરકારી કૂવામાં કચરાની સફાઈ માટે ઉતર્યો હતો. અને સાફ સફાઈ થયા બાદ કુવામાંથી બહાર નીકળતી વખતે કૂવામાં આશરે ૪૦ થી ૪૫ ફૂટની ઊંચાઈ ઉપર આવ્યા બાદ અકસ્માતે દોરડામાંથી હાથ છૂટી જતા આશરે ૬૦ ફૂટની ઊંડાઈના કૂવામાં પડી ગયો હતો. જેને સ્થાનિકોએ બહાર કાઢી સારવાર અર્થે ટાંકલ સરકારી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના ભાઈ ભાવેશ હળપતિએ કરતા વધુ તપાસ હે.કો-દિનેશભાઇ મણિલાલ કરી રહ્યા છે.